દેશમાં સૌ પ્રથમવાર મોરબી જિલ્લામાંથી ઇન્ડસ્ટ્રીઝ હેતુના લુઝ મીઠાની ખાસ ટ્રેન રવાના થઈ

- text


જયદીપ એન્ડ કંપનીની માળીયા મી.ના વવાણીયા રેલવે સ્ટેશન પરથી 59 વેગનની પ્રથમ ટ્રેન બનારસ સ્થિત આદિત્ય બિરલા ગ્રુપ માટે રવાના થઈ : મોરબીના સોલ્ટ ઉધોગ માટે ‘મીઠા’ દિવસોની થશે શરૂઆત

મોરબી : મોરબી જિલ્લામાં વિવિધ ઉદ્યોગની સાથોસાથ મીઠા (સોલ્ટ) ઉધોગની પણ એક સમયે બોલબાલા હતી. જો કે સમય અને સંજોગોના પરિવર્તન સાથે મીઠા ઉધોગની માઠી દશા બેઠી હતી. સરકારની વિવિધ નીતિઓ સહિત, પ્રાથમિક માળખાની, ટ્રાન્સપોર્ટેશનની અપૂરતી વ્યવસ્થાઓ વચ્ચે મીઠા ઉધોગ ગૂંગણાંમણ અનુભવતો હતો. અલબત્ત હવે મીઠા ઉદ્યોગ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. જેમાં રેલવે દ્વારા લુઝ મીઠાની હેરફેર માટે સ્પેશિયલ ટ્રેનની મંજુરી આપતા આવી પહેલી ટ્રેન સમગ્ર દેશમાં વવાણીયાથી રવાના થઈ હતી. જેમાં મોરબીની જયદીપ એન્ડ કંપની દ્વારા ભારતની માતબર ગણાતી આદિત્ય બિરલા ગ્રુપની કંપનીમાં લુઝ મીઠાની એક ખાસ ટ્રેન મોકલવામાં આવી છે. સમગ્ર ભારતમાં આ પહેલીવાર છે કે ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ લુઝ મીઠાની ટ્રેન મોકલવામાં આવી હોય.

અત્યાર સુધી ટ્રેનમાં મીઠું મોકલવા માટે પ્રોપર પેકિંગ કરવું પડતું હતું. કન્ટેનર દ્વારા મીઠું મોકલવામાં ખર્ચ વધી જતો હતો. પેકિંગ મીઠું લોડ કરવા માટે મજૂરી વધી જતી હતી. આ તમામ સમસ્યાઓને કારણે દૂર સુધી ઇન્ડસ્ટ્રીઝ હેતુના વપરાશ માટેના મીઠાનું વેંચાણ સીમિત માત્રામાં થઈ શકતું હતું. જો કે રેલવે દ્વારા હવેથી લુઝ મીઠાની ટ્રેન માટે રેક ફાળવતા ઉક્ત સમસ્યાનો અંત આવ્યો છે.

જયદીપ એન્ડ કંપની દ્વારા બનારસ પાસે રેણુંકૂટ ખાતે આવેલા આદિત્ય બિરલા ગ્રુપના “ગ્રાસીમ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ” નામના આલ્કોલીઝ યુનિટ માટે ભારતમાં સૌ પ્રથમ લુઝ મીઠાની 59 રેક ( વેગન ) મોકલવામાં આવ્યા હતા. જયદીપ એન્ડ કંપનીના દિલુભાએ આ અંગે મોરબી અપડેટને વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, 4 ઓગસ્ટને શુક્રવારે રવાના થયેલા 4000 ટન મીઠાની રેક 4/5 દિવસે બનારસ પહોંચશે. બોક્સ N પ્રકારના આ વેગનોમાં રેલવેના નિયમો પ્રમાણે નીચે ઉપર પ્લાસ્ટિકની તાલપત્રી સહિત વ્યવસ્થિત લુઝ મીઠું લોડરથી ખૂબ ઓછા સમયમાં ભરવામાં આવ્યું હતું. લોડિંગ સમયનો આ વિડીઓ રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા એમના ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને દેશભરમાં આ માહિતી આપી હતી.

- text

રેલવે દ્વારા લુઝ ઇન્ડસ્ટ્રીયલ મીઠાના પરિવહનની છૂટ અપાતા ભાડામાં ખૂબ મોટો ફાયદો થશે. વળી મજૂરી ખર્ચ ઓછો થશે અને સમય પણ બચશે. આનાથી મોટો ફાયદો નાના મીઠાના ઉદ્યોગકારો અને અગરિયાઓને થશે. સક્ષમ કંપનીઓને દેશની મોટી કંપનીઓમાં વ્યાપાર મળવાથી સ્થાનિક માર્કેટમાં અન્ય લઘુ ઉધોગકારોને પૂરતું સ્થાન મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં એમ.પી.ના નાગદા, બિહારના રહેલા, યુ.પી.ના રેણુંકૂટ સહિતના આદિત્ય બિરલા ગ્રુપના આલ્કોલીઝ યુનિટો આવેલા છે. જ્યાં માત્ર ગુજરાતમાંથી જ 15 લાખ ટન મીઠાની ખરીદી થાય છે. રેલવે દ્વારા પરિવહનની વધુ અનુકૂળતા થતા પાછલા 30 વર્ષથી મીઠા ઉદ્યોગને ભોગવવી પડતી મુશ્કેલીનો સુખદ અંત આવ્યો છે.

- text