મોરબી : યુનિવર્સિટીઓની તથા GTUની પરિક્ષા મોકૂફ રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય

પરિક્ષાની નવી તારીખો ભવિષ્યમાં જાહેર કરાશે

મોરબી : ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી પરિક્ષાઓ અને તા.ર જુલાઇ-ર૦ર૦થી શરૂ થનારી જી.ટી.યુ.ની પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, ભારત સરકારના શિક્ષણ સચિવે પ્રવર્તમાન સ્થિતીમાં દેશના રાજ્યોને દિશાનિર્દેશ આપ્યા છે કે યુનિવર્સિટીઓની પરિક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. વધુમાં, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે દેશના રાજ્યોની યુનિવર્સિટીઓમાં પરિક્ષા સંદર્ભે એકસૂત્રતા અને સમાનતા જળવાઇ રહે તેવા હેતુસર ભારત સરકારના શિક્ષણ વિભાગે આ પરિક્ષાઓ હાલ પૂરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે, આ દિશાનિર્દેશોને પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કરીને શિક્ષણ વિભાગે પણ ગુજરાતમાં તા. ર જુલાઇથી શરૂ થનારી GTU સહિતની અન્ય યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી પરિક્ષાઓ મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યુ કે આ પરિક્ષા ભવિષ્યમાં નવી તારીખ આપીને લેવામાં આવશે.