પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ટંકારાના રોડ-રસ્તા ટકાટક હોવાનો આભાસ ઉભો કરાયો

- text


ટંકારામાં આવનાર મહાનુભાવો સામે દેખાડો કરવા તંત્ર રાતોરાત કામે વળગ્યું 

ટંકારા : મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટંકારા ખાતે થવા જઈ રહી છે. 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના તૈયારીના ભાગ રૂપે હાલ ટંકારા તાલુકાનું સમગ્ર સરકારી તંત્ર ઊંધેમાથે થયું હોય એમ દિવસ રાત સાફ સફાઈ તેમજ અન્ય વ્યવસ્થાઓ કરાઈ રહી છે ત્યારે લોકોમાં એક સવાલ ચર્ચાઈ રહ્યો છે કે જો આવી જ કામની તત્પરતા વર્ષના થોડા મહિનાઓ જ દાખવવામાં આવે તો નગરની મોટાભાગની સમસ્યાઓનું કાયમી ધોરણે નિરાકરણ આવી જાય.

71માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે થવા જઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાંથી આવનાર મહાનુભાવોને સારું લગાડવા માટે અને વાહવાહી લૂંટવા માટે હાલ ટંકારામાં તંત્ર ઊંધે કાન દોડાદોડી કરી રહ્યું છે. જો કે રાષ્ટ્રીય પર્વને લઈને કરવામાં આવી રહેલી કામગીરીથી નગરજનો ખુશ તો છે પણ લોકોના મનમાં એક સવાલ પણ થઈ રહ્યો છે કે હાલ ચાલી રહેલી કામગીરી વર્ષ દરમ્યાન જો સમયાંતરે ચાલુ રાખવામાં આવે તો સ્થાનિકોની મોટા ભાગની સમસ્યાનો કાયમી ધોરણે અંત આવી જાય.

- text

લતીપર ચોકડીથી જબલપુરના પાટિયા સુધીના રસ્તા પર મહિનાઓથી પડેલા ગાબડા રાતોરાત રીપેર કરી દેવામાં આવ્યા છે. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીને પણ ચોખ્ખી ચણાક બનાવી દેવામાં આવી છે. અજુબાજુમાંથી દુર્ગંધ મારતા કચરાના ઢગલા ઉપાડીને જગ્યા સ્વચ્છ કરી દેવામાં આવી છે. હકીકતમાં આવી સાફ સફાઈ વર્ષ દરમ્યાન કરવામાં આવતી નથી. હાલની કામગીરી જોતા લોકોના મનમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે તંત્રમાં સમસ્યાને ઉકેલવાનું સામર્થ્ય છે, આવડત પણ છે, કમી છે માત્ર કાર્ય નિષ્ઠાની. જો દાનત હોય તો કશું જ અશક્ય નથી. હાલની ચાલી રહેલી કામગીરીથી ભાવિ પેઢીને એવો ખોટો સંદેશ જઈ શકે છે કે જીવનમાં દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ રાખવા. પ્રજાસત્તાક પર્વનો આવો ભ્રમિત સંદેશ તો ન જ જવો જોઈએ. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પધારતા મહાનુભાવોને કોઈએ આ સત્ય હકીકતથી અવગત કરાવવા જોઈએ જેથી કરીને તેઓને પણ વાસ્તવિકતાનો સાચો અંદાજ આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

- text