કોરોનાની સ્થિતિમાં જાહેરનામાના ભંગ બદલ મોરબીમાં 15 દુકાનદારો સામે ગુન્હો નોંધાયો

- text


એ ડિવિઝન પોલીસ મથકમાં 12 અને બી ડિવિઝનમાં 3 સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુન્હા રજીસ્ટર થયા : માળીયા મિયાણાં પોલીસે પણ એક હોટલ સંચાલક સામે ગુન્હો નોંધ્યો

મોરબી : કોરોના વાઇરસ ફેલાવવાનું એક કારણ લોકો એક જગ્યા પર એકઠા થાય અને એકબીજાના સંપર્કમાં આવે એ પણ છે. જે ચીન, ઇટાલી, ઈરાન, સાઉદી અરેબિયા, અમેરિકા જેવા દેશોમાં સાબિત થઈ ચૂક્યું છે. શરૂઆતના તબક્કે એ દેશોમાં વધુ તકેદારી રાખવામાં ન આવતા વાઇરસનો વ્યાપ વધ્યો હતો. ત્યારે ભારતના દરેક રાજ્યોમાં સરકાર તરફથી ખાસ જાહેરનામા બહાર પડાયા છે. જિલ્લા કક્ષાએ પણ 144 મી કલમ સહિતના જાહેરનામા બહાર પડાયા છે. મોરબી શહેરમાં આજે રવિવારે જાહેરનામા ભંગ બદલ 15 દુકાનદારો સામે ગુન્હા નોંધવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા વિસ્તારોમાં છુપી રીતે દુકાન ખોલી 4થી વધુ વ્યક્તિ ભેગા થાય તેવી સ્થિતી ઉભી કરનાર પાન-માવા, ભૂગરા-બટેકા સહિતની દુકાન અને લારી ગલ્લાનાં દુકાનદારોનો સમાવેશ થાય છે.

- text

ઇન્ડિયન પીનલ કોડ 188 મુજબ એક જાહેરનામું હાલ કોરોના વાઇરસના પ્રસરણની આશંકાએ લાગુ છે. જે સંદર્ભે સાવચેતી રાખવા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા નં. ડીએમ/જા.નામું/કોરોના/203/2020 તા.20/3/2020થી આનો અમલ કરવાનો થાય છે. જેમાં ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યા છે. ત્યારે આજે રવિવારે જનતા કરફ્યુના દિવસે સાંજ બાદ પોતાની દુકાનો કે કેબીનો ખોલી ચારથી વધુ વ્યક્તિઓને ભેગા કરવા બદલ જાહેરનામાના ભંગ કરવા બદલ ભરતભાઇ વશરામભાઈ ભદ્રા, મહેશભાઈ હમીરભાઈ નાગલાણી, ખાલીદભાઈ હુસેનભાઈ ચાનીયા, રમેશભાઈ જેસંગભાઈ મઢવી, પ્રકાશભાઈ મેઘરાજભાઈ ભારવાણી, મયુરભાઈ કમલેશભાઈ, સનીભાઈ અશોકભાઇ ધોળકિયા, યશભાઈ દીપકભાઈ પંડિત, મનસુખભાઇ ચુનીલાલ વ્યાસ, રાજેશભાઇ છોટાલાલ ખખ્ખર, રમણિકભાઈ ગોવિંદભાઇ ચાવડા, ઈશ્વરભાઈ જેરાજભાઈ ચીકાણી, નૂરમામદ ઉર્ફે નુરી જુસબભાઈ કટયા, પરેશ જેન્તીલાલ પંડિત અને કિશોરભાઈ નટવરલાલ પરમાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી સીટી. એ.ડીવી. પોલીસ મથકમાં કુલ 12 તથા મોરબી સીટી.બી.ડીવી. પોલીસ મથક વિસ્તારમાં 3 લોકો સામે પોતાના ધંધાકીય સ્થાનો ખુલ્લા રાખી લોકો એક જગ્યા પર એકત્રિત થાય એવું વાતાવરણ ઉભું કરવા બદલ ગુન્હો દાખલ થયેલ તમામ વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે.

જ્યારે માળીયા મિયાણાં પોલીસે પણ હાઇવે પર પંચવટી ગામ પાસે આવેલ બાબા રામદેવ હોટલના માલિક કાંતિલાલ બગદારામ પ્રજાપતિ સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો હતો.

પોલીસ તંત્ર દ્વારા 144 કલમના જાહેરનામના ભંગ બદલ એક સાથે 15 લોકો સામે ગુન્હો નોંધી કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે અને તમામ લોકોને જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાની તાકીદ કરવામાં આવી છે.

- text