હળવદ GIDC વિસ્તારના રહીશોની પાણી પ્રશ્ને પાલિકામાં ઉગ્ર રજૂઆત

- text


૨૦ વર્ષથી પાણીની સમસ્યા છતાં હજુ કોઈ નિકાલ નહીં : લોકોની ધીરજ ખુટી

હળવદ: હળવદ જીઆઇડીસી વિસ્તારમાં પાછલા વીસેક વર્ષથી પાણીની સમસ્યાથી પીડાઈ રહેલા લોકોએ અવારનવાર નેતાઓને તેમજ કચેરીઓમાં રજુઆત કરી ચુકયા છે. જોકે આજ દિન સુધી આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હલ થઈ નથી. ત્યારે આજે વધુ એક વખત જીઆઇડીસી વિસ્તારના લોકોએ પાલિકા કચેરી ખાતે ધસી આવી વર્ષો જૂની પાણીની સમસ્યા હલ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં મોટા ભાગે મીઠાના કામ સાથે સંકળાયેલા અહિના મજુર વર્ગને વર્ષોથી પાણીની સમસ્યા સામે ઝઝૂમવું પડી રહ્યું છે. અહીંના લોકો દિવસ આખો મહેનત કર્યા બાદ સાંજના સમયે મહિલાઓને પાણી માટે જ્યાં ત્યાં ભટકવું પડી રહ્યું છે. અથવા મોંઘા ભાવના પાણીના ટાંકા નખાવા પડી રહ્યા છે. જોકે અહીંના લોકોએ તેઓની પાણીની સમસ્યાને લઇ અવારનવાર લાગતા વળગતા નેતાઓને તેમજ કચેરીઓમાં રજૂઆતો કરતા આવી છે પરંતુ તેઓની રજુઆત આજદિન સુધી ધ્યાને લેવામાં આવી નથી અને પાણીની સમસ્યા આજદિન સુધી હલ કરાઈ પણ નથી.

- text

ત્યારે આજે જીઆઇડીસી વિસ્તારમાં રહેતા હિરાભાઈ ભરવાડ, પ્રભુભાઈ ઠાકોર, મનજીભાઈ ઠાકોર, રવિમારાજ, ભગવાનભાઈ સહિતના લોકો દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થાય અને લોકોને પાણી મળી રહે તે માટે હળવદ પાલિકા કચેરી ખાતે ધસી આવી ધારદાર રજૂઆત કરી હતી. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયા એ જણાવ્યું હતું કે જીઆઇડીસી વિસ્તારના લોકો આજે રજૂઆત કરવા આવ્યા હતા. જેની રજૂઆતને ધ્યાને લઇ આગામી દિવસોમાં ત્યાં પાણીનો બોર અથવા તો પાઇપલાઇન દ્વારા તે વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવશે.

- text