કોરોનાગ્રસ્ત મૃતકોના અંગો કાઢી લેવાતા હોવાની શંકા સાથે તપાસ કરવા રજૂઆત

- text


મોરબી : કોરોનાગ્રસ્ત મૃતકોનાં દેહને પરિવારજનોને સોંપવા અંગે તેમજ કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીનાં મહત્વના અંગો કાઢી લેવામાં આવતા હોવાની શંકા વ્યક્ત કરી કોંગ્રેસ આગેવાને આ બાબતે સરકારને તપાસ કરવાની માંગ કરી છે.

મોરબી કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે કે સરકારી કે ખાનગી દવાખાનાઓમાં કોરોનાના કારણે સંખ્યાબંધ દર્દીઓ મૃત્યુ પામે છે. ત્યારે આવા મૃતકોની લાશ સરકારી કક્ષાએ પ્લાસ્ટીકમાં પેક કરી નિકાલ થાય છે અને જે તે પરિવારને મોઢું પણ બતાવાતું નથી. ત્યારે આમ જનતામાં એવી અફવા છે કે આ મૃતકોના શરીરનાં જરૂરી અંગો સંબંધકર્તા તબિબો કે હોસ્પિટલ દ્વારા કાઢી લેવાય છે અને ભારે કિંમતે વેચાણ થાય છે. જેના કારણે પ્રજામાં ભારે રોષ છે. આમેય કોરોનાની સારવારમાં અનેક ક્ષતિઓ સાથે વિશેષ ફરિયાદ છે.

આ મૃતકોમાં ઘણાં યુવાનો અને સશકત પ્રૌઢો પણ હોય છે. જેનાં કિડની-લીવર, આંખ જેવા અવયવો અમુક સમય સુધી પ્રવૃત સ્થિતીમાં હોય છે અને આવા મૃતકોના અવયવો કાઢી લેવાતા હોવાની વ્યાપક ફરિયાદ છે ત્યારે સરકારની ફરજ છે કે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય તપાસ થવી જોઈએ અને મૃતકોની લાશ પરિવારોને શા માટે સોપાતી નથી? તેનાં કારણો જણાવવા જરૂરી છે. તેમજ આ મૃતકોના અવયવો અંગે લોકોની શંકા દૂર થાય તેવો પ્રબંધ થવો જોઈએ. આવી શંકાઓના કારણે જ મહદ અંશે લોકો દવાખાનામાં જતા ડરે છે અને સારવારથી વંચિત રહે છે. આવા સંક્રમિત દર્દીઓ આ કારણોસર જ દવાખાને જતા ન હોય, અને અન્ય લોકો સાથે મળતા હોય, જેથી કોરોના વધુ ફેલાય છે.

- text

વધુમાં, જણાવાયું છે કે સામાન્ય રીતે પ્રવર્તમાન લોકડાઉનમાં લોકોની આર્થિક પરિસ્થિતી સાવ નાજુક છે, તેવા લોકોને સરકારી દવાખાના સિવાય અન્ય વિકલ્પ નથી. શ્રીમંતો મોટી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શક્તા હોય છે. શ્રીમંત મૃતકોની લાશ તેમના સગાઓને સોંપાય છે, તેવી શક્ય શંકા પ્રવર્તતી હોય તો સરકાર તેમની કક્ષાએ અધિકૃત માહિતી લોકોને આપી સમયસર સારવાર મેળવી શકે તેવો વ્યાજબી પ્રબંધ થવા અપીલ કરવામાં આવી છે.

ઉપરાંત, કોરોનાગ્રસ્ત દર્દી દવાખાનામાં દાખલ થયા પછી તેમના પરિવારજનોને મળવા દેતા નથી. જેને દિવસભરમાં એકવાર સોશ્યલ ડીસ્ટન્સ અને પી.પી.ઈ. કીટ સાથે જરૂરી મુલાકાત લઈ શકે તે અત્યંત જરૂરી છે. જેથી, દર્દીની પરિસ્થિતીનો તેઓના પરિવારને ખ્યાલ આવી શકે. અને કોઈ દર્દી મૃત્યુ પામે ત્યારે પણ સમયસર તેમના પરિવારને જાણ કરતા નથી, જે જાણ કરવી પણ જરૂરી છે. તો દર્દીના પરિવારજનોને સોશ્યલ ડીસ્ટન્સ અને પી.પી.ઈ. કીટ સાથે જરૂરી મુલાકાત લઈ શકે તે અત્યંત જરૂરી છે. ક્યારેક તો મૃતકોને બિનવારસી લાશ ગણી લેવામાં આવે છે જે દુ:ખદ છે. આ બાબતે યોગ્ય પગલાં લેવાની અપીલ સાથે માંગ કરવામાં આવી છે.

- text