પ્રથમ ગ્રાસે મક્ષિકા : મોરબી પાલિકાની ઢોર પકડવાની કામગીરીનું સુરસુરીયું

- text


એક દિવસ કામગીરી કર્યા બાદ જુના બાકી પેમેન્ટ મુદે પાજરાપોળે ઢોર સ્વીકારવાની ના પાડી દેતા કામગીરી અટકી પડી

મોરબી : મોરબી પાલિકા તંત્રની ઢોર પકડ કામગીરીનું એક જ દિવસમાં સુરસુરીયું થઈ ગયું છે.જેમાં એક દિવસ સુધી ઢોર પકડની કામગીરી કર્યા બાદ મોરબી પાજરાપોળએ જૂનું પેમેન્ટ બાકી હોવાથી નવા પશુઓ સંભાળવાનો ઇનકાર કરી દેતા પાલિકા તંત્રની ઢોર પકડ કામગીરી અટકી પડી છે.તેથી મોરબીમાં રઝળતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર રહી જવાથી લોકોને ત્રાસદાયક પીડા ભોગવવી પડી રહી છે.મોરબીમાં રઝળતા ઢોરનો છેલ્લા ઘણા સમયથી સળગતો પ્રશ્ન છે.શહેરનો કોઈ એવો માર્ગ કે વિસ્તાર બચ્યો નહિ હોય કે જ્યા રઝળતા ઢોરનો અડીગો ન હોય.શહેરના તમામ માર્ગો અને દરેક વિસ્તારમાં રખડતા ઢોરોએ આધિપત્ય જમાવી દીધું છે.જેના કારણે ટ્રાફિક અને અકસ્માતનું જોખમ રહે છે.ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસ મુદે પાલિકા તંત્રની ધોર બેદરકારી મુદે તડાપીટ બોલ્યા બાદ આખરે પાલિકા તંત્ર જાગ્યું હતું અને એક ખાનગી એજન્સીને રખડતા ઢોર પકડવાનું કામ સોંપીને ગત શનિવારે રાત્રીના સમયે પાલિકા તંત્રએ ઢોર પકડની કામગીરી હાથ ધરી હતી.શનિવારે તંત્રએ નવ જેટલા ઢોર ઉપાડીને મોરબી પાંજરાપોળમાં મોકલ્યા હતા.જોકે પાલિકા તંત્રની ઢોર પકડની એક કામગીરી એક દિવસ પૂરતી જ રહી હતી.કારણ કે , મોરબી પાંજરાપોળએ પાલિકા પાસેના જુના લેણા નીકળતા બાકી પેમેન્ટ મુદે નવા પશુઓ સાંભળવામાં વાંધો ઉઠાવ્યો છે.

- text

પાંજરાપોળના કહેવા મુજબ ગત વર્ષના પાલિકા તંત્રએ જે શહેરમાંથી રખડતા ઢોર પકડીને પાંજરાપોળને સોંપ્યા હતા તેનો નિભાવ ખર્ચ પાંજરાપોળને પાલિકાએ ચૂકવ્યો નથી.જોકે પાલિકા તંત્રએ અગાઉ ઢોર પકડ કામગીરી શરૂ કરી હતી તે સમયે જ પાંજરાપોળએ નાક દબાવ્યું હતું.પણ પાલિકા તંત્રએ સમાધાન થઈ ગયાનું જણાવીને ઢોર પકડ કામગીરી શરૂ કરી હતી.પણ એક દિવસના પશુઓ સ્વીકાર્યા બાદ પાંજરાપોળએ પાલિકા જ્યાં સુધી જૂનું બાકી બિલ નહિ ચૂકવે ત્યાં સુધી નવા પશુઓ નહિ સ્વીકારે તેવું જણાવી દેતા પાલિકાની ઢોર પકડ કામગીરી બંધ થઈ ગઈ છે તેથી મોરબીવાસીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે એવી આશા હાલ ઠગારી નીવડી છે. જ્યારે ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું કે , બાકી પેમેન્ટ અંગે પાંજરાપોળ સાથે મીટીંગ કરીને તેમના પ્રશ્નનું નિરાકરણ કરાશે.

- text