મોરબી : પરિવાર 4 કલાક માટે બહાર ગયો, ત્યાં ઘરમાં તસ્કરો ત્રાટકીને રૂ.7.25 લાખનો હાથ ફેરો કરી ગયા!!

ધોળે દિવસે ચોરીનો બનાવ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મોરબી : મોરબીમાં એક પરિવાર માત્ર ચાર કલાક માટે બહાર ગયો ત્યાં તસ્કરોએ ઘરમાં ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 7.25 લાખની માલમતાનો હાથ ફેરો કર્યો હોવાનો બનાવ નોંધાયો છે. આ અંગે પોલીસે નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સરદાર બાગ પાસે કાયાજી પ્લોટ શેરી નંબર-1મા રહેતા જયેશભાઇ છોટાલાલ કરથીયા ઉ.વ. 53 પરિવાર સાથે પોતાના ભાઈના ઘરે ગયા હતા. તેઓ આજે સવારે 11:30એ ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં બપોરે 4:15 વાગ્યે પરત આવ્યા હતા. આ દરમિયાન કોઈ તસ્કરો તેમના ઘરમાં નવેરાના દરવાજાનો લોક તોડી પ્રવેશ્યા હતા.

બાદમાં રૂમમાં કબાટમાં રાખેલ 14 તોલા સોનાના દાગીના રૂ. 4.20 લાખ રોકડ રકમ રૂ. 3 લાખ મળી રૂ. 7.25 લાખ ચોરી કરી ગયા હતા. આ મામલે જાણ થતા ડીવાયએસપી રાધિકા ભારાઇ, એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પીઆઇ ચૌધરી અને તેમની ટિમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. હાલ આ બનાવમાં જાણ ભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે ધોળે દિવસે થયેલી ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.