લોકડાઉનમાં ફરજ માટે જીવનના મહત્વના પ્રસંગ લગ્નને મુલત્વી રાખતા વાંકાનેરના હેડ કોન્સ્ટેબલ અલ્પાબેન

- text


લોકડાઉન સંપૂર્ણ રીતે પૂર્ણ થાય અને જનજીવન થાળે પડે પછી જ લગ્ન કરવાનો નિર્ણય જાહેર કર્યો

વાંકાનેર : પોલીસ કામગીરી સામાન્ય દિવસોમાં પણ ભારે દોડધામભરી અને તનાવયુક્ત હોય છે તેમાંય કોઈ ગંભીર આપત્તિ આવે ત્યારે પ્રજાના જાનમાલના રક્ષણ કરવાની પોલીસની જવાબદારી વધી જાય છે. આવા સમયે દેશ અને પ્રજાની સલામતીને જ પ્રથમ પ્રાધાન્ય આપીને પોલીસને ઘર, પરિવાર કે અંગત જીવનના પ્રસંગોને કોરાણે મુકવા પડે છે. આ બાબત સહેલી નથી ત્યારે હાલ કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉનની ફરજ માટે વાંકાનેરના હેડ કોન્સ્ટેબલ અલ્પાબેને ડ્યુટી ઇઝ ફર્સ્ટ ફેમેલી ઇઝ નેક્સ્ટને પ્રાધાન્ય આપીને હાલના તબબકે તેમના જીવનના યાદગાર પ્રસંગ લગ્નને મુલત્વી રાખ્યા છે.

મૂળ હિંમતનગર ગામના વતની અને હાલ વાંકાનેર પોલીસ લાઈનમાં રહીને વાંકાનેર તાલુકા પોલીસ મથકના મહિલા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્પાબેન લક્ષ્મણસિંહ ડામોર વાંકાનેર તાલુકામાં લોકડાઉનની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટ રૂરલમાં વર્ષ ૨૦૧૧માં પોલીસ બેડામાં જોડાયા હતા. ત્યારબાદ મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવતાં તેમની મોરબી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ તરીકે નિમણુંક કરવામાં આવી છે અને હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસની ફરજ સાથે બાસ્કેટ બોલની રમતમાં વિશેષ રુચિ ધરાવે છે અને બાસ્કેટ બોલના સારા ખેલાડી છે તેઓ અનેક હરીફાઈમાં બાસ્કેટ બોલમાં વિજેતા થયા છે. છેલ્લે વર્ષ 2016માં વિશાખાપટ્ટનમ ખાતે પોલીસ ટીમનું બાસ્કેટબોલમાં નેતૃત્વ કર્યું હતું. હાલ તેમણે લોકડાઉનની ફરજ માટે પોતાના લગ્નનો પ્રસંગ મોકૂફ રાખવાનો નિર્ણય લઈ ફરજ પહેલાનું સૂત્ર આપ્યું છે.

- text

વાત જાણે એમ છે કે તેમના લગ્ન તા. ૧૭/૦૫/૨૦૨૦ના રોજ સમાજના રીતરિવાજ મુજબ નક્કી કરવામાં આવ્યા હતા. તેઓ તથા તેમના પરિવારમાં મમ્મી-પપ્પા અને બે ભાઈ સહિતના પરિવારમાં આ લગ્નની ખુશીનો આનંદ સમાતો ન હતો. છેલ્લા ઘણા સમયથી પોતાના લગ્નની તૈયારીઓ આરંભી હતી અને તેમના મમ્મી પપ્પાએ લગ્નની જાજરમાન તૈયારીઓ કરી રાખી હતી. પરંતુ માર્ચ મહિનામાં લોકડાઉન થયું અને ડોક્ટરોની સાથોસાથ પોલીસની પણ પ્રજા માટેની જવાબદારીઓ વધી ગઈ. આ વેળાએ અલ્પાબેને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને પોતાના પ્રભુતામાં પગલાં પાડવાનાં સપનાઓ અને અરમાનોને બદલે પ્રજાની સેવા કરવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. જેમાં તેમને પોતાના લગ્ન હાલ મોકૂફ રાખી લોકડાઉન ખુલ્યા બાદ જ લગ્ન કરવા તેઓએ મક્કમતાથી નિર્ણય લીધો હતો અને પોતાની ફરજ ચાલુ રાખી અને આ નિર્ણયમાં તેમના ભાવિ પતિએ પણ સાથ આપી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજના સમયમાં એક નાની વસ્તુ પણ જતી કરવી એ કોઈને પાલવે તેમ નથી ત્યારે આ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાની જિંદગીનો સુવર્ણ પ્રસંગ પ્રજાની સેવા માટે સમર્પિત કરવામાં આવ્યો. જે ખરેખર મોરબી જિલ્લા પોલીસ માટે ગૌરવરૂપ કહી શકાય તેવી પ્રેરણાદાયી વાત છે.

- text