વાંકાનેર : જીતુ સોમાણીના સમર્થનમાં અને ડોક્ટર ગોસાઈના વિરુદ્ધમાં નીકળી વિશાળ રેલી

- text


રેલીમાં મોટી સંખ્યમાં આગેવાનો અને લોકો જોડાયા : પ્રાંત અધિકારીને આવેદન આપી ફરજમાં બેદરકારી બદલ વાંકાનેરના ડોક્ટર ગોસાઈની બદલીની માંગ કરી

વાંકાનેર : થોડા દિવસો પહેલા ભાજપ અગ્રણી જીતુ સોમણીએ વાંકાનેર સરકારી રેફરલ હોસ્પિટલના ડોકટર જયદીપ ગોસાઈને ફડાકા મારવાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. ત્યારે ડોકટરના સમર્થનમાં ગૌસ્વામી સમાજે રજુઆત કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે ભાજપ અગ્રણી જીતુ સોમાણીના સમર્થનમાં અને ડોક્ટરની જોહુકમી તેમજ તેમના દ્વારા કરાતા અણઘડ વહીવટના વિરોધમાં વાંકાનેરમાં એક વિશાલ રેલી નીકળી હતી અને વાંકાનેર પ્રાંત અધિકારીને ડોકટર વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું હતું.

વાંકાનેરમાં આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો અને આગેવાનો જોડાયા હતા. જેમાં રેલી બાદ પ્રાંત અધિકારીને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી, શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસ, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, યોગેન્દ્ર સિંહ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી ડેપ્યુટી કલેકટર એન. એફ. વસાવાને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ડોકટર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જે મુજબ ડૉ. જયદીપ ગોસાઈ MD ડોકટર છે. પરંતુ 2006ની સાલથી આ ડોક્ટરે કોઈનો કાડિયોગ્રામ કાઢેલ નથી. વાંકાનેર હોસ્પિટલમાં રોજના અંદાજે 20-25 હૃદયરોગના દર્દીઓ આવે છે. અહીં કાડીઓગ્રામ મશીનની વ્યવસ્થા નથી એમ જણાવીને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. જે અત્યંત ચોંકાવનારી બાબત છે. સરકારી નિયમો અનુસાર કોઈ ડોકટર પોતાનું હેડક્વાર્ટર છોડી શકતા નથી. પણ આ ડોકટર સવારે 10 વાગ્યે હોસ્પિટલે આવી સાંજે 6 વાગ્યે પોતાના મોરબી સ્થિત ઘેર જતા રહે છે.

વાંકાનેર હોસ્પિટલમાં 3 એમ્બ્યુલન્સ છે પરંતુ ડીઝલના વાંકે આ સેવા અનિયમિત ચાલે છે. 2017ની સાલમાં ડિઝલનું બિલ ન ચૂકવવાને કારણે પુરા વર્ષ દરમ્યાન એમ્બ્યુલન્સ સેવા બંધ હાલતમાં રહી હતી. આ પુરા વરસ દરમ્યાન એમ્બ્યુલન્સના ડ્રાયવરને બેઠા-બેઠા પગાર ચૂકવવો પડ્યો હતો. આ બાબતે વાંકાનેરના સામાજિક આગેવાન અમુભાઈ ઠકરાણી રજુઆત કરવા જતા ડોક્ટરે તેમની સાથે ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરી “તમે વધુમાં વધુ મારી બદલી જ કરાવી શકશો ને?” એવો જવાબ આપી પોતાનો પાવર દર્શાવ્યો હતો. ઓગસ્ટ 2016માં આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું ત્યારથી અણઘડ વહીવટને કારણે આ હોસ્પિટલ આજે ખુદ માંદગીના બિછાને પડી હોય તેવી બદતર હાલતમાં આવી ગઈ છે. હોસ્પિટલમાં દવાનો પૂરતો સ્ટોક નથી હોતો, જનરેટર બંધ છે, 3 પૈકી 2 એમ્બ્યુલન્સમાં ટાયર નથી, પાણીના અભાવે સંડાસ-બાથરૂમ બંધ હાલતમાં છે અને કર્મચારીઓના પગાર 3-3 માસથી કરવામાં આવ્યા નથી, જેની લેખિત ફરિયાદ પણ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. ડોકટરના મનસ્વી નિર્ણયથી દર્દીઓ અને તેમના પરિજનો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે.

- text

ઉપરોક્ત તમામ બાબતે કોઈ એમના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય તો ડોકટર જયદીપ ગોસાઈ એમના પર પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે છે. ઉલ્લેખનીય છે કે ડૉ. ગોસાઇના મોરબીના કાર્યકાળ દરમ્યાન પણ તેઓ વિરુદ્ધ અનેકવાર ફરિયાદો થઈ હતી. આ ડોકટર વિરુદ્ધ જો હવે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહિ આવે તો વાંકાનેરવાસીઓ આમરણાંત ઉપવાસ પર ઉતરશે એવી ચીમકી આવેદનપત્રના અંતે અપાઈ છે ત્યારે હવે જોવું રહ્યું કે ફડાકાકાંડનો મામલો ક્યાં સુધી પોહચે છે.

 

 

- text