મોરબી જિલ્લાના આ ગામની સરકારી શાળા છે ઉપવનને પણ ટક્કર મારે એવી વૃક્ષોથી હરીભરી અને લીલીછમ

- text


ગ્રીન શાળા પ્રોજકેટ હેઠળ આખી સરકારી શાળા ઉપવન બની, આચાર્યએ શિક્ષકોની ટિમ અને ગ્રામજનોના સહકારથી ખાનગી શાળાને ટક્કર આપે તેવી મેરુપર ગામની સરકારી શાળા બનાવી

હળવદ : ખાનગી શાળાના ક્રેઝ વચ્ચે સરકારી શિક્ષણનું અસ્તિત્વ જોખમમાં મુકાય ગયું છે. જો કે ખાનગી શાળા કરતા પણ સરકારી શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો સહિતની બહેતર સુવિધા હોય છે. બસ, આ સરકારી શાળાને વધુ ગુણવત્તાસભર અને અર્થસભર શિક્ષણ બનાવવાના પ્રયાસ થાય તો સરકારી શાળા પણ ખાનગી શાળાને ટક્કર આપી શકે છે. આ દિશામાં હળવદના મેરુપર ગામના આચાર્યએ કામ કર્યું અને શિક્ષકોની ટિમ અને ગ્રામજનોના સાથ સહકારની મેરૂપર ગામની સરકારી શાળાની એવી કાયાપલટ કરી નાખી છે. આ શાળાને જોતા જ એવું લાગે કે ખરેખર લીલાછમ ઉપવનમાં એવું ગયા કે શું?

હળવદના મેરૂપર ગામની સરકારી શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડા મોરબી અપડેટ સાથેની વાતચીતમાં કહે છે કે વર્ષે 1998 થી 2005 સુધી મેરૂપર ગામની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેમની બદલી થઈ ગઈ હતી. આથી, મેરૂપર ગામના લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈને આખરે વર્ષે 2012માં ફરી તેમની મેરૂપર ગામની શાળામાં નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2012માં તેઓ શાળામાં આવતાની સાથે તેમણે આ સરકારી શાળા ગુણવત્તાસભર અને અર્થસભર બનાવવાનો સંકલ્પ લીધો હતો.

આ આખી શાળાને ડેવલપ કરવા માટે તેમને શિક્ષકોની સમગ્ર ટિમ અને ગ્રામજનોનો ભારે સહયોગ સાંપડ્યો હતો. જો કે શરૂઆતમાં શાળામાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ થતી હોય એ શાળા પહેલેથી જ લીલીછમ હરિયાળી હોવાથી સરકારના ગ્રીન સ્કૂલ પ્રોજેકટમાં મેરુપર શાળાની પસંદગી થઈ. આથી, આ શાળાને ગ્રીન શાળામાં ડેવલપ કરવાનું વધુ પ્રોત્સાહન મળ્યું હતું.

સરકારના ગ્રીન સ્કૂલ પ્રોજકેટ હેઠળ મેરૂપર શાળા એકદમ લીલુંછમ ઉપવન બની ગઈ છે. છેલ્લા સાત વર્ષથી આ પ્રોજેકટ હેઠળ મેરૂપર શાળાને ગ્રીન શાળામાં ડેવલપ કરવામાં આવી છે. આ શાળાના ગાર્ડનમાં 500 વધુ વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. શાળામાં જ્યાં જુઓ ત્યાં દંગ રહી જાય તેવી લીલીછમ હરિયાળી છવાયેલી છે. શાળાનું વાતાવરણ એકદમ શુદ્ધ રહે છે.

ઉપરાંત, બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પડે તે માટે બાળ ક્રીડાગણ બનાવવામાં આવ્યું છે. જેમાં બાળકો માટે રમત-ગમતના તમામ સાધનો ઉપલબ્ધ કરાયા છે. તેમજ બાળકોને કોમ્યુટરનું જ્ઞાન આપવા માટે ગ્રામજનોના સહકારથી શાળા કોમ્યુટર લેબ બનનાવામાં આવી છે. આ કોમ્યુટર શિક્ષકને ગ્રામજનો માનદ વેતન ચૂકવે છે. તેમજ અદ્યતન વિજ્ઞાન પ્રયોગ શાળા બનનાવવામાં આવી છે અને પુસ્તકાલયનું કામ ચાલુ છે. ધો. 6થી 8માં જ્ઞાનકુંજ દ્વારા ડીઝીટલ માધ્યમથી શિક્ષણ અપાઈ છે. ગ્રીન શાળા હેઠળ કમ્પોઝીટ ખાતર, ટેન્ટ, ચબૂતરો, બાળ કુટીર બનાવવામાં આવી છે.

લોકડાઉનથી શાળા બંધ હોય હાલ બાળકોને ઘરેબેઠા ઓનાઇલન શિક્ષણ તથા જુદીજુદી કસોટીઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઓનલાઈન રાખડી, ઇકો ફ્રેન્ડલી ગણેશા મેકિંગ, ગાંધી જયંતિએ સ્વચ્છ ભારત અને આત્મનિર્ભર ભારત હેઠળ ચિત્ર સ્પર્ધા સહિતની કસોટીઓ યોજાઈ હતી. લોકડાઉનમાં બાળકો ગુજરાત રાજ્ય વિશે જાણી શકે તે માટે ‘ચાલો ગુજરાત વિશે જાણીએ’ની કસોટી લેવામાં આવે છે. આમ, શાળા બંધ હોવા છતાં નિરંતર શિક્ષણ ચાલુ છે.

- text

જ્યારે 2012થી અત્યાર સુધીમાં સરકારની શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરૂપર ગામના 28 બાળકો મેરીટમાં સ્થાન પામીને ભણતર માટે શિષ્યવૃત્તિનો લાભ મેળવી રહ્યા છે. તેમજ 2012થી 2019 સુધી શાળાના શિક્ષક જયવંતસિંહના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભમાં આ શાળાના કુમાર અને કન્યાઓની ટીમે રાજ્ય કક્ષાએ ઉજ્જવલ દેખાવ કર્યો છે. જો કે આ શાળામાં 228 બાળકો ભણે છે. આ શાળા ખાનગી શાળાને ટક્કર મારતી હોવાથી ગામના કોઈ બાળક ખાનગી શાળામાં ભણવા જ જતા નથી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text