સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ વધુ બે યોજનાઓનો શુભારંભ

- text


મોરબીમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગતની યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીના હુકમો એનાયત કરાયા

મોરબી : રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આત્મ નિર્ભર ગુજરાત અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ પ્રાકૃતિક કૃષિની બે યોજનાનું આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ મા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ વચ્ચે ગાંધીનગરથી લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબીમાં ટાઉનહોલ ખાતે હળવદ વિસ્તારના ધારાસભ્યશ્રી પરષોત્તમભાઇ સાબરીયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાઓનો શુભારંભ તેમજ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને ગાય અને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે સમયની માંગઃ ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા

ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયાએ પ્રસંગચિત્ત ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના ઉત્થાન કરવું એ રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય છે ત્યારે ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે વધુ નફાકારક હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીથી ખેતીની જમીન સોના જેવી થશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે રાજ્ય સરકાર દ્વારા જગતના તાતને વધુ બે ભેંટ આપવા બદલ રાજ્ય સરકારનો આભારઃ પૂર્વ ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મોરબી-માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી બ્રીજેશભાઇ મેરજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે રાજ્ય સરકાર દ્વારા જગતના તાતને વધુ બે ભેંટ આપવા બદલ રાજ્ય સરકારનો આભાર માની ખેતીને દેશની કરોડરજ્જૂ કહી પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માનીત થયેલ ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા. અને મોરબી-માળીયા વિસ્તારમાં સિંચાઇ દ્વારા ખેતર સુધી પાણી પહોંચાડવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણે મંચસ્થ મહાનુભવોનું સ્વાગત કરી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે લોન્ચ થયેલ યોજનાઓ અંગે માહિતી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક દિલીપભાઇ સરડવા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને પ્રાકૃતિક તેમજ ગાય આધારિત ખેતી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ મા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરી ખેડૂતોને પ્રાકૃતિક તેમજ ગાય આધારિત ખેતી તરફ પાછા વળવા અપીલ કરી હતી.

- text

દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અઁતર્ગત દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂપિયા ૯૦૦ની સહાય કરવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય યોજના હેઠળ દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટે રૂપિયા ૧૨૪૮ પ્રતિ કીટ સહાય આપવામાં આવે છે. યોજનાના પ્રારંભે મોરબીમાં ૩૦ જેટલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રાકૃતિક ખેતી માટે બે યોજનાઓના પ્રારંભ માટે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, મોરબી-માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, અગ્રણી સર્વે હંસરાજભાઇ પાંચોટીયા, પ્રભુભાઇ પનારા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જી. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વસૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, ખેતીવાડી વિભાગના રામોલીયા, એસ.એ. સીણોજીયા, સંદીપભાઇ વેકરીયા સહિતના સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. કોરોના અંગેની ગાઇડલાઇન્સ મુજબ કાર્યક્રમમાં મોરબી ટાઉનહોલની બેઠક વ્યવસ્થા પ્રમાણે ખેડૂતોને આમંત્રીત કરવામાં આવ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text