મોરબી : પરિવાર ઈસ્ત્રી ચાલુ રાખીને જ નીકળી જતા ઘરમાં આગ લાગી

- text


નાની વાવડી ગામે બંધ મકાનમાં આગ લાગતા દોડધામ : આગમાં પાછળનો રૂમ સળગી ગયો : ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી

મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલા બંધ મકાનમાં આજે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.આ આગમાં મકાનની અંદરનો એક રૂમ સળગી ગયો હતો. જોકે ફાયર બીગ્રેડ વિભાગે આગને સમયસર કાબુમાં લઇ લેતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.આ મકાનમાં રહેતો પરીવાર આજે સવારે કપડાંને ઈસ્ત્રી કર્યા બાદ ચાલુ ઈસ્ત્રી કપડાં ઉપર ભૂલથી મૂકીને નીકળી જતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.

- text

આ આગના બનાવની મોરબી ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ સમજુબા વિધાલય પાસેની સિંધી સોસાયટીના એક બંધ રહેણાક મકાનમાં આજે સવારે આગ લાગી હતી. અને જોતજોતામાં આગની લપેટમાં આ મકાનની અંદરનો એક રૂમ આવી જતા આ રૂમ સળગી ગયો હતો.આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બીગ્રેડ વિભાગના વિનયભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગને કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જોકે આ બંધ મકાનમાં લાગેલી આગ આજુબાજુના મકાનમાં પ્રસરે તેવી ભીતિ સેવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો .પરંતુ ફાયર વીભાગે આકરી જહેમત ઉઠાવીને સમયસર મકાનમાં લાગેલી આગ કાબુમાં લઈ લેતા સ્થાનિક રહીશોએ રાહતનો દમ લીધો હતો.આ આગના કારણ અંગે ફાયર વિભાગના સૂત્રોએ એવું પ્રાથમિક તારણ દર્શાવ્યું હતું કે, આ મકાનમાં રહેતો પરિવાર આજે સવારે ક્યાંક જવાની ઉતાવળમાં કપડાને ઈસ્ત્રી કરીને ચાલુ ઈસ્ત્રી કપડાં પર મૂકીને ઘરને બંધ કરીને નીકળી જવાની ભૂલ કરી બેઠો હતો અને કપડાં પર રાખેલી ચાલુ ઈસ્ત્રીને કારણે આગ લાગી હોવાનું તારણ દર્શાવ્યું છે.આગની લપેટમાં મકાનનો એક રૂમ સળગી ગયો હતો જોકે આગ અન્યત્ર ફેલાઈ તે પહેલાં જ ફાયર વિભાગે બુઝાવી નાખતા સ્થાનિક લોકોએ રાહત અનુભવી છે.

 

- text