ખાખીએ માનવતા મહેકાવી : હળવદની દુષ્કર્મની પીડિતાના બાળકને મોરબી જિલ્લા પોલીસ દત્તક લેશે

- text


પોલીસ વિભાગના કર્મીઓ સ્વૈચ્છીક ફાળો આપી માતા અને બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે

મોરબી : હળવદમાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાના પુત્રને જિલ્લા પોલીસ દ્વારા દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લા પોલીસે આ બાળકના ઉછેર તથા ભણતર સહિતની તમામ જવાબદારી સ્વીકારી છે. તેમજ ભોગ બનનાર મહિલાની પણ વિશેષ કાળજી લેવાની જવાબદારી સ્વીકારી છે.

હળવદમાં થોડા દિવસ પહેલા દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટના સંદર્ભે પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે કે દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાના બાળકને મોરબી જિલ્લા પોલીસ દત્તક લેશે. આ બાળકને દત્તક લેવા મામલે મોરબી પોલીસે રાજકોટ રેન્જ IG સંદીપસિંહ અને DGP આશિષ ભાટિયાને રજૂઆત કરી ત્યારે તેઓ પણ મોરબી પોલીસના વિચારને વધાવી લીધો હતો. આ મામલે તેઓએ હકારાત્મક પ્રતિસાદ આપતા બાળકની માતા એટલે કે ભોગ બનનાર સ્ત્રીની કાળજી અને જવાબદારી લેવા સૂચન કર્યું હતું.

- text

આ રીતે ઉચ્ચ કક્ષાએથી પ્રોત્સાહન મળતા મોરબી પોલીસ બાળકને દત્તક લેવા કટિબદ્ધ થયા હતા. હાલમાં મોરબી પોલીસ દ્વારા બાળક અને તેની માતાની સાર-સંભાળ માટે સંસ્થામાં આશરો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સ્વૈચ્છીક રીતે ફાળો આપવા માંગતા હોય તો તે માટે અલગથી બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાં ફંડ એકત્ર કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં તે બાળકને સ્કૂલમાં એડમિશન અપાવી તેમની ભણતરની જવાબદારી ઉઠાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, વાંકાનેર, હળવદ સહીત તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સાથે મળીને લીધો છે.

આમ, મોરબી જિલ્લા પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા અને બાળકના ભવિષ્યની જવાબદારી ઉઠાવી માનવતાવાદી પગલું ભર્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાની અવગણના કરતા સમાજમાં મોરબી જિલ્લા પોલીસે ઉઠાવેલ કદમ આવકાર્ય છે. આ સત્કાર્યથી પોલીસે સમાજને સંદેશ આપ્યો છે કે સમાજમાં નરાધમોની સાથે પીડિતાના ઉત્કર્ષ માટે મદદ કરનારા લોકો પણ છે. અને સમાજે પણ પીડિતા સાથે દુર્વ્યવહારના બદલે તેના માટે સદભાવના અપનાવવી જોઈએ.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text