એ..ગયું..! મોરબીમાં પણ હેલ્મેટ ચોરી થવાનું શરૂ

- text


મોરબી : જ્યારથી નવા મોટર વિહ્કલ એકટ કાયદા અંતર્ગત ભારે દંડનીય કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી લોકોએ હેલ્મેટ ખરીદવા તથા પીયૂસી બનાવડાવવા દોટ મૂકી છે. બજારમાં સારી ક્વોલિટીના હેલ્મેટના બદલે તકલાદી હેલ્મેટ વેચવા વાળા લેભાગુઓ રાતોરાત ફૂટી નીકળ્યા છે, જેઓ પણ 200 રૂપિયાની મહત્તમ કિંમત વાળી હેલ્મેટ 500 રૂપિયામાં પધરાવતા જોવા મળી રહ્યા છે. 500 રૂપિયાનો મેમો ભરવા કરતા એક વાર ખર્ચો કરી કાઢીએ એમ સમજીને લોકો મજબૂરીમાં આવા હેલ્મેટ મને કમને ખરીદી રહ્યા છે. પરંતુ માર્કેટમાં હેલ્મેટની શોર્ટજની વચ્ચે હવે મોરબીમાં પણ દ્વિચક્રી વાહનો પર લટકાવેલા હેલ્મેટની ચોરી થવા લાગી છે. 

- text

મોરબીમાં હેલ્મેટ ચોરીની સામે આવેલી ઘટનાની વિગત મુજબ ગઈ કાલે જ પાડલીયા જીજ્ઞેશભાઈ ચુનીલાલ નામના વાહન ચાલક લાતીપ્લોટ 6 નંબરના ખૂણા પાસે બાઈક પર હેલ્મેટ રાખી વકીલની ઓફિસમાં 5 મિનિટ માટે મળવા ગયા હતા ત્યાં આટલી જ વારમાં કોઈ શખ્સ એમના હેલ્મેટની તફડચંડી કરી જતા જીજ્ઞેશભાઈ મુસીબતમાં મુકાયા હતા. તેઓના કહેવાનુસાર બજારમાં એક તરફ પૈસા ખર્ચતા પણ સારી કવોલીટીના હેલ્મેટ મળતા નથી ત્યારે જો હેલ્મેટ ચોરાઈ જાય અને વગર હેલ્મેટે આગળ જતાં મેમો આવે તો “પડ્યા પર પાટું”ના રૂઢિપ્રયોગ પ્રમાણે “નુકશાન પર મેમો” જેવી કફોડી હાલત થાય છે. જે જગ્યાએથી હેલ્મેટ ચોરાયું ત્યાં ટ્રાફિક બ્રાન્ચના સીસીટીવી કેમેરા પણ લાગેલા હોવા છતાં હેલ્મેટની ઉઠાંતરી થઈ ગઈ હતી.

- text