મોરબીની કોર્ટમાં જજ સામે બેફામ વાણી-વિલાસ કરી વકીલને ફડાકા માર્યા

- text


કોર્ટની મુદતે આવેલા એક આરોપીએ ચાલુ ન્યાયિક કાર્યવાહી દરમિયાન ન્યાયની ગરિમાને લજવતા ભારે રોષ : ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીની કોર્ટમાં ગઈકાલે એક કેસની મુદતે હાજર રહેતા આરોપીએ જજની ન્યાયિક પ્રણાલી સામે સવાલ ઉઠાવીને તેમની સામે બેફામ વાણી વિલાસ કરીને વકીલને પણ ફડાકા મારી જનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ચાલુ ન્યાયિક કાર્યવાહી દરમિયાન આ શરમજનક કરતુતથી ન્યાયાધીશો અને વકીલોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે કોર્ટ રજિસ્ટ્રારે વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની ચીફ જ્યૂડી. મેજી. કોર્ટના રજિસ્ટ્રાર અહેમદહુશૈન ઇશાભાઈ માલવતે મોરબીમાં રહેતા મુળજીભાઈ દેવજીભાઈ સોલંકી સામે બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે મોરબીની આ કોર્ટમાં ગઈકાલે ન્યાયિક કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે એક ફોજદારી કેસમાં સમન્સ હોવાથી આરોપી તરીકે મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી, રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ, રામજીભાઇ માવજીભાઈ પરમાર આ કૉર્ટમાં હાજરી આપવા આવ્યા હતા અને કોર્ટની ચાલુ કાર્યવાહી દરમિયાન આરોપી મૂળજી દેવજી સોલંકીએ જજ એ.એન.વોરા સાહેબને કહેવા લાગ્યા હતા કે, કોર્ટમાં તારીખ કેમ આપતા નથી? કેમ બેસાડી રાખો છો? પૈસા લઈને માણસાઈ મૂકી દીધી છે? કુદરત નહિ છોડે તમને ખોટા કેસમાં ફસાવી દઈશ, તેમ કહી જજ સામે બેફામ વાણી વિલાસ કરીને ઉદ્ધત વર્તન કર્યું હતું.

- text

આમ કહ્યા બાદ આરોપી પડી જતા તેમને સ્ટ્રેચરમાં બહાર લઈ જવતા હતા. તે સમયે આરોપીએ સ્ટ્રેચરમાં વકીલ એમ.આર.ઓઝાનો કાંઠલો પકડી ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોર્ટની ચાલુ કાર્યવાહી દરમિયાન આરોપીની આ હરકતને કારણે વકીલો અને ન્યાયાધીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ બનાવના વિરોધમાં મોરબી બાર એસો.ના હોદેદારો અને વકીલો જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાને રૂબરૂ મળીને ન્યાયની ગરીમાંને કલંકિત કરનાર આ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આથી, પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text