મોરબીના તખ્તસિંહજી રોડ પર ગટરના ગંદા પાણી વચ્ચે વેપારીઓ ધંધો કરવા મજબૂર

- text


વરસાદના પાણી તથા ભૂગર્ભ ગટરના સતત ઉભરાતા ગંદા પાણીના કારણે ત્રસ્ત થયેલા વેપારીઓએ પાલિકાને રજુઆત કરી

મોરબી : મોરબીમાં છેલ્લા દોઢ માસથી અવિરતપણે પણ વરસતા વરસાદથી બદતર હાલત સર્જાઈ છે. તેમાંય તંત્રની બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરે પણ પોત પ્રકાશ્યું છે. મોરબીના બજાર વિસ્તાર તખ્તસિંહજી રોડ ઉપર વરસાદના પાણી ભરવાની સાથે ભૂગર્ભ ગટર પણ સતત ઉભરાતી હોવાથી આજુબાજુના વેપારીઓ ગટરની ગંદકી વચ્ચે જ ધંધો કરવા મજબૂર બન્યા છે. આથી, વરસાદના પાણી તથા ભૂગર્ભ ગટરના સતત ઉભરાતા ગંદા પાણીના કારણે ત્રસ્ત થયેલા વેપારીઓએ પાલિકાને રજુઆત કરી છે.

મોરબીના હાર્દ સમાં અને મુખ્ય બજાર વિસ્તાર ગણાતા તખ્તસિંહજી રોડ પર દુકાનો ધરાવતા વેપારીઓએ આજે પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે સતત વરસાદને કારણે તખ્તસિંહજી રોડ ઉપર પાણી ભરાઈ રહેવાની સાથે ભૂગર્ભ ગટરની ગંદકીએ પણ માજા મૂકી છે. જેમાં નહેરુ ગેઇટ પાસેની ભૂગર્ભ ગટરની કુંડીમાંથી ગટરનું પાણી વહીને તખ્તસિંહજી રોડ ઉપર ભરાઈ છે. રોડ ઉપર સતત પાણી ભરાઈ રહેતા ખાડાખબડા પડી ગયા છે. તેથી, ગટરના ગંદા પાણી અને ખરાબ રોડને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ આ રોડ ઉપર બન્ને બાજુએ અનેક દુકાનો આવેલી હોય વેપારીઓને ગટરની ગંદકી વચ્ચે જ ધંધો કરવામાં ભારે પરેશાની વેઠવી પડે છે.

વધુમાં જણાવ્યું હતું કે રોડ ઉપર ઉભરાતા ગટરના ગંદા પાણીથી બેસુમાર ગંદકી ફેલાય છે. તેથી, દુકાનદારો પર રોગચાળાનું જોખમ ઉભું થયું છે. તખ્તસિંહજી રોડને જોડતા ગાંધી ચોકથી નવયુગ કાપડ સુધીનો રોડ ભારે ખરાબ હાલતમાં છે. આ રોડ વનવે હોવાથી લોકોને ફરજિયાત પસાર થવું પડે છે. ખરાબ રોડથી વાહનચાલકો પર અકસ્માતનો ભય રહે છે. તેથી, આ સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ કરવાની વેપારીઓએ માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text