શિક્ષણ વિભાગનો યુ ટર્ન : મોટા દહિસરાના શિક્ષકને આપેલું પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન પાંછુ ખેંચી લેવાયું!!

- text


પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર મળ્યું, બાદમાં અધિકારીની વિઝીટ વેળાએ અનિયમિતતા સામે આવતા પ્રમાણપત્ર પરત મંગાવી લીધું

મોરબી : માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામના એક શિક્ષકને 26મી જાન્યુઆરીની ઉજવણી વેળાએ રાજ્ય સરકાર તરફથી પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાને હજુ 10 દિવસ માંડ થયા હશે ત્યાં તો શિક્ષણ વિભાગે શિક્ષકને અનિયમિત જણાવીને તેને આપેલું પ્રમાણપત્ર પરત મંગાવી લીધું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેળાએ માળિયા તાલુકાના મોટા દહીંસરા સીઆરસી ક્લસ્ટરમાંથી મોટા દહીંસરા ગામની કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ શિક્ષક કિરણભાઈ એચ.વ્યાસને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત તા. 1ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.

- text

આ મુલાકાતમાં શિક્ષક કિરણભાઈ એચ.વ્યાસે એકમ કસોટીનું મૂલ્યાંકન યોગ્ય રીતે કર્યું ન હતું. વિષય શિક્ષણ કાર્યમાં અદ્યતન જ્ઞાનનો અભાવ માલુમ પડ્યો હોવા સહિતના કારણો દર્શાવીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર પરત માંગી લેવામાં આવ્યું છે. જો કે આ ઘટનાથી એવા પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે જો શિક્ષક પોતાની ફરજમાં અનિયમિતતા દાખવતા હોય તો તેઓને પ્રમાણપત્ર પરત આપવામાં કેમ આવ્યું અને પ્રમાણપત્ર આપ્યા પછી જ તંત્રને ખબર પડી કે આ શિક્ષક અનિયમત છે.

- text