સાંસદ અને ધારાસભ્યોએ સુચવેલા કામો તાત્કાલિક સમય મર્યાદામાં હાથ ધરવા અધિકારીઓને સૂચના

- text


 જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાની સંકલન બેઠક મળી

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાના અધ્યક્ષ સ્થાને મળેલી મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ લોક પ્રશ્નો પર ચર્ચા કરી નિકાલ લાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીના કોંન્ફરન્સ હોલમાં મળેલ સંકલન બેઠકમાં સાંસદો-ધારાસભ્યો દ્વારા સુચવેલ કામો ગ્રાંટો લેફ્ટ થયા વગર સમયમર્યાદામાં પુરા કરવા જિલ્લાના અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.એમ.ખટાણાએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં એસ.પી.શ્રી કરણરાજ વાઘેલાએ ટ્રાફીકના પ્રશ્નો માટે મોરબીમાં ઓવરબ્રિજ બની રહ્યા છે. ત્યા ડાઈવર્ઝનના રસ્તા તાત્કાલીક રિપેર કરવા માર્ગ મકાન વિભાગ અધિકારીને સુચના આપી હતી તેમજ ધારાસભ્યો દ્વારા કેનાલ રોડ પર ભારે વાહનોને દિવસ દરમ્યાન પ્રવેશ બંધ રાખવા અંગેની રજુઆતને એસ.પી.શ્રીએ ટ્રાફીકની વ્યવસ્થા વધુ સુચારુ કરવા જણાવ્યું હતું.આ સંકલન બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પાણી વિજળી પુરી પાડવા, વિદ્યાર્થીઓના હિતમાં બસના સમયમાં ફેરફાર કરવા, સાંથણીની જમીન, દિવ્યાંગો માટે કેમ્પ કરવા, મોરબી શહેરના રવાપર રોડ પર તત્કાલીક ડામર કામ કરવા જેવા વિવિધ પ્રશ્નોની ચર્ચા હાથ ધરીને ઉકેલ લાવવા જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

બેઠકની શરૂઆતમાં બેંક લુટનાર ખુંનખાર પંજાબની ગેંગને પકડી પાડવા બદલ મોરબી પોલીસને પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.આ બેઠકમાં મોરબી જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ ચિખલીયા, હળવદના ધારાસભ્ય શ્રી પરસોતમભાઈ સાબરીયા, ટંકારાના ધારાસભ્ય શ્રી લલીતભાઈ કગથરા, વાંકાનેરના ધારાસભ્ય શ્રી મહંમદ પીરજાદા અને મોરબીના ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રજાહિતના પ્રશ્નો રજુ કર્યા હતા જેનો સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા નિકાલ લાવવામા આવ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી કેતન પી. જોષીએ કર્યુ હતુ.

- text

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.ડી. જાડેજા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલીકાઓના ચીફ ઓફીસરો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text