માળીયાના ખીરસરા ગામે નીલ ગાયનો શિકાર કરવા મામલે શિકારી ટોળકીનો સરપંચ પર હુમલો

- text


શનિવારે બપોરે આ ઘટના બન્યા બાદ આજે છેક બપોરે ફરિયાદ નોંધાઇ !!

માળીયા : માળીયા મિયાણાના ખીરસરા ગામે નીલગાયનો શિકાર કરવા મામલે ટપારતા શિકારી ટોળકીએ ગામના સરપંચ ઉપર હુમલો કર્યો હતો. હાલ શિકારી ટોળકીના ચાર શખ્સો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની માળીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. જોકે શનિવારે બપોરે આ ઘટના બન્યા બાદ આજે છેક બપોરે આ બનાવની ફરિયાદ નોંધાતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

- text

આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા મિયાણાના ખીરસરા ગામના સરપંચ છગનભાઇ જુગાભાઈ બોરીચા ઉ.વ.65 એ શિકારી ટોળકીના ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે શનિવારે બપોરના ચાર વાગ્યાની આસપાસ તેઓ ખીરસરા ગામે આવેલ સીમમાં પોતાના ખેતરે હતા. તે સમયે ચાર અજાણ્યા શખ્સોએ વાહનોમાં ત્યાં આવીને વન્ય પ્રાણી રોજડા (નિલ ગાય)નો શિકાર કર્યો હતો. આથી, સરપંચે આવા નિર્દોષ પ્રાણીઓની હત્યા ન કરવા સમજાવ્યા હતા અને નિલ ગાયનો શિકાર કરવાની ના પાડી હતી. આથી, ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ સરપંચને છરી બતાવી ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરપંચે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધવવામાં ભારે ઢીલ દાખવી હોવાની જોરશોરથી ચર્ચા વહેતી થઈ છે. ગઈકાલે બપોરે આ બનાવ બન્યા બાદ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફરિયાદીનું નિવેદન લીધું હતું. બાદમાં રાત્રે સરપંચ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને અંતે આજે તેમની વિધિવત ફરિયાદ નોંધાઇ હતી.

- text