“વિવિધતામાં એકતા એટલે માનવતાની માતૃભાષા”

- text


( – જાગૃતિ તન્ના “જાનકી” )

આ દુનિયામાં આપણને જન્મ આપનાર માતા,
ને આપણી અભિવ્યક્તિને જન્મ આપનાર માતૃભાષા

સૌપ્રથમ તો સૌને વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ….આપણે ત્યાં બહુ પ્રચલિત ગીત છે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ! આ દુનિયામાં મા જેવું કોઈ ન થાય. તેનો જોટો આખા જગતમાં ગોત્યો ન મળે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી છે મોરી માત
જનની ની જોડ સખી નહી જડે રે લોલ

મા માટે કેવા સુંદર શબ્દો લખ્યા છે કવિ શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકરે. મા ની મધુરતા, મા ના પ્રેમ પાસે બધુ ફીક્કું છે. એ જ વાત આપણી માતા સમાન માતૃભાષા માટે પણ સાચી છે. મા જે આપણને નવ મહિના પોતાના ગર્ભમાં સાચવીને આ દુનિયામાં લાવે છે, તો માતૃભાષા આપણને આપણી અભિવ્યક્તિ દ્વારા આ દુનિયા સાથે જોડે છે. દુનિયાની કોઈપણ ભાષા તમને એ પોતીકાપણાનો અનુભવ ન કરાવી શકે જે તમારી માતૃભાષા કરાવી શકે. જે મીઠાશ માતૃભાષામાં છે એવી બીજી ભાષામાં ક્યાં?! જે અભિવ્યક્તિ તમે તમારી માતૃભાષામાં કરો એ અન્ય ભાષામાં કરેલ અભિવ્યક્તિ કરતા શ્રેષ્ઠ જ હોય. જોકે આપણે આ દુનિયા સાથે બદલાતા સમય સાથે અન્ય ભાષાઓ શીખતા હોઈએ છીએ. અને શીખવી પણ જોઈએ જ પણ આપણી માતૃભાષા તો ન જ ભૂલાવી જોઈએ. બીજી બધી ભાષાઓ ભલે આપણા મગજમાં વસતી હોય પણ આપણી માતૃભાષા તો આપણા હ્રદયમાં બીરાજતી હોવી જોઈએ. આપણી મા ની જેમ, આપણી માતૃભૂમિની જેમ. કેમ કે આપણી માતૃભાષા એ આપણી અભિવ્યક્તિનો પાયો હોય છે. પછી ભલે એના પર અન્ય ભાષાઓ દ્વારા ચણતર થતું હોય અને એ સુંદર પણ દેખાય. પણ જો પાયો જ ખસેડી લેવામાં આવે તો?? તો એ ચણતરનો કોઈ અર્થ સરતો નથી. માટે ચણતર ને ભલે મજબુત બનાવો પણ પાયાને ક્યારેય ન ભૂલવો જોઈએ. કેમ કે પાયા વિનાનું ચણતર મહત્વહીન છે.

- text

માતૃભાષાના મહત્વને સમજીને યુએન – વિશ્વ સંસ્થાએ 21 મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત 17 મી નવેમ્બર 1999 ના રોજ કરી હતી. 21 મી ફેબ્રુઆરી 1952 ના રોજ બાંગ્લાદેશમાં જયારે તે પૂર્વ પાકિસ્તાન હતો ત્યારે પશ્ચિમ પાકીસ્તાનના વર્ચસ્વવાળા પાકિસ્તાને ઉર્દૂ ભાષા ફરજિયાત કરેલી, માતૃભાષા બંગાળી ભાષાનો અનાદર સહન ન થતા દેશમાં તોફાન ફાટી નીકળેલ અને 4 બાંગ્લાવાસી શહીદ થયેલા ઢાકામાં 21 મી ફેબ્રુઆરીના રોજ શહીદ થયેલા શહીદોનું સ્મારક છે. આ માતૃભાષા માટે થયેલ શહીદોની યાદમાં વિશ્વમાં ઈ.સ. 2000 થી 21 મી ફેબ્રુઆરી ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે. સમગ્ર વિશ્વના બધા દેશો પોતપોતાની માતૃભાષાનું ગૌરવગાન કરે અને તેના વિકાસ તેમજ જાળવણીના કાર્યક્રમો યોજે તેવો વિશ્વ સંસ્થાનો હેતુ છે.

ભાષા કે જેના દ્વારા આપણે અભિવ્યક્ત થઈએ છીએ. એકબીજા સાથે માહિતીની આપ – લે કરી શકીએ છીએ. વિશ્વમાં અત્યારે અનેક ભાષાઓ અસ્તિત્વમાં છે, પણ દરેક ભાષા દરેક વ્યકિત ના સમજી શકે એ સ્વાભાવિક છે, પણ એક ભાષા એવી છે જે વિશ્વની દરેક વ્યકિત સમજી શકવા સમર્થ છે, અરે! માણસ તો શું મૂક જીવો પણ તે સમજી શકે છે અને એ છે “માનવતાની ભાષા.” વિશ્વના વિવિધ વિસ્તારોમાં ભાષાઓનું વૈવિધ્ય જોવા મળે છે, પણ માનવતાની ભાષા એ વિવિધતામાં એકતા સમાન કાર્ય કરે છે. માટે આજે વિશ્વ માતૃભાષા દિવસ પર સંકલ્પ કરીએ કે આપણી માતૃભાષાને તો ક્યારેય ન જ ભૂલવી જોઈએ અને સાથે સાથે સમગ્ર વિશ્વને એકસૂત્રમાં બાંધતી માનવતાની ભાષાને પણ હંમેશા આપણા હ્રદયમાં જીવંત રાખીએ.
– જાગૃતિ તન્ના “જાનકી”

- text