મોરબી પાલિકા પ્રમુખની ખાતરી ગટરમાં ગઈ

- text


 

નગર દરવાજા ચોકમાં ગટરના પાણી મુદ્દે વેપારીઓ અને સામાજિક કાર્યકર્તાની રજુઆત બાદ પણ યથાવત સ્થિતિ

મોરબી : મોરબી શહેરના હાર્દ સમાં નગર દરવાજા ચોકમાં વેપારીઓ અને સામાજિક કાર્યકર્તાની રજૂઆતના ચાર ચાર દિવસ વીતવા છતાં હજુ પણ પરિસ્થિતિ જૈસે થે જેવી રહેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને ગંદકી દૂર થવાની પાલિકા પ્રમુખની ખાતરી ગટરના પાણીમાં વહી ગઈ છે.

છેલ્લા ઘણા સમયથી મોરબી શહેરના નાક સમાન નહેરુગેટ ચોકમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી છલકાઈને બહાર આવતા હોય વેપારીઓને ધંધો કરવો તો ઠીક લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, આ મામલે ચાર દિવસ પૂર્વે સામાજિક કાર્યકર્તા દ્વારા પાલિકા કચેરીમાં ગટરના ગંદા પાણી ઢોળવામાં આવ્યા હતા તો બીજી તરફ વેપારીઓએ પાલિકા પ્રમુખને આ નર્ક માંથી છોડાવવા કાકલૂદી કરી હતી.

દરમિયાન રજૂઆતને ચાર – ચાર દિવસનો સમયગાળો વીતવા છતાં ગટરના પાણી બંધ થવાને બદલે વધુ પ્રમાણમાં રસ્તા ઉપર વહેવા લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

- text

આશ્ચર્ય તો એ વાતનું છે કે, ગટરના પાણી પ્રશ્ને પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ લોકોને ખાતરી આપી હતી કે બે દિવસમાં જ પ્રશ્ન ઉકેલાઈ જશે પરંતુ આજે ચાર – ચાર દિવસ વીતવા છતાં ગટરના પાણીનો પ્રશ્ન યથાવત રહેતા લોકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને પાલિકા તંત્રમાં પાલિકા પ્રમુખનું પણ કઈ ઉપજતું ન હોવાની છાપ ઉપસી રહી છે.

- text