કોરોના વાઇરસ : મોરબીમાં વસતા 200 જેટલા ચીની નાગરિકોના ટેસ્ટ કરવા જરૂરી

- text


સીરામીક સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્નિશયન તરીકે ફરજ બજાવતા 200થી વધુ ચાઈનીઝ નાગરિકો મોરબીમાં રહે છે

મોરબી : વિશ્વમાં ચીન સહિત ભારતમાં પણ ચિંતા જન્માવતા કોરોના નામના ગંભીર વાઇરસની ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે ત્યારે ચીનથી સંક્રમિત થઈ ભારતમાં આ વાઇરસ ફેલાવવાની આશંકાને ધ્યાને લઇ તંત્ર પુરી તકેદારી રાખી રહ્યું છે. ગુજરાતના 100 કરતા વધુ વિદ્યાર્થીઓ વિવિધ યુનિવર્સીટીઓમાં અભ્યાસર્થે હાલ ચીનમાં ગયેલા છે. ત્યારે મોરબીમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને ખાસ કરીને સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ચીનના વિવિધ પ્રાંતોમાંથી આવીને વસેલા 200થી વધુ ચાઈનીઝ નાગરિકોના કોરોના વાઇરસ ટેસ્ટ કરવા જરૂરી બની ગયા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

હાલ ચીનમાં નવા વર્ષની ઉજવણી માટે ઘણા ચાઈનીઝ નાગરિકો ચીન ગયા છે. તેઓ જ્યારે પરત ફરે ત્યારે તેઓના મેડિકલ ચેકઅપ માટે આગોતરું આયોજન ગોઠવવું જરૂરી બની ગયું છે. ઘણા ચાઈનીઝ નાગરિકો થોડા સમય પહેલા જ મોરબી પરત ફર્યા છે ત્યારે તેઓના મેડિકલ ટેસ્ટ થયા છે કે કેમ અને જો ન થયા હોય તો સત્વરે તેઓના કોરોના વાઇરસના ટેસ્ટ થવા જોઈએ. હાલમાં જ ચીનથી પરત ફરેલા નાગરિકો હાલ જે-તે જગ્યાઓએ પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે જો એમાંથી એક પણ ચીની નાગરિક કોરોના વાઇરસથી અસરગ્રસ્ત હશે તો એ મોરબી શહેર સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો ચેપ ફેલાવી શકે છે. તંત્રએ હજુ આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું હોય એવી કોઈ જાણકારી મળી રહી નથી.

- text

કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દર્દીમાં શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા શરૂઆતી લક્ષણો વર્તાય છે. ત્યારબાદ આ લક્ષણો ન્યુમોનિયામાં તબદીલ થાય છે અને કિડનીને ભારે નુકશાન પહોંચાડે છે. સાથોસાથ આ વાઇરસ ફેફસા પર એટેક કરે છે. હાલ તો આ વાઇરસ પર અંકુશ માટે કોઈ રસી ઉપલબદ્ધ નથી. અલબત્ત અન્ય લક્ષણો માટે ડોક્ટરો જરૂરી દવા પુરી પાડી શકે છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જો કોઈને કોરોના વાઇરસના ઉપરોક્ત લક્ષણો જણાય તો તુરંત સરકારી હોસ્પિટલનો તુરંત સંપર્ક કરવો. સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ દરેક સીરામીક એકમોના સંચાલકોને અપીલ કરી છે કે તેઓના કોઈ ટેક્નિશિયનો કે કર્મચારીઓને ફલૂ કે ન્યુમોનિયાના લક્ષણો જણાય તો ત્વરિત આરોગ્ય અધિકારીનો સંપર્ક કરે. કોરોના વાઇરસ છીંક અને ખાંસી ખાવાથી ફેલાઈ શકે એવો ચેપી વાઇરસ હોવાથી તકેદારી ખાસ જરૂરી બની જાય છે.

ઉલ્લેખનીય છે કે હાલ ચીનના વુહાન શહેરને આ સંક્રમિત વાઇરસને કારણે સિલ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં જતા આવતા તમામ રસ્તાઓને બ્લોક કરાયા છે. રેલવે અને હવાઈ સેવાઓ પણ આ શહેર પુરતી સ્થગિત કરવામાં આવી છે. ચીનના વુહાન સહિત 13 શહેરોમાં કોરોના વાઇરસની અસર થઈ હોવાથી સેંકડો લોકો ચીનના આરોગ્ય તંત્રની દેખરેખ હેઠળ રખાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાંથી અભ્યાસર્થે ગયેલા 100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

- text