મોરબીના ગોવિંદભાઇ વરમોરાની ઉપસ્થિતિમાં કડવા પાટીદાર સમાજનો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો

- text


રાજકોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 2000 વડીલોએ ભાગ લીધો

મોરબી : રાજકોટમાં કડવા પટેલ સમાજ દ્વારા પરિવારમાં વડીલોનું મહત્વ વધે તે માટે વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 2000 જેટલા વડીલોએ ભાગ લીધો હતો. જેમાં મોરબીમાંથી સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના કડવા પાટીદાર સમાજે વડીલ વંદના કાર્યક્રમ યોજી કેલેન્ડર વર્ષ 2020ને અનોખી રીતે આવકાર્યું છે. આ કાર્યક્રમનો મૂળ હેતુ આધુનિક સમયમાં વિભક્ત કુટુંબોની વધતી જતી સંખ્યાના કારણે વડીલોનું મહત્વ વિસરાય નહિ અને વડીલોની આમન્યા જળવાય તે માટે વડીલોની વંદના કરવાનો હતો. આ કાર્યક્રમમાં સમાજના 60 વર્ષથી લઈને 95 વર્ષ સુધીના આશરે 2000થી વધુ પુરુષ વડીલોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી સ્થિત પટેલ સમાજના અગ્રણી તથા સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા વડીલોની વંદના કરવામાં આવી ત્યારે સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. આ કાર્યક્રમ દરમિયાન યુવાનો વડીલોની સલાહ માનશે તેમજ વડીલો પણ યુવાનોની વાત સમજશે તથા એકબીજા સાથે મિત્રો બની રહેશે તેવા કોલ યુવાનો અને વડીલોએ એકબીજાને આપ્યા હતા. તેમજ પ્રખ્યાત લેખક અને વક્તા જય વસાવડાએ પોતાના વક્તવ્યમાં વડીલોની વંદના કરી પરિવારના મોભા સમાન વડીલોની મહત્તા વિષે જાણકારી આપી હતી.

- text