વાંકાનેરમાં પવનચક્કીઓ ઉભી કરવામાં થતાં બ્લાસ્ટથી ખેડૂતો પરેશાન : સરકારી તંત્રના આંખ મીંચામણાં

- text


વાંકાનેર : મોરબી જીલ્લાના વાંકાનેર પર કુદરત મહેરબાન હોય સમગ્ર પંથક ડુંગરોની હરિયાળીથી દીપી ઊઠે છે. વાંકાનેરના આવા સુંદર નયનરમ્ય ડુંગરો પર વિન્ડફાર્મ કંપનીઓની વેપારી નજર પડી અને સરકારી અધિકારીઓના મેળાપણાથી જ્યાં જંગલોનું વિસ્તરણ થવું જોઈએ ત્યાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત પવન ચક્કીઓનો રાફડો ફાટયો છે. વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા પવનચક્કી ઊભી કરવા માટે તેના ફાઉન્ડેશન માટે ખાડો કરવામાં આવે છે વાંકાનેર ડુંગર વિસ્તારની જમીન મજબૂત હોવાથી આ ખાડાઓ કરવા માટે હેવી બ્લાસ્ટિંગનો ઉપયોગ કરી રહ્યા છે (જે બ્લાસ્ટિંગ માટે સરકારની કોઇ જાતની પરમિશન મેળવતાં નથી) જે બ્લાસ્ટિંગથી આજુબાજુના ખેડૂતોને ગંભીર નુકસાની સહન કરવી પડે છે. ખેડૂતો દ્વારા અવારનવાર આ બાબતની ફરિયાદ લેખિત તેમજ મૌખિક રીતે તંત્રને કરવામાં આવે છે પરંતુ લાગત સરકારી તંત્રની ભૂમિકા ખેડૂતો પ્રત્યે ન રહેતાં અને વિન્ડફાર્મના એજન્ટો હોય તેવું વર્તન જોવા મળી રહ્યું છે. ખેડૂતોની ફરિયાદો બાદ તંત્ર દ્વારા કોઈપણ ભોગે ખેડૂતોને સમજાવી કે દબાવીને ફરિયાદ પાછી ખેંચવા માટે અથવા તો હવે કોઈ ફરિયાદ નથી તેવું નિવેદન આપવા માટે અલગ-અલગ રસ્તાઓ અખત્યાર કરી રહ્યા છે અને ખુલ્લેઆમ વિન્ડફાર્મ કંપનીઓને છાવરી રહ્યા છે. તાજેતરમાં વાંકાનેરના ચંદ્રપુર ગામે પાંચ નવી પવનચક્કીઓ ઊભી થઈ રહી છે જેમાં ફાઉન્ડેશન માટે કરવામાં આવતાં હેવી બ્લાસ્ટથી ચંદ્રપુરના ખેડૂત બરીયા આરીફ વલીમામદભાઈ ના ખેતરમાં રહેલ કુવો, બોર તેમજ મકાનમાં ગંભીર નુકસાન થયેલ જે બાબતની ખેડૂત દ્વારા અવારનવાર કંપનીના માણસોને ફરિયાદ કરી હોવા છતાં વિન્ડફાર્મ કંપનીના માણસો બેફામપણે વર્તન કરી હેવી બ્લાસ્ટિંગ ચાલુ રખાતાં ખેડૂત દ્વારા મોરબી જિલ્લા કલેકટર અને વાંકાનેર પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરેલ છે. ખેડૂતને વિશ્વાસ છે કે મોરબી જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી તેમને યોગ્ય ન્યાય અપાવશે અને બેફામ વર્તન કરતાં વિન્ડફાર્મ કંપનીના માણસોને કંટ્રોલ કરશે. અહીં નોંધવું રહ્યું કે વાંકાનેર સેવાસદનનો ઘણો બધો સ્ટાફ આ પવનચક્કીના કોન્ટ્રાક્ટરોની ભાષા બોલી રહ્યો હોય તેની પર પણ લગામ લગાવવી જરૂરી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પંચરોજકામ કે સ્થળ સ્થિતિનું રોજકામ માટે મોકલેલ માણસો દ્વારા પવનચક્કીના કર્મચારીઓને સ્થાનિક માણસો બતાવી પંચરોજકામમાં સાક્ષી તરીકે દર્શાવી રહ્યા છે. જમીનો ફાળવણી વખતે પણ સ્થળસ્થિતિ પંચરોજકામમાં જે ડુંગર વિસ્તારો વૃક્ષો ઝાડપાન ઘાસથી રળિયામણા રહે છે તેને પણ એવું બતાવવામાં આવે છે કે અહીં ઘાસનું એક તળખણુ પણ થઈ શકે તેમ નથી! આવા ખોટા પંચરોજ કામ બતાવી ઉચ્ચ અધિકારીઓને પણ ઉંધા ચશ્માં પહેરાવી રહ્યા હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

- text

ખેડૂતોની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લેતા જોવા મળ્યું કે પવનચક્કી ઊભી કરવા માટે હેવિ વાહનોને સ્થળ સુધી લઈ જવા માટે પહોળા રસ્તા બનાવવા માટે અસંખ્ય વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે. આટલા મોટા પ્રમાણમાં વૃક્ષોનું છેદન હોવા છતાં સરકારી ચોપડે તેની કોઈ એન્ટ્રી નથી કે વૃક્ષો તોડવા માટેની કોઈ મંજૂરી લીધેલ નથી. ઉપરોક્ત ખેડૂતનો સર્વે નંબર 265 ની બાજુમાં આવેલ ગૌચરની જમીનમાં વાંકાનેર વન વિસ્તરણ દ્વારા અસંખ્ય વૃક્ષો વાવી ઉછેર કરવામાં આવેલ જ્યાં પણ વૃક્ષો કાપીને પવનચક્કીનો વીજપ્રવાહ લઈ જવા માટે લોખંડના પોલ ઉભા કરી વૃક્ષોનું છેદન કરવામાં આવેલ જે બાબતમાં પણ કંપની ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી.

વિન્ડફાર્મ કંપની દ્વારા પવનચક્કીઓ ઊભી કરી તેમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થતાં તેને વહન કરવા માટે વીજપોલો ઉભા થઇ ગયા. આ વીજ લાઈન માટેના લોખંડના પોલ ગ્રામ પંચાયતના ખરાબામાં, વોંકળામાં, તળાવમાં તેમજ ગૌચરમાં ઉભા કરી (ગ્રામ પંચાયતને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર) સરકારશ્રીના ઠરાવો અને શરતોનો ભંગ કરે છે. રક્ષિત જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં વિચરતા વન્ય પ્રાણીઓના સ્થળાંતરના માર્ગ (માયગ્રેટીંગ રૂટ) પર કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા તેમજ વીજ પોલ ઉભા કરેલ છે જેના કારણે જંગલ વિસ્તાર અને તેની બાજુમાં ઈકો સેન્સેટીવ ઝોનમાં વન્ય પશુઓને અડચણ તેમજ તેમના માર્ગમાં અંતરાયો ઉભા થયેલ છે જે વન્યપ્રાણીઓ માટે ખતરારૂપ છે અને રસ્તાઓ બનાવવા માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખેલ છે જેમાં પક્ષીઓના રહેઠાણનો પણ નાશ થયો છે.

- text