મોરબી : વરસાદી પાણીના નિકાલ બાબતે યોજાયેલી મિટિંગમાં નગરજનોએ ઉગ્ર રોષ ઠાલવ્યો

- text


હોકળા પરના દબાણનો સર્વે કરવા કમિટી બનાવાઈ : પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા અને પ્રથમ જવાબદાર વિભાગોને રજૂઆતો કરાશે : તંત્ર પગલાં નહીં લે તો જાતે જ હોકળા પરના દબાણ દૂર કરવાનો નિર્ણય

મોરબી : મોરબી શહેરમાં પાછલા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે માનવ સર્જિત હોનારત થતાં થતાં રહી ગઈ હતી. જેથી કરીને હાલમાં સ્થાનિક લોકો જાગૃત થયા છે અને આગામી દિવસોમાં ભારે વરસાદ પડે ત્યારે ફરી પાછી આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે ગઇકાલે રવાપર કેનાલ ચોકડી પાસે સ્થાનિક આગેવાનોની મિટીંગ મળી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે શહેરના દરેક વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ રૂપ બનેલા દબાણોને કોઈપણ સંજોગોમાં દૂર કરવામાં આવે તે જરૂરી છે. આ માટે હોકળા પરના દબાણનો સર્વે કરવા કમિટી બનાવી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા અને પ્રથમ જવાબદાર વિભાગોને રજૂઆતો કરાવનો અને તેમ છતાં તંત્ર પગલાં નહીં લે તો જાતે જ હોકળા પરના દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મોરબી શહેરની રવાપર કેનાલ ચોકડી તેમજ અવની ચોકડી આસપાસના વિસ્તારમાં ગત શુક્રવારે અને શનિવારે પડેલા ભારે વરસાદના કારણે પૂર હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સંદર્ભે સ્થાનીય વિસ્તારના આગેવાનોની એક મિટિંગ મળી હતી. જેમાં ચર્ચા બાદ એવા નિષ્કર્ષ પર સહુ પહોંચ્યા હતા કે મોરબી શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય એ માટે રાજાશાહી સમયના વરસાદી પાણીના નિકાલ હતા એ હાલ દબાણકર્તાઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે જેને ખુલ્લા કરવા માટે આગામી દિવસોમાં સંયુક્ત રીતે કાર્યવાહી કરવા ઝુંબેશ શરુ કરવી જોઈએ. સ્થાનિક તંત્રને આ અંગેની નોટીસ પણ આપવામાં આવશે. જો ત્યાર પછી પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં મોરબી શહેરની જનતા દ્વારા જે તે જગ્યાએ વરસાદી પાણીના નિકાલમાં થયેલા દબાણોને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવશે અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ફરી સુચારુ બનાવવામાં આવશે.

મિટિંગ નિર્ણય લેવાયો હતો કે નગરપાલિકા અને ગ્રામ પંચાયત સહિતના વહીવટી તંત્ર પાસેથી મોરબી શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે વર્ષો પહેલા વોંકળા બનાવવામાં આવ્યા છે. તેની લંબાઈ અને પહોળાઈની માહિતી માંગવામાં આવશે અને તે માહિતી મળી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમા કોઇ પણનું દબાણ હોય તો તેને તોડવા માટે થઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેના માટે થઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવશે. તેમ છતાં પણ પરિણામ નહીં મળે તો અંતે લોકો દ્વારા જાતે ડીમોલેશનનું શસ્ત્ર ઉગામશે.

- text

આ માટે સતિષભાઈ કાનાબાર અને નિલેશભાઈ જેતપરિયા, મુકેશ કુંડારીયા, યોગી પટેલ સહિતના સ્થાનિકોની સાથે મોરબી સ્વચ્છતા અભિયાનની ટીમના સદસ્યો પણ એક બાબતે સહમત થયા હતા કે પાણી ભરાવવાની સમસ્યાનું મુખ્ય કારણ હોકળા પર ખડકી દેવાયેલા દબાણરૂપ બાંધકામો જ છે. આ સ્થિતિ માટે તંત્ર સંપૂર્ણ રીતે જવાબદાર છે કે જેણે આવા દબાણો થવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વળી નાગરિકોએ પણ હોકળાઓમાં કચરો ફેંકવો જોઈએ નહીં. એ માટે પણ પુરા પ્રયત્નશીલ રહેવા માટે સંકલ્પ આ મિટિંગમાં લેવાયો હતો. હોકળાની સફાઈ માટે સરકારી ગ્રાન્ટની ફાળવણી થતી હોય છે તે અંગે પણ તંત્ર પાસે જવાબ માંગવામાં આવશે. આ મિટિંગમાં તંત્ર સામે લડી લેવાની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો ત્યારે હવે આ વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે ત્યારે તંત્ર હરકતમાં આવશે કે એ પહેલાં કામગીરી શરૂ થશે એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

- text