કેસ સ્ટડી : પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા માટે કુદરતી ગેસ આધારિત વ્યવસ્થા કરવામાં મોરબી સૌથી આગળ

- text


મોરબી : ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ દેશનું સીરામીક હબ ધરાવતું મોરબી વાયુ પ્રદૂષણ અને પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા માટે કારખાનામાં કુદરતી ગેસ આધારિત વ્યવસ્થા કરવામાં દેશભરમાં સૌથી આગળ છે. મોરબીના કારખાનાઓમાં કોલસાના વપરાશમાં ઘટાડો થવાના કારણે પ્રદુષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે મોરબી માટે ગર્વ લેવા જેવી બાબત છે.

હાલના સમયે જ્યારે ભારત પ્રદૂષણના કારણે થતા મૃત્યુમાં આગળ છે ત્યારે દેશનું સિરામિક હબ એવું મોરબી, ઉદ્યોગોના પ્રદૂષણકારક ઇંધણને કુદરતી ગેસમાં ફેરવવાથી વાયુ પ્રદૂષણ અને પર્યાવરણીય પ્રદૂષણને દૂર કરવામાં કેવી રીતે મદદ મળી શકે છે તેના એક આકર્ષક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે.

જેનું મુખ્ય મથક બાર્સિલોનામાં સ્થિત છે, તે ઇન્ટરનેશનલ ગેસ યુનિયન (IGU)એ ‘શહેરી હવાની ગુણવત્તા સુધારણા કેસ સ્ટડી – 2019’ના શીર્ષક હેઠળ તાજેતરમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે ગેસ આધારિત અર્થવ્યવસ્થામાં મોરબીની સફળતાને હાઈલાઈટ કરે છે. આઇ.જી.યુ. દ્વારા ક્લીન એર રિપોર્ટ શ્રેણીની આ ચોથી આવૃત્તિ છે. જેમાં મોરબી ઉપરાંત, છ અન્ય કેસ સ્ટડી છે તેમજ કેસ સ્ટડીમાં યુ.કે.માં લંડન અને કોલમ્બિયાના બોગોટાનો સમાવેશ થાય છે.

આ અહેવાલમાં જણાવાયું છે કે, “ભારતના ગુજરાત રાજ્યના મોરબી શહેરમાં વાયુ પ્રદૂષણ અને પર્યાવરણીય પ્રદૂષણમાં નાટકીય રીતે ઘટાડો થયો છે, જે સિરામીક ઉદ્યોગમાં કોલસાને કુદરતી ગેસમાં ફેરવવાના પ્રયોગને આભારી છે.”

મોરબી એ ગુજરાતનું એક મધ્ય-કદનું શહેર છે, જે વૈશ્વિક સિરામિક ક્ષેત્રે મહત્વનો ફાળો આપવા માટે જાણીતું છે. મોરબીમાં કુલ 900 સિરામિક ઉત્પાદન એકમો કાર્યરત છે. જે આ ક્ષેત્રના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપે છે. સિરામિક ટાઇલ્સના નિર્માણમાં કોલસા ગેસિફાયર્સનો ઉપયોગ આ વિસ્તારની વાતાવરણીય ગુણવત્તાને ખૂબ જ નબળી બનાવી રહ્યો હતો, જેના કારણે તે વિસ્તારના નાગરિકો અને રાજ્યના નિયમનકારોને મુશ્કેલી ઉભી થઈ હતી.

- text

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) માર્ચ 2019માં તેના આદેશમાં મોરબી-વાંકાનેર વિસ્તારના સિરામિક એકમોમાં ગેસિફિકેશન ટેક્નોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ વિસ્તારના તમામ કોલસા ગેસિફાયરોને બંધ કરવા આદેશ આપ્યો હતો. પરિણામે, વિસ્તારના તમામ સિરામિક એકમો તેમના માટે પહેલેથી જ ઉપલબ્ધ પુરવઠો અને નેટવર્ક સાથે તરત જ પાઈપ કરેલા કુદરતી ગેસ પર ફેરવાઈ ગયા.

વધુમાં, અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાકૃતિક ગેસ પર ફેરબદલ કરવાથી તાત્કાલિક પરિણામો આવ્યા હતા અને હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો હતો. પીએમ 2.5ના સ્તરમાં 75% ઘટાડો, પીએમ 10ના સ્તરમાં 72% ઘટાડો અને SO2 (સલ્ફર ડાયોક્સાઇડ) માં 85% ઘટાડો થયો છે. હવાની ગુણવત્તામાં સુધારણા ઉપરાંત, નોંધપાત્ર અન્ય પર્યાવરણીય ફાયદાઓ પણ હતા. જેમાં પાણીનો વપરાશ ઓછો થવો અને કોલસાના ઘટાડાને લીધે ઉત્સર્જન ટાળવું સહિતની લાભોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આઇયુજીના અહેવાલમાં વિશ્વવ્યાપી ગેસ માર્કેટના લગભગ 95% પ્રતિનિધિત્વ કરનારા વિશ્વભરના 150 થી વધુ સભ્યોનો સમાવેશ થાય છે.

એનજીટીનો નિર્ણય નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણને પરિણામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે “કોલસો ગેસિફિકેશન એક ખતરનાક પ્રક્રિયા છે.” જેનાથી દિવસના 8000 કિલોના ધોરણે ખૂબ જ કાર્સિનોજેનિક કચરો ઉત્પન્ન થાય છે.

“એનજીટીએ આપેલા આદેશના એક મહિના પછી, મોરબીમાં ગેસનો વપરાશ લગભગ બમણો થઈ ગયો. એક દિવસમાં 2 મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) થી લગભગ 4 એમસીએમ અને નજીકના ભવિષ્યમાં તે 8 એમસીએમ સુધી પહોંચે તેવી સંભાવના છે. તે જ સમયે, ભારે વાહનોની અવરજવરમાં સંકળાયેલા ઘટાડા સાથે અને દરરોજ 2,250 હજાર લિટર તાજા પાણીની બચત સાથે, કોલસાના વપરાશમાં 900 એમટી પ્રતિ દિવસનો ઘટાડો થયો છે.” તેવું અહેવાલમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને પ્રકાશિત થયેલા ગ્લોબલ એલાયન્સ દ્વારા હેલ્થ એન્ડ પોલ્યુશન (GAHP)ના અહેવાલ મુજબ ભારત વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષણના કારણે થતા મૃત્યુનો ભોગ બન્યું છે, જેનો આંક ભારતમાં 2.3 મિલિયન છે ત્યારબાદ ચીન 1.8 મિલિયન છે.

- text