આજે ગુજરાત સ્થાપના દિવસ : જાણો ગૌરવવંતા ગુજરાતની નવરચનાનો રોચક ઇતિહાસ

- text


મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડો. આર. કે. વારોતરિયાના શબ્દોમાં ગુજરાત રાજ્યની નવરચનાનો સંક્ષિપ્ત ઇતિહાસ

મોરબી : ૧લી મેના રોજ ગુજરાત રાજ્યને છ દાયકા પુરા થાય છે. ગુજરાતમાં વસ્તી અને આર્થિક પ્રવૃત્તિના વિસ્તાર સંદર્ભે કૃષિ વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ આર્થિક વિકાસની દ્રષ્ટિએ ઉદ્યોગ ક્ષેત્ર કૃષિની તુલનાએ વિશેષ પ્રગતિ સાધતું જોવા મળે છે. ગુજરાત રાજ્ય એ ભારતનું સાપેક્ષ રીતે વિકસિત રાજ્ય ગણાય છે.

પ્રદેશના વિકાસમાં અને તેના કલ્યાણમાં વહીવટી માળખાની ભૂમિકા ખૂબ જ મહત્વની ગણાવી શકાય. વિશ્વ આજે લોકોની સુખાકારીના સંદર્ભે કલ્યાણના ખ્યાલને વિશેષ મહત્વ આપે છે ત્યારે આપણું રાષ્ટ્ર પણ તેમાં જોડાયેલું હોય તે સ્વાભાવિક છે. તે પ્રમાણે કલ્યાણની કેન્દ્રીય વ્યવસ્થા અને પ્રદેશની વ્યવસ્થા મહત્વની બની રહે છે. દેશના દરેક રાજ્યએ વિકાસ અને કલ્યાણને ધ્યાનમાં રાખીને વહીવટ કરવો આવશ્યક હોય છે. આથી, જે તે રાજ્યનું વહીવટી માળખું વધુ સુદ્રઢ અને સમાજના છેવટના વર્ગ સુધી પહોંચી શકે તે પ્રકારનું હોવું જોઈએ. તે માટે રાજ્ય, જિલ્લાના એકમો તરફ કેન્દ્રિત થયેલું હોય છે. કાળક્રમે વહીવટની સરળતા ખાતર તેના ભારણને ધ્યાનમાં રાખીને જિલ્લાઓની સરહદો મર્યાદિત કરવા માટે નવા જિલ્લાઓ સ્થાપિત કરવામાં આવતા હોય છે. ગુજરાતમાં સ્થાપના કાળથી અત્યાર સુધીમાં નવા જિલ્લાઓ સંદર્ભે જે પરિવર્તનો આવ્યાં છે તે અત્રે રજુ કરવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય ૧લી મે ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના ઉત્તર તરફના ૧૭ જિલ્લાઓમાંથી બનેલા પ્રદેશનું એક અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપિત થયેલ. મુંબઈ રાજ્યમાંથી બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન મુખ્યત્વે ભાષા આધારિત થયેલ. ગુજરાતી ભાષા બોલનારા લોકોનો પ્રદેશ વિસ્તાર ગુજરાત રાજ્ય તરીકે અને મરાઠી બોલનારા લોકોનો પ્રદેશ વિસ્તાર મહારાષ્ટ્ર રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં આવેલ.

ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી ગુજરાત સમગ્ર રાજ્યને પણ અલગ અલગ પ્રદેશોથી જોવામાં આવે છે. સ્થાપના સમયે એટલે કે ૧લી મે ૧૯૬૦ના કુલ ૧૭ જિલ્લાઓ ગુજરાત રાજ્યમાં સમાવિષ્ઠ હતા. જે નીચેના પ્રદેશોમાં વિભાજીત હતા.
૧. કચ્છ પ્રદેશઃ જિલ્લાઓ(૧)- કચ્છ(ભુજ).
૨. સૌરાષ્ટ્ર પ્રદેશઃ જિલ્લાઓ(૬)- અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર.
૩. ઉત્તર ગુજરાત પ્રદેશઃ જિલ્લાઓ(૩)- સાબરકાંઠા(હિંમતનગર), બનાસકાંઠા(પાલનપુર) અને મહેસાણા.
૪. મધ્ય ગુજરાત પ્રદેશઃ જિલ્લાઓ(૪)- અમદાવાદ, ખેડા(નડિયાદ), વડોદરા અને પંચમહાલ(ગોધરા).
૫. દક્ષિણ ગુજરાત પ્રદેશઃ જિલ્લાઓ(૩)- ભરુચ, સુરત અને ડાંગ(આહવા).

એટલે કે ગુજરાતની સ્થાપના વખતે ગુજરાતને જે પાંચ પ્રદેશોમાં જોવામાં આવે છે તે પ્રદેશોમાં કચ્છમાં એક જિલ્લો, સૌરાષ્ટ્રમાં છ જિલ્લા, ઉત્તર ગુજરાતમાં ત્રણ જિલ્લા, મધ્ય ગુજરાતમાં ચાર જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ જિલ્લા મળી ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લા અસ્તિત્વમાં હતા. ત્યારબાદના સમયથી અત્યાર સુધીમાં છ વખત નવા જિલ્લાઓની ક્રામિક રચના કરવામાં આવેલ. જેની વિગતો નીચે પ્રમાણે રજુ કરી શકાય.

(૧) ૧૯૬૪, પ્રથમ નવરચનાઃ ૧ નવો જિલ્લો

મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લા અને ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાઓના અમુક પ્રદેશને લઈને ગાંધીનગર જિલ્લો નવા જિલ્લા તરીકે સ્થાપિત કરવામાં આવેલ. આ નવા ગાંધીનગર જિલ્લાને ઉત્તર ગુજરાતમાં ગણવામાં આવેલ. આથી ઉત્તર ગુજરાત હવે ત્રણથી વધીને ચાર જિલ્લાનો પ્રદેશ બનેલ અને ગુજરાતના કુલ જિલ્લાઓની સંખ્યા ૧૮ થયેલ.

(૨) ૧૯૬૬, બીજી નવરચનાઃ ૧ નવો જિલ્લો

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાંથી વલસાડને નવા જિલ્લા તરીકે સ્થાપિત કરવામાં આવેલ. આથી દક્ષિણ ગુજરાત હવે ચાર જિલ્લાનો પ્રદેશ બનેલ અને ગુજરાત કુલ ૧૯ જિલ્લાનું રાજ્ય બનવા પામેલ.

(૩) ૧૯૯૭, ત્રીજી નવરચનાઃ પ નવા જિલ્લા

ઘણા લાંબા સમય એટલે કે ૩૧ વર્ષ બાદ ગુજરાતમાં ત્રીજી વખત જિલ્લાઓની નવરચના થયેલ. જેમાં પાંચ નવા જિલ્લા સ્થાપિત કરવામાં આવેલ. જેની વિગતો નીચે પ્રમાણે છે.
૧. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાંથી નવો આણંદ જિલ્લો સ્થાપિત કરવામાં આવેલ.
૨. મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાંથી નવો દાહોદ જિલ્લો સ્થાપિત કરવામાં આવેલ.
૩. દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના વધુ પ્રદેશમાંથી અને મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના થોડા પ્રદેશમાંથી નર્મદા(રાજપીપળા) નવો જિલ્લો સ્થાપિત કરવામાં આવેલ. આ જિલ્લાનો સમાવેશ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલ.
૪. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લાને નવા જિલ્લા તરીકે સ્થાપિત કરવામાં આવેલ.
૫. સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢ જિલ્લામાંથી પોરબંદર જિલ્લાને નવા જિલ્લા તરીકે સ્થાપિત કરવામાં આવેલ.

- text

આ નવરચનામાં મધ્ય ગુજરાતમાં આણંદ અને દાહોદ નવા જિલ્લા તરીકે સ્થાપિત થતાં મધ્ય ગુજરાત પ્રદેશ ચાર જિલ્લાનો હતો તે હવે છ જિલ્લાનો બનેલ. એવી જ રીતે દક્ષિણ ગુજરાત પ્રદેશમાં નર્મદા અને નવસારી નવા જિલ્લા તરીકે સ્થાપિત થતાં દક્ષિણ ગુજરાત પ્રદેશ ચાર જિલ્લાનો હતો એ હવે છ જિલ્લાનો બનેલ. સૌરાષ્ટ્ર પ્રદેશમાં પણ પોરબંદર નવો જિલ્લો ઉમેરાતાં આ પ્રદેશ છ માંથી સાત જિલ્લાનો બનેલ. આમ ૧૯૯૭ના વર્ષમાં ગુજરાતમાં કુલ પાંચ નવા જિલ્લા ઉમેરાતા હવે ગુજરાત ૧૯ જિલ્લાના પ્રદેશથી વધીને ૨૪ જિલ્લાનું રાજ્ય બનવા પામેલ.

(૪) ૨૦૦૦, ચોથી નવરચનાઃ ૧ નવો જિલ્લો

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વધુ ભાગમાંથી અને બનાસકાંઠાના જિલ્લાના ઓછા ભાગમાંથી નવો પાટણ જિલ્લો અસ્તિત્વમાં આવેલ. આથી ઉત્તર ગુજરાત પ્રદેશ હવે ચારના બદલે પાંચ જિલ્લાનો પ્રદેશ બનેલ અને ગુજરાત રાજ્ય ૨૪માંથી ૨૫ જિલ્લા ધરાવતું રાજ્ય બનેલ.

(૫) ૨૦૦૭, પાંચમી નવરચનાઃ ૧ નવો જિલ્લો

દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાંથી નવા જિલ્લા તરીકે તાપી(વ્યારા) નવો જિલ્લો સ્થાપિત થયેલ. આથી દક્ષિણ ગુજરાત પ્રદેશ હવે છ જિલ્લામાંથી સાત જિલ્લાનો પ્રદેશ બનેલ અને ગુજરાત હવે ૨૫ના બદલે ૨૬ જિલ્લાનું રાજ્ય બનેલ.

(૬) ૨૦૧૩, છઠ્ઠી નવરચનાઃ ૭ નવા જિલ્લા

ગુજરાતમાં અંતિમ છઠ્ઠી વખત જિલ્લાઓની નવરચના થયેલ. જેમાં અગાઉ એક સાથે ના ઉમેરાયા હોય તેટલા નવ નવા જિલ્લા સ્થાપિત કરવામાં આવેલ. જેની વિગતો નીચે પ્રમાણે છે.
૧. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી(મોડાસા) નવો જિલ્લો બનેલ.
૨. મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર નવો જિલ્લો સ્થાપિત થયેલ.
૩. મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના વધુ ભાગમાંથી અને ખેડા જિલ્લાના ઓછા ભાગમાંથી નવો મહીસાગર(લુણાવાડા) જિલ્લો સ્થાપિત થયેલ.
૪. સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લાના વધુ ભાગમાંથી અને મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લાના થોડા ભાગમાંથી નવો બોટાદ જિલ્લો સ્થાપિત થયેલ. આ જિલ્લાનો સમાવેલ સૌરાષ્ટ્ર પ્રદેશમાં થાય છે.
૫. સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા(જામખંભાળીયા) નવો જિલ્લો સ્થાપિત થયેલ.
૬. સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢ જિલ્લામાંથી નવો ગિર સોમનાથ(વેરાવળ) જિલ્લો સ્થાપિત થયેલ.
૭. સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જિલ્લાના વધુ ભાગમાંથી, સુરેન્દ્ર નગર જિલ્લાના હળવદ તાલુકામાંથી અને જામનગર જિલ્લાના કેટલાંક ગામોથી નવો મોરબી જિલ્લો સ્થપાયેલ.

આ વિભાજનથી ઉત્તર ગુજરાતમાં એક નવો જિલ્લો અસ્તિત્વમાં આવેલ. તેથી આ પ્રદેશ હવે પાંચના બદલે છ જિલ્લાનો પ્રદેશ બનેલ. મધ્ય ગુજરાતમાં બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવેલ. તેથી મધ્ય ગુજરાત પ્રદેશ હવે છ ના બદલે આઠ જિલ્લાનો બનેલ. સૌરાષ્ટ્ર પ્રદેશમાં નવા ચાર જિલ્લા અસ્તિત્વમાં આવતા આ પ્રદેશ હવે ૭ના બદલે ૧૧ જિલ્લાનો બનવા પામેલ.

આમ, આ ૨૦૧૩ની જિલ્લાઓની નવરચનાથી ઉત્તર ગુજરાતમાં એક, મધ્ય ગુજરાતમાં બે અને સૌરાષ્ટ્રમાં ચાર નવા જિલ્લા એટલે કે કુલ સાત નવા જિલ્લા સ્થાપિત થતાં ગુજરાત હવે ૨૬ જિલ્લાના બદલે કુલ ૩૩ જિલ્લાનું રાજ્ય બનેલ છે.

આ કુલ ૩૩ જિલ્લાઓ પૈકી કચ્છ પ્રદેશમાં ૧ જિલ્લો અને ૧૦ તાલુકા, સૌરાષ્ટ્ર પ્રદેશમાં ૧૧ જિલ્લા અને ૮૦ તાલુકા, ઉત્તર ગુજરાત પ્રદેશમાં ૬ જિલ્લા અને ૫૨ તાલુકા, મધ્ય ગુજરાત પ્રદેશમાં ૮ જિલ્લા અને ૬૪ તાલુકા, દક્ષિણ ગુજરાત પ્રદેશમાં ૭ જિલ્લા અને ૪૬ તાલુકાનો સમાવેશ થાય છે. એટલે કે ગુજરાત રાજ્યના કુલ ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકાનું બનેલું રાજ્ય છે.

અહીં કૌંસમાં દર્શાવેલ શહેર એ જે તે જિલ્લાનું મુખ્ય મથક છે. એક વિશિષ્ટતા એ જોવા મળે છે કે કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, નર્મદા, ડાંગ, તાપી નામના કુલ નવ જિલ્લાઓ ગુજરાતમાં એવા છે જે જિલ્લાના નામનું કોઇ સ્થળ/શહેર અસ્તિત્વ ધરાવતું નથી. આથી તેની સાથે તેમના મુખ્ય મથકોને કૌંસમાં દર્શાવેલ છે. બીજી એક વિશિષ્ટતા એ છે કે ત્રણ જિલ્લા એવા છે કે જેના નામનું સ્થળ/શહેર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે તેનું મુખ્ય મથક નથી. તેનું મુખ્ય મથક અન્ય શહેર છે. જેમાં ખેડા(નડિયાદ), ગિર સોમનાથ(વેરાવળ) અને દેવભૂમિ દ્વારકા(જામખંભાળીયા)નો સમાવેશ થાય છે.

વિશ્વ આજે કોરોના રોગચાળાના ભયંકર સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. આપણે પણ તેનો એક ભાગ છીએ. એ સંજોગોમાં આપણું આ વહિવટી માળખું ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વર્તમાન સમયમાં આરોગ્યલક્ષી અને અંકૂશલક્ષી મોરચો સંભાળવામાં રાજનેતાઓ ગૌણ બની ગયા છે, જ્યારે વહીવટી અમલદારો ટોચ ઉપર જોવા મળે છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text