લીલાપર રોડ તંત્રની બેદરકારીના કારણે જોખમી નાલા પરથી રીક્ષા ખાબકતા સ્થાનિકો વિફર્યા : ચક્કાજામ

- text


તંત્રના પાપે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાનો સ્થાનિક લોકોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો : સ્થાનિકોએ ઘટનાસ્થળે રોડ પર ચક્કાજામ કરીને દીવાલની તાત્કાલિક રિપેરીગની માંગ કરી

મોરબી : મોરબીના લીલાપર રોડની સલામતી દીવાલ ન હોવાથી નાલા પરથી ગતરાત્રે એક રીક્ષા નીચે ખાબકી હતી. જોકે આ ગંભીર અકસ્માતની ઘટનામાં પણ સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી પણ જોખમી દીવાલને કારણે વાંરવાર વાહનો નાલામાં ખાબકતા હોવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતા અને વધુ એક અકસ્માત થવાથી સ્થાનિક લોકો વિફર્યા હતા અને રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરી દીધો હતો અને દીવાલની તાત્કાલિક ધોરણે રિપેરીગની માંગ કરી હતી.

આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર બોરીચા વાસ પાસેથી ગતરાત્રે એક રીક્ષા પસાર થઈ રહી હતી.લીલાપર રોડ પરના નાલાની જોખમી દીવાલને કારણે આ રીક્ષા લીલાપર રોડ બોરીચા વાસ પાસે આવેલ નાલામાં નીચે ખાબકી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા. જોકે આ ગંભીર ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ વારંવાર અહીં અકસ્માત સર્જાતા હોવાથી સ્થાનિક લોકો તંત્રની બેદરકારી સામે લાલધુમ થઈ ગયા હતા અને આજે ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ લીલાપર રોડ પરના નાલા પાસે ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે આ રોડ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આજે રોડ બ્લોક કરીને તંત્ર સમક્ષ તાત્કાલિક આ જોખમી દિવાલના રિપેરીગની માંગ કરી હતી.

ચક્કાજામ કરતા સ્થાનિક લોકોએ તંત્ર પર ઉગ્ર આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો હતો કે, લીલાપર રોડની જોખમી દીવાલને કારણે અવારનવાર વાહનો નાલામાં ખાબકે છે. તંત્રને આ જોખમી દીવાલની મરમત્ત કરવાની અનેક વખત રજુઆત કરી હતી. તેમ છતાં તંત્રએ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા તંત્રના પાપે આ અકસ્માતની હારમાળા સર્જાતી હોવાનો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.અને અબોલ જીવો પણ વારંવાર અહીં પડે છે.ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા સવાલ સાથે સ્થાનિકો આ ગંભીર મામલે ઢંઢોવાનો પ્રયાસ કર્યો છે. જોકે ગતરાત્રે આ ઘટના બનાયા બાદ વિહિપ, બજરંગ દળ, મહાકાલ ગ્રુપે આ મામલે આંદોલનની ચીમકી આપી હતી. તેમ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આંજે વિહિપ અને બજરંગ દળ સહિતના કાર્યકરો અને સ્થાનિક લોકો વિફર્યા હતા અને ચક્કાજામ કરી દીધો હતો.

- text

- text