ઝેર પીવા તૈયાર થઈ જાવ ! વાંકાનેરનું રાણેકપર ગામ બન્યું કોલગેસના કદડાંનું પીઠું

- text


શ્રમિકોના મોતના મોતનું કારણ એવા કોલગેસ વેસ્ટનો ખુલ્લે આમ નિકાલ છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ચૂપ !

સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પાપે મહાનદી ઝેરી બનવા તરફ

વાંકાનેર : ભયંકર પ્રદુષણ ઓકતા મોરબી અને વાંકાનેર પંથકના સિરામિક એકમો દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રીતસર ખરીદી લીધું હોય તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ચેકડેમમાં કોલગેસના અત્યંત જોખમી કોલગેસ કદળાનો ખુલ્લેઆમ નિકાલ કરી કોલગેસના કદળાનું પીઠું બનાવી દેવામાં આવ્યું છે પરિણામે અબોલ જીવ અને અહીં વસવાટ કરતા ખેડૂતો માટે જોખમ ઉભું થયું છે અને એટલું ઓછું હોય તેવામા કોલગેસનો આ ઝેરી કદળો અહીંથી પસાર થતી મહાનદીમાં ભળી રહ્યો હોય આવનાર ભવિષ્યમાં આ ઘાતક કદળો સમગ્ર જિલ્લા માટે ખતરારૂપ બને તેમ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઈવે ઉપર રાણેકપર, ભાયાતિ જાંબુડિયા અને ઢુવાના સીમાડે મહાનદી પાસે આવેલ ચેકડેમમાં સીરામીક ફેક્ટરીઓમાં ચાલતાં ગેરકાયદેસર કોલગેસ આધારિત પ્લાન્ટનો કેમિકલયુક્ત કદળો ઠાલવવામાં આવી રહ્યો છે. આ કેમિકલ યુક્ત કદડો એટલો ભયાનક છે કે ભૂલેચૂકે જો માલઢોર તેમાં મોઢું નાખે તો તેનું મરણ થઈ જાય છે એ ઉપરાંત આ કેમિકલ યુક્ત પાણી જ્યાં પડે ત્યાં આગામી પાંચ વર્ષ સુધી ખળનું તણખલું પણ ઊગતું નથી, એટલા ઝેરીલા કેમિકલયુક્ત કદળાના લીધે આજુબાજુના ખેતરોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો ફરિયાદ કરે છે પણ તેને સાંભળનાર કોઈ નથી.

ચોકવનારી બાબત તો એ છે કે, આ કેમિકલયુક્ત કદળાનો જ્યાં નિકાલ કરવામાં આવે છે ત્યા આવનારા સમયમાં વરસાદ આવે ત્યારે આ કદળો વરસાદી પાણી સાથે ભળી મહાનદીમાં વહેશે અને ત્યાંથી મોરબી મચ્છુ-૨ ડેમમાં આ કેમિકલનો જમાવડો થશે. આ મચ્છુ-૨ ડેમમાંથી મોરબીવાસીઓને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે માટે આ કેમિકલ યુક્ત પાણી મોરબીવાસીઓ ઉપયોગ કરશે ત્યારે ચામડીના રોગો અને આંખની બીમારી ફાટી નીકળશે તેમજ આ કેમિકલ એટલું ભયંકર છે કે લોકોને કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આવા પ્રશ્નોને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતાં કોલગેસ આધારિત પ્લાન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે તેમ છતાં આ ઉદ્યોગકારો હાઇકોર્ટના હુકમનો ઉલ્લંઘન કરી ગેરકાયદેસર આવા પ્લાન્ટ વાપરી રહ્યું હોવાના અહીં સબૂત મળે છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મોરબી શાખા આ બાબતે આંખ આડા કાન કરી રહી હોવાનું પણ ફલિત થઇ રહ્યું છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ મોરબી અને વાંકાનેરના સતનપર રોડ, ઢુવા, માટેલ, રાતાવિરડા, વઘાસીયા તેમજ જેતપરડા સહિતના જુદા – જુદા વિસ્તારમાં ચાલતા સિરામિક યુનિટોમાંથી ટેન્કર ચાલકો દ્વારા રાત્રીના સમયે આવી કેમિકલયુક્ત કદળો અહીં નાખી જાય છે અને જો તેમને ટોકવામાં આવે તો ધાક ધમકી આપે છે આ ટેન્કર ચાલકો ઝનૂની સ્વભાવના હોય સ્થાનિક ખેડૂતોને પારાવાર નુકસાની હોવા છતાં સહન કરવું પડે છે.

- text

ખરેખર તો આ મામલે ઉચ્ચ સ્તરીય પોલીસ ઈન્કવાયરી કરવામાં આવે તો વાંકાનેર અને મોરબી પંથકમાં ચાલતાં ગેરકાયદેસર કોલગેસ આધારિત ફેકટરીઓમાં મોટા પ્રમાણમાં મજુરોના મૃત્યુનું કારણ પણ જાણવા મળશે કારણકે આવા પ્લાન્ટમા કોલગેસની ટાંકી સાફ કરવામાં અવાર-નવાર મજૂરો મૃત્યુ પામે છે પરંતુ સિરામિક ઉદ્યોગકારો રાજકીય વગ ધરાવતાં હોવાથી મૃત્યુનું કારણ કોલગેસના ટાંકીની સફાઇ દરમિયાન થયેલ મૃત્યુને પણ એક્સીડન્ટમાં ખપાવી મામલો રફેદફે કરી નાખે છે.

આ સંજોગોમાં આવનાર દિવસોમાં જો કોલગેસના કદડાંના રાક્ષસને ઉગતો ડામવામાં નહિ આવે અને રાણેકપર જ નહીં બલ્કે સમગ્ર મોરબી પંથકમાં કોલગેસ વેસ્ટનો નિકાલ બંધ નહિ કરવામાં આવે તો મોરબી જિલ્લાના મચ્છુ – ૨ સહિતના તમામ જળાશયોમાં ઝેરી કદડાંની અસરના પાપે લોકોને ઝેરના ઘૂંટડા પીવા પડશે તે નિશ્ચિત વાત છે.

- text