મોરબી : કોરોનાગ્રસ્ત વૃદ્ધ જીવિત હોવા છતાં તેને મૃત જાહેર કર્યાનો પરિવારજનોનો આરોપ

- text


મોરબી સિવિલના હોસ્પિટલના સ્ટાફે તમારા દાદાનું મૃત્યુ થયાનું કહી દેતા તેમના પરિવજનોએ સગા-વહાલાને જાણ કરી દીધી, પાછળથી ખબર પડી કે દાદા તો હજુ જીવે છે : પરિવારજનો

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ તંત્ર હંમેશા કોઈ ને કોઈ વિવાદમાં રહે છે. ત્યારે આજે તો સિવિલ હોસ્પિટલના સ્ટાફે એક કોરોનાગ્રસ્ત વૃદ્ધ જીવિત હોવા છતાં મૃત્યુ થયાનું તેમના પરિવારજનોને જણાવી દીધું હોવાનો પરિવારનોએ આરોપ લગાવ્યો છે.

મોરબીમાં રહેતા મનસુખભાઇ બેચરભાઈ પટેલે મોરબી સિવિલ હોસ્પિટલ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પિતાના ગત તા.2ના રોજ કોરોના પીઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી પિતાને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આથી, આજે તેમના પરિવારજનો પિતાની તબિયતના ખબર અંતર કાઢવા માટે ગયા હતા. ત્યારે વૃદ્ધની તબિયત અંગે પૂછતાં ત્યાંના ફરજ પરના સ્ટાફે એવું કહી દીધું કે તમારા દાદા તો મૃત્યુ પામ્યા છે આથી, વૃદ્ધના પરિવારજનોએ સ્ટાફની વાત સાચી માનીને આ બનાવની ફોન કરીને તેમના સગા વ્હાલાને ખબર કરી દીધી હતી. જો કે કોરોના વોર્ડમાં જવાની મનાઈ હોવાથી વૃદ્ધના પરિવારજનો ત્યાં જઈ શક્યા ન હતી. પણ એકાદ કલાક પછી વૃદ્ધના પરિવારજનોએ સ્ટાફને પૂછતાં સ્ટાફે એવો જવાબ આપ્યો હતો કે તમારા દાદાની તબિયત એકદમ સામાન્ય છે અને ચિંતા જેવું કાઈ નથી. પણ હોસ્પિટલના સ્ટાફે જીવિત હોવા છતાં મોતની ખબર આપીને તેમના પરિવારજનોની લાગણી સાથે ચેડા કર્યાનો આરોપ લગાવ્યો છે.

- text

આ અંગે સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી ડો. દુધરેજીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું આવી કોઈ ઘટના તેમની જાણમાં નથી. કોરોનાગ્રસ્ત દર્દીની તબિયતની દરેક અપડેટ તેમના પરિવારજનોને ફોન ઉપર અપાઈ છે. તેમજ હોસ્પિટલમાં વીડિયો કોલની પણ સુવિધા છે. સ્ટાફે જીવિત હોવા છતાં મૃત જાહેર કર્યાની બાબત અમારા પાસે આવી નથી. જ્યારે કોરોનાગ્રસ્ત વૃદ્ધના પરિવારજનોને કહ્યું હતું કે અમને હોસ્પિટલના સ્ટાફે આવી વાતચીત કરી હતી. ત્યારે ખરેખર ક્યાં ગેરસમજણ થઈ છે તે તપાસનો વિષય છે.

- text