મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને મહિલાઓનો સતત બીજા દિવસે પાલિકામાં મોરચો

- text


મહિલાઓએ પાલિકા કચેરીમાં રામધૂન બોલાવીને ચીફ ઓફિસર સમક્ષ સમસ્યાઓની ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને મહિલાઓ સહિતના રહીશોએ આજે સતત બીજા દિવસે પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો. અને પાલિકા કચેરીમાં રામધૂન બોલાવીને પીવાના પાણીના સાંસા તેમજ ગટરની ગંદકી સહિતના પ્રશ્ને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરે રજુઆતો સાંભળીને મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા નવા આવાસોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના મુદ્દે ગઈકાલે મહિલાઓ સહિતના સ્થાનિક લોકોએ પાલિકામાં હલ્લાબોલ કર્યું હતું અને જ્યાં સુધી સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી પાલિકામાં ધરણા પર બેસી રહેવાની ચીમકી આપીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ છતાં મુખ્યમંત્રી આવાસો પીવાના પાણી અને ઉભરાતી ગટરની ગંદકી સહિતની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્રએ નક્કર કાર્યવાહી ન કરતા આજે ફરી આ વિસ્તારની મહિલા સહિતના સ્થાનિક લોકોનું ટોળું પાલિકા કચેરીએ ધસી ગયું હતું. સ્થાનિક લોકોએ પાલિકામાં ધરણા પર બેસીને રામધૂન બોલાવી હતી. તેમજ ચીફ ઓફિસર સમક્ષ પોતાની સમસ્યાઓ અંગે ઉગ્ર રજુઆત કરી હતી.

રહીશોએ જણાવ્યું હતું કે, જ્યારથી મુખ્યમંત્રી આવાસોમાં તેઓ રહેવા આવ્યા ત્યારથી જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. પીવાનું પાણી પણ મળતું નથી. તેમજ ગટરો ગંદકીથી સતત ઉભરાઈ રહે છે. આથી લોકોને આ સમસ્યાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી, આ સમસ્યાઓનો કાયમી ઉકેલ કરવાની માંગ કરી હતી. જેથી ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે.

- text

મુખ્યમંત્રી આવાસોમાં અસુવિધા મામલે શુ કહે છે ચીફ ઓફિસર ?

મુખ્યમંત્રી આવાસોમાં અસુવિધા મામલે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, અગાઉ વર્ષે 2016 માં પાલિકા દ્વારા તમામ સુવિધાઓ મુખ્યમંત્રી આવાસોમાં આપવામાં આવી હતી અને 2017 માં મુખ્યમંત્રી આવાસોની લાભાર્થીઓને સોંપણી કરવામાં આવી હતી. જોકે, પાલિકા દ્વારા કંપલેટ સુવિધાઓ સાથે આવાસોની સોંપણી કરવામાં આવી હતી. બાદમાં સુવિધાઓ જાળવણી કરવા માટે મુખ્યમંત્રી આવાસ યોજનના લોકોની બનાવયેલી કમિટીની જવાબદારી હોય છે. પણ પાલિકા દ્વારા અપાયેલી સુવિધાઓમાં ભાંગતુટ કરાઈ છે. આથી ફરીથી સ્થાનિક રહીશોની 11 લોકોની કમિટી બનાવવામાં આવશે અને અઠવાડિયામાંમાં ત્યાં તમામ સુવિધાઓ પાલિકા દ્વારા પુરી પાડવામાં આવશે. ત્યારબાદ આ સુવિધાઓની જાળવણી કરવાની જવાબદારી કમિટીની રહેશે. ઉપરાંત જે જે લોકો ગેરકાયદે રહે છે. તે અંગે સર્વે કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text