હળવદમાં દારૂ-જુગારની બોલબાલા : LCB દ્વારા વર્લીનો જુગાર રમતા બે બુકીઓ પકડાયા

- text


LCB જુગાર પકડી પડતા હળવદ પોલીસની કામગીરી સામે સવાલો

હળવદ : હળવદ સ્થાનિક પોલીસની બેદરકારીના લીધે શહેરમાં દારૂ-જુગારના હાટડા ખુલ્લેઆમ ધમધમવા લાગતા એલસીબીએ દરોડો પાડી વર્લી મટકાના જુગારના હાટડા ઝડપી લઈ બે બુકીને રૂ. ૮૮૦૦ની માલમતા સાથે ઝડપી લઈ હળવદ પોલીસને ઊંઘતી ઝડપી હતી. જો કે એલસીબીના દરોડા બાદ સ્થાનિક બીટ જમાદાર અને લગત અધિકારીઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાઈ તેવી સંભાવના જણાઈ રહી છે.

- text

હળવદમાં દારૂ-જુગારની બદીએ માઝા મુકતા આજે એલ.સી.બી ટીમના દશરથસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા હળવદની મોચી બજારની બંધ શેરીમાં જાહેરમાં વરલી ફીચરના આંકડાઓ લખી લખાવી પૈસાની હાર-જીતનો જુગાર રમતા અને રમાડતા આફતાબ ઉર્ફે અતુ રફિકભાઈ મનસુરી પીંજારા,રહે. હળવદ મોચી બજાર તેમજ એહમદ ઉર્ફે કલો ગુલામહુસેન ભટી સિપાઈ, રહે. મોરબી દરવાજા જંગરી વાસ હળવદવાળાને એક મોબાઇલ સહિત રૂ.૮૮૦૦ની માલમતા સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત, જુગાર પ્રકરણમાં સમીર રજાકભાઈ ઘાંચી, રહે.ઘાંચીવાડ હળવદ વાળાનું નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે હળવદ શહેરમાં પોલીસની ઉદાસીનતાને કારણે મારામારી, ચોરી, દારૂ, જુગાર સહિતની બદીનું પ્રમાણ ઉતરોતર વધી ગયું છે. છાશવારે દારૂ પીધેલા દારૂડિયાઓ રસ્તાઓ પર લથડીયા ખાતા પણ જોવા મળતા હોય છે. જેથી, હળવદ શહેરમાં દારૂજુગારની બદી એ જે માઝા મૂકી છે તેને ડામવા જિલ્લા પોલીસ વડા દ્વારા કડક અધિકારીની નિમણુંક કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

- text