બાળકો અને સમાજને મદદરૂપ થવાની નેમ ધારણ કરી અનેક સરાહનીય કાર્યો કરતા દિવ્યાંગ શિક્ષક

- text


શિક્ષક કભી સાધારણ નહીં હોતા : દિવ્યાંગતાને અવગણીને વિપરીત સંજોગોમાં પણ સમાજ સેવાના કાર્યો કરનાર સામંતભાઈનું જીવન પ્રેરણારૂપ છે

જ્ઞાનરૂપી પ્રકાશથી જીવનનું આકાશ દીપી ઉઠે, શિક્ષણના સેતુ પરથી ઉભરાતા આ તેજ વલયો જીવનની હર ક્ષણને પુલકિત કરે છે. પ્રકાશની દિશા પર પગરણ માંડતા એક આદરણીય દિવ્યાંગ શિક્ષકની આ વાત છે.

એમનું નામ છે સામંતભાઈ ઠુંગા. બાળપણથી પોલીયોને કારણે દિવ્યાંગ થયા. દિવ્યાંગ થવા છતાં અનેક વિટંબણાઓ વચ્ચે ઉચ્ચ શિક્ષણ મેળવી સેવાના વ્યવસાયમાં શિક્ષક તરીકે જોડાયા. હાલમાં મોરબીની મહેન્દ્રનગર કુમાર તાલુકા શાળામાં છેલ્લા દોઢેક વર્ષથી મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ અગાઉ તેઓ રાજપર તાલુકા શાળામાં ફરજ બજાવતા હતા.

સામંતભાઈએ માનવ ચહલપહલથી ધમધમતા અમદાવાદ જેવા મહાનગરના ખમાસા વિસ્તારની મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ ગ્રામ્યની પ્રાયોગિક શાળામાં ફરજ બજાવી સુંદર શૈક્ષણિક કાર્ય કરેલ છે. પોતાની સેવાની સુવાસથી આગવી ઓળખ ઉભી કરી છે. પોતાની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને વિદ્યાર્થીઓ પ્રત્યેના પ્રેમને કારણે શાળામાં અનોખો બદલાવ લાવનાર આ શિક્ષકને કુદરતે પગે‌ દિવ્યાંગતા આપી હોવા છતાં તેઓ પોતાના મક્કમ મનોબળના સહારે બાળકોનું ભાવિ ઉજ્જવળ બનાવવાની અને બીજાને મદદરૂપ થવાની નેમ ધારણ કરી અનેક સરાહનીય કાર્યો કર્યા છે.

શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ. વર્ષો પહેલા ચાણક્યે કહેલા આ શબ્દોને સાચા પાડતા હોય એવા ઘણા બધા શિક્ષકો સેવાને સમર્પિત બની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય છે અને જાણે કહેતા હોય છે કે રજ રજને શોધું છું કે રજ ક્યાં પડી છે? ઘણી મથામણને અંતે ખબર પડી કે રજ ફરજમાં પડી છે.

 

આજે શિક્ષક દિન નિમિત્તે દિવ્યાંગ શિક્ષકની વાત કરવી જોઈએ. કુદરતે પગમાં દિવ્યાંગતા આપી હોવા છતાં સામંતભાઈ પોતાની ખામીઓને ખૂબીઓમાં પરિવર્તિત કરીને શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. શાળાના તમામ શિક્ષકોના સાથ અને સહકારથી વિવિધ પ્રવૃતિઓ જેવી કે વિવિધ દિવસોની ઉજવણી કરવી, પર્યટન ગોઠવી જુદા જુદા સ્થળોની મુલાકાત કરાવવી, સ્વચ્છતા અંતર્ગત બાળકના શરીર, નખથી માંડીને માથાના વાળની સફાઇ કરાવવી, વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે અને હાજરીનું પ્રમાણ વધે તે માટે અવાર નવાર વાલી સંપર્ક કરી સમજાવવા. દાન મેળવી તેમજ પોતાના સ્વખર્ચે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક નામો આપવા રાત-દિવસ જોયા વગર વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ શિક્ષક બાળકોના મિત્ર, માર્ગદર્શક બની રહ્યા છે. લાગણી અને કર્મ નિષ્ઠાના કારણે બાળકો તેમજ વાલીઓમાં પ્રિય બની ગયા છે. શરીરથી તેઓ અસમર્થ છે પરંતુ મનથી તેઓ સંપૂર્ણ સમર્થ રહીને બાળકોના ઉજ્જવળ ભાવિ માટે અને કાર્ય કરી રહ્યા છે.

- text

શિક્ષણકાર્ય સિવાય પણ અનેક ક્ષેત્રે સામંતભાઇનું અનેક ક્ષેત્રે યોગદાન રહ્યું છે. ૧૯૯૮થી ૨૦૦૭ દરમિયાન તાલુકા તથા જિલ્લા કક્ષાએ તજજ્ઞ તરીકે ઉત્તમ કામગીરી કરીને શિક્ષકો, આચાર્યો અને સી.આર.સી કો-ઓર્ડીનેટરોને તાલીમ આપી છે. દિવ્યાંગ અને સમાજના પ્રશ્નોને વાચા આપેલ છે.

સામંતભાઇ વર્તમાન પત્રો, માસિકો અને સામયિકોમાં પ્રેરણાત્મક લેખો લખતા આવ્યા છે. પર્યાવરણની જાળવણી અને તેના રક્ષણ માટે સતત જાગૃત છે. સમાચાર પત્રોમાં અવારનવાર આ બાબતે નિર્દેશ કરતા રહ્યા છે. તેમના લેખો સામાજિક સુધારણાની દિશાને ઓજસ્વી બનાવે છે. પ્રકૃતિપ્રેમી છે. વૃક્ષો વિશે ગીતો લખી વૃક્ષારોપણ કરી વૃક્ષો બચાવવાના હિમાયતી છે. બાળગીતોનું અભિનય સાથે ગાન કરાવી બાળકોને રસ બોળ કરવાની ક્ષમતા ધરાવે છે. બાળ રમતો સારી રીતે રમાડી જાણે છે.

આ ઉપરાંત, દિવ્યાંગોના કલ્યાણ ક્ષેત્રે સામંતભાઇની સેવા, શિક્ષણ તાલીમ અને પુન: સ્થાપનની તમામ પ્રવૃત્તિઓ કરવી. તમામ કચેરીઓના સંકલનથી દિવ્યાંગોને મળતી સેવાઓ અંગે માર્ગદર્શક સેમિનારો યોજવા, રાષ્ટ્રના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ જનો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં આયોજનથી માંડીને સંચાલન ક્ષેત્રે કચ્છ જિલ્લાના માંડવીથી માંડીને નવસારી જિલ્લાના ગાંધીઘર કછોલી સુધી ઉત્તમ માનદ સેવા પૂરી પાડેલ છે.

સામંતભાઇ દિવ્યાંગજનોને દરેક રીતે મદદરૂપ થવા હંમેશા તત્પર રહે છે. કન્યા વિક્રય અટકાવી કન્યા કેળવણીના હીમાયતી છે. સામંતભાઈ શૈક્ષણિક, સાહિત્ય કલા, માનવ વિકાસ, સમાજ સુધારણા, પર્યાવરણની જાળવણી, પક્ષી બચાવો અભિયાન ચલાવી અબોલ પશુપંખીની સેવા કરવી ઉપરાંત નાગરિક સંરક્ષણ, બાળ સંરક્ષણ ગૃહમાં માનદ સેવા કરવી, HIV પીડીતોને હુંફ પૂરી પાડવી, શિક્ષણકાર્ય દ્વારા નિરક્ષરતા નાબુદી કરવી, કુરિવાજો દૂર કરવા, વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું જેવી સામાજિક પ્રવૃતિઓ કરીને દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગતાને અવગણીને વિપરીત સંજોગોમાં અને સમાજ સેવાના કાર્યો કરેલ છે અને હાલમાં પણ કાર્યરત છે. કેવું માત્ર પ્રશંસાને પાત્ર નથી પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.

 

- text