વેકેશનના કારણે શિક્ષકો હેડક્વાર્ટરમાં હાજર ન હોવા છતાં અનાજ વિતરણની કામગીરી સોંપતું તંત્ર

- text


જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની અનેક વખતની રજુઆત છતાં મોરબી તાલુકાના 324 જેટલા શિક્ષક ભાઈઓ અને બહેનોને અનાજ વિતરણની કામગીરીમાં રેશનિંગની દુકાને જોતર્યા

મોરબી : લોકડાઉન દરમ્યાન શાળાઓ અન અધ્યયન વખતે મામલતદાર તેમજ આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવેલ અનેકવિધ કામગીરી જેવી રેપીડ સર્વે, રેશનકાર્ડ ધારકોના બેન્ક એકાઉન્ટમાં સરકાર તરફથી 1000 એક હજાર રૂપિયા જમા કરવાના હોય એ માટેના માત્ર ત્રણ જ દિવસમાં 400 જેટલા ઘરે ઘરે જઈ શિક્ષકોએ બેંક ખાતાની વિગત, આધારકાર્ડ નંબર, ખાતા નંબર, રેશનકાર્ડ નંબર વગેરે વિગતો એકત્ર કરી મામલતદારને પહોંચાડવી, એમ.ડી.એમ. અંતર્ગત અનાજ વિતરણ માટેના ત્રણ વખત કુપન વિતરણ, ત્રણ વખત અનાજ વિતરણ તેમજ વિદ્યાર્થીઓના જુદી જુદી અનેક બેંકોમાં એકાઉન્ટ હોય એ બધી બેંકોમાં શિક્ષકોએ ફરી ફરીને ફૂડ સીકીયુરિટી ગ્રાન્ટ જમા કરેલ છે, સતત કમ્પ્યુટર કામગીરી કરી દરેક બાળકના કુપન બનાવવા, સ્ટેટમેન્ટ બનાવવાની કામગીરી કરેલ છે.

વધુમાં, શાળા કક્ષાની અનેકવિધ કામગીરી જેવી કે દરરોજ વિદ્યાર્થીઓને ઓનલાઈન હોમવર્ક પહોંચાડવું, જેમની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોય એવા વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈ હાર્ડકોપીમાં હોમવર્ક આપવું, વિદ્યાર્થીઓના પરિણામ પત્રક તૈયાર કરવા, સ્કૂલ લિવિંગ સર્ટી કાઢવા, વાર્ષિક પરીક્ષાના પેપરો અને પાઠ્યપુસ્તકો ઘરે ઘરે ફરી વિદ્યાર્થીઓને પહોંચાડવા, ઘરે ઘરે જઈ હોમવર્ક ચેક કરવા,શાળા કક્ષાની માહિતીઓ તૈયાર કરી વડી કચેરીએ પહોંચાડવી તેમજ હાલમાં ગુજરાત સ્થાપના દિનની વિવિધ ઓનલાઈન સ્પર્ધા માટેની કૃતિઓ વિદ્યાર્થીઓ પાસે કરાવી વડી કચેરીએ પહોંચાડવાની કામગીરી કરેલ છે. અને હજુ ઘણી બધી શાળાઓમાં ફૂડ સીકીયુરિટીનો ત્રીજો હપ્તો જમા કરવાનો બાકી હોય આવી અનેક પ્રકારની કામગીરી કરેલ છે.

- text

હાલ શિક્ષકો વેકેશનલ કર્મચારીઓ હોય અને તા.4.5.20 થી તા.7.6.2020 સુધી ઉનાળુ વેકેશન જાહેર કરેલ હોય શિક્ષકો કલેકટર અને મામલતદારની મંજૂરીથી પોતપોતાના વતનમાં ગયેલ છે. શિક્ષણ સચિવ રાવસાહેબે પણ તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપેલ છે કે શિક્ષકોને વેકેશનમાં કામગીરી ન સોંપવી, કેટલાક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ પરિપત્ર કરી મામલતદારને શિક્ષકોને વેકેશનમાં કામગીરી ન સોંપવાની પરિપત્રથી ના પણ પાડેલ છે, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીએ પણ અત્યાર સુધીમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મામલતરને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરેલ છે કે શિક્ષકો વેકેશનલ કર્મચારીઓ હોય જો વેકેશનમાં કામગીરી સોંપવાની હોય તો શિક્ષકોને હેડક્વાર્ટર નહિં છોડવાનો હુકમ કરવો જોઈએ. તો જ શિક્ષકો હેડક્વાર્ટરમાં હાજર રહે પણ તંત્ર તરફથી એવો કોઈ આદેશ કરેલ ન હોય શિક્ષકો હાલ વેકેશન ભોગવવા પોત પોતાના વતન કે ગામ જતા રહ્યા છે.

ત્યારે તંત્ર તરફથી મોરબીના 324 જેટલા શિક્ષક ભાઈઓ અને બહેનોના સસ્તા અનાજની દુકાને હાજર રહી અનાજ વિતરણના હુકમ કરેલ છે. વળી અનાજ વિતરણનો સમય સવારે 8.00 થી બપોરના 1.00 અને બપોરના 2.00 થી રાતના 10.00 સુધીનો હોય અનાજ વિતરણની કામગીરીમાં મોટા ભાગના બહેનો હોય એ ક્યારે રસોઈ બનાવે? ક્યારે જમે? ક્યારે પોતાના બાળકો પરિવારને જમાડે?વળી,સાંજના 6.00 વાગ્યા પછી બહેનોને રાતના 10.00 વાગ્યા સુધી અંતરિયાળ વિસ્તારમાં ફરજ પર રાખવા એ પણ નિયમ વિરુદ્ધ છે અને બહેનોની સુરક્ષાના પણ પ્રશ્ન છે. વળી દરેક કામગીરીમાં તમામ વિભાગોમાંથી કર્મચારીઓ લેવાના બદલે માત્ર ને માત્ર શિક્ષકોને જ બધી કામગીરીમાં જોતરવામાં આવે છે.

સસ્તા અનાજની દુકાનો તો વર્ષોથી છે, વર્ષોથી લોકો અનાજ લઈ જાય છે છતાં ક્યારેય આવી કામગીરી શિક્ષકોને નહોતી સોંપવામાં આવી તો અત્યારે જ શા માટે? વળી આ પ્રકારની કામગીરી માત્ર મોરબી જિલ્લામાં જ સોંપવામાં આવેલ છે એવું શા માટે? કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમા કામગીરી કરવાની ના નથી પરંતુ દરેક કામગીરીમાં માત્ર પ્રાથમિક શિક્ષકો જ શા માટે? વળી જ્યારે શિક્ષકોના પોતાના પ્રશ્નો હોય તો કોઈ મદદ કરવા નથી આવતું જ્યારે શિક્ષકો દરેક વિભાગની કામગીરી કરવા તત્પર હોય છે,આવી બધી સમસ્યાઓના કારણે શિક્ષકોમાં વેદના, કચવાટ અને મુંઝવણ છે એમ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા પ્રમુખ, દિનેશભાઈ હુંબલ મહામંત્રી અને નિતેશભાઈ રંગપડીયા સિનિયર કાર્યધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીની યાદીમાં જણાવવામાં આવે છે.

- text