હળવદમાં ઘરેણા ચમકાવવા જતા બે મહિલા છેતરાઈ..!

- text


શહેરમાં આવેલ શિવાલિક એપાર્ટમેન્ટની ઘટના: ઘરેણા ધોવાનું કઈ નજર ચૂકવી ૬ તોલા સોનું લઇ બે શખ્સો ફરાર

હળવદ: હળવદ શહેરમાં આવેલ સામતસર તળાવ કાંઠે શિવાલિક એપાર્ટમેન્ટમાં દાગીના ચમકાવી આપવાના બહાને બે શખ્સોએ બે મહિલા પાસેથી સોનાની બંગડીઓ, બુટીયો અને ચેન મળી કુલ ૬ તોલા સોનું લઇ નજર ચૂકવી રફુચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેર ના સામતસર તળાવ કાંઠે આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતા માલતીબેન પ્રતાપભાઈ દવે અને તેમના ઘરે ઘર કામ માટે આવતા માલણીયાદ ગામના રીટાબેન ખવાસ આજે ઘરે હતા ત્યારે ત્યાં બે શખ્સો આવ્યા હતા અને સોનુ હળદરમા ધોવી ચમકાવી આપતા હોવાનું જણાવ્યું હતું.

જેથી બંને મહિલાઓ આ ઠગ બેલડીની વાતોમાં આવી ગઈ હતી અને માલતીબેન એ પોતાની સોનાની ચાર બંગડી બે બુટીઓ અને એક સોનાનો ચેનતેમજ રીટાબેનએ કાનના બે બુટીયા મળી કુલ ૬ તોલા જેટલું સોનું ધોવા માટે આપ્યું હતું. જેથી, ઠગ બેલડી દ્વારા સ્ટીલ ના ડબ્બા મંગાવી તેમાં હળદર નાખી ગેસ પર ગરમ કરવા લાગ્યા હતા અને થોડીવાર પછી બન્ને શખ્સો દ્વારા રીટાબેન ને જણાવેલ કે સાવરણીની એક સળી લેતા આવો તેમ કહી બંને મહિલાઓની નજર ચૂકવી આ બન્ને શખ્સો સોનુ લઇ રફુચક્કર થઈ ગયા હતા.

- text

જેથી, સોનુ ધોવાના બહાને બંને શખ્સો સોનુ લઈ ગયા હોવાનું મહિલાને જણાતા તેઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી જેથી લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ હળવદ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અંગે હળવદ બીટ જમાદાર પ્રવીણભાઈ પટેલ નો સંપર્ક કરાતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.

- text