બુધવાર સાંજના 6થી આજે ગુરુવાર સવારના 10 સુધીમાં મોરબીમાં દોઢ, હળવદમાં પોણા ઈચ વરસાદ

- text


ટંકારામાં વધુ અડધો ઇંચ, વાંકાનેરમાં 6 મીમી અને માળીયામાં 5 મીમી વરસાદ નોંધાયો : છેલ્લા બે દિવસથી અવિરતપણે ધીમીધારે વરસતી મેઘમહેર

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે.ગઈકાલે જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ મેધો મંડાયો હતો અને મેઘરાજા છેલ્લા બે દિવસથી ધીમીધારે મેઘકૃપા વરસાવી રહ્યા છે. જેમાં ગઈકાલે બુધવારની સાંજના 6 વાગ્યાથી આજે ગુરુવારે સવારના 10 સુધીમાં મોરબીમાં વધુ દોઢ ઈંચ અને હળવદમાં પોણો ઈચ તેમજ ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વાંકાનેરમાં 6 મીમી અને મળિયામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.

મોરબીમાં જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. એકરસ થયેલા વરસાદી વાતાવરણમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ ધીમીધારે મેઘમહેર વરસાવી રહ્યા છે. ગઈકાલે સવારથી શરૂ થયેલો વરસાદ આજે પણ સવારના 10 વાગ્યા સુધી ધીમીધારે ચાલુ રહ્યો છે. બે દિવસથી વરસતા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા.

ત્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમે ગઈકાલ બુધવારે સાંજે 6 વાગ્યાથી આજે ગુરુવારે સવારના 10 સુધીના નોંધાયેલા વરસાદના સત્તાવાર આંકડા પ્રમાણે મોરબીમાં વધુ 39 મીમી એટલે દોઢ ઈંચ, હળવદમાં 18 મીમી એટલે પોણો ઈચ, ટંકારામાં 12 મીમી એટલે અડધો ઇંચ અને વાંકાનેરમાં 6 મીમી તેમજ માળીયામાં 5 મીમી વરસાદ પડ્યો હતો. જો કે વરસાદથી કેટલાક સ્થળોએ ખાના ખરાબી સર્જાયાની અને અમુક જગ્યાએ પાણી ઘુસી ગયાની ફરિયાદો ઉઠી હતી. છેલ્લી માહિતી પ્રમાણે હાલ પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે.

- text

- text