સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલ ચાલી રહેલી પરીક્ષાઓ શુક્રવારથી અચોક્કસ મુદત સુધી મુલત્વી

કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવી તારીખો હવે પછી જારી થશે 

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવામાં આવી રહેલી પરીક્ષાઓ કોરોના વાઇરસ ફેલાવવાના અંદેશાને ધ્યાને લઇ અચોક્કસ મુદત સુધી મુલત્વી રાખવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવી રહેલી પ્રથમ તબક્કાની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવેલ છે. જેમાં BRC SEM-4&6, BBA SEM -4&6, BJMC SEM-1&2 અને BPA SEM- 4&6 નવી તારીખો જાહેર ન થાય ત્યાં સુધી રદ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં કોરોના વાઇરસ ફેલાવવાની સ્થિતિનો ક્યાસ લગાવ્યા બાદ નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે આઠ દિવસ પહેલા શરૂ થયેલી સૌરાષ્ટ્ર યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષા હાલ અંતિમ તબક્કામાં છે. પરંતુ જે રીતે કોરોના પ્રતિ સાવધાનીના તમામ પગલાંઓ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર કોઈ જોખમ લેવા માંગતું ન હોય એમ અંતિમ તબક્કાના અમુક પેપર જ બાકી હોવા છતાં પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. નોંધનીય છે કે આવનારી 23 માર્ચથી સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવામાં આવનાર વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ અગાઉથી જ રદ કરી હોવાની જાહેરાત થઈ ચૂકી હતી. જોકે ચાલી રહેલી પરીક્ષાઓ બોર્ડની પરીક્ષાઓ જેમ પુરી કરવાનું આયોજન હતું જે હાલ મુલત્વી રખાયું છે.