મોરબી રેલ્વે સ્ટેશને નો પાર્કિગના નામે મુસાફરો પાસે ઉઘાડી લૂંટ

- text


અમુક શખ્સો દ્વારા વાહન પાર્કિગના નિયમ ઉલ્લંઘનના નામે મોટા દંડની બીક બતાવી રીતસર ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ

મોરબી : મોરબીના મુખ્ય રેલ્વે સ્ટેશને વાહન પાર્કિગના નામે અમુક શખ્સો રોફ જમાવીને મુસાફરો પાસેથી તોડપાણી કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉઠી છે. મુસાફરોમાં ઉઠતી ફરિયાદ મુજબ તેઓ કોઈ કામ માટે રેલવે સ્ટેશને વાહન પાર્ક કરે કે તરત જ ત્યાં અડીંગો જમાવીને બેસતા અમુક શખ્સો મુસાફરોને ડરાવી ધમકાવી તેમના ખિસ્સા ખંખેરી લે છે.

- text

મોરબીના મુસાફરોમાં ઉઠતી ફરિયાદ મુજબ મુસાફરો જ્યારે ટીકીટ લેવા કે અન્ય કોઈ કામ માટે મોરબીના મુખ્ય રેલ્વે સ્ટેશને જાય છે ત્યારે માત્ર પાંચ મિનિટ જેવો સમય ત્યાં બાઇક પાર્ક કરે છે. જેવું રેલ્વે સ્ટેશને વાહન પાર્ક થાય કે તરતજ ત્યાં ડોળો જમાવીને બેસતા અમુક શખ્સો આ મુસાફરનું બાઇક પર કબજો કરીને બેસી જાય છે. આથી રેલવ સ્ટેશન અંદર પાંચ મિનિટ કામ પતાવી બહાર આવે ત્યારે આ શખ્સો મુસાફરો સમક્ષ એવો રુઆબ કરે છે કે તમારું વાહન ગેરકાયદે પાર્ક કરેલું હતું હવે જો વાહન જોઈતું હોય તો અંદર “સાહેબ” પાસે રૂ 200નો દંડ ભરતા આવો અને એટલો દંડ ન ભરવો હોય તો અમને રૂ 50 આપી દો. આ રીતે સ્થાનિક શખ્સો મુસાફરોને ધાકધમકી આપીને બળજબરીથી રૂ.50 પડાવીને જોહુકમી ચલાવે છે. સ્થાનિક ઇસમોની આવી કરતૂતથી મુસાફરો લૂંટાઈ રહ્યા છે. મુસાફરો વધુમાં જણાવે છે કે,નો પાર્કિગ ઝોનમાં અનેક વાહનો પાર્ક થાય છે એવા વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી. તો નિયમ ભંગ બદલ નો પાર્કિગ ઝોનમાં પાર્ક વાહનો કેમ દેખાતા નથી તેવો મુસાફરોએ વેધક સવાલ ઉઠાવ્યો છે. ત્યારે સવાલ એ ઉઠે કે શું ખરેખર આ સ્થાનિક શખ્સોને તંત્ર સાંઠગાંઠ છે કે કેમ? કે ખરેખર લેભાગુ તત્વો છે ? તે બાબત પોલીસ તપાસનો વિષય બની છે. તેમેજ રેલવે અને પોલીસ તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇને મુસાફરોને કરાતી હેરાનગતિ તાકીદે બંધ કરે તેવી લોક માંગ ઉઠી છે.

- text