વાંકાનેરમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી સનસાઈન કો.ઓપરેટીવ સોસાયટીનું ઉઠમણું

- text


વાંકાનેર સીટી પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી !! રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહ ખાતાધારકોને ન્યાય અપાવે તેવી ઉમ્મીદ

વાંકાનેર : વાંકાનેરમાં સનસાઈન હાઇટેક મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એગ્રો એન્ડ ડેરી લિમિટેડ દ્વારા વાંકાનેર શહેરમાં બ્રાંચ ખોલી શહેર અને તાલુકામાં એજન્ટો નીમી ગરીબ શ્રમજીવીઓ, ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓ પાસેથી માસિક હપ્તાના નામે ઉઘરાણાં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી પાકતી મુદતે ભરેલ હપ્તા ની મુડી અને વ્યાજ ગરીબ જનતાને ન આપવું પડે તે માટે પેઢીએ હાથ ઊંચા કરી ગ્રાહકોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી વાંકાનેર ખાતે આવેલી બ્રાન્ચને તાળા મારી ગામડાંઓના અને શ્રમજીવી લોકોને ભોળવી રાતા પાણીએ રોવડાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે એથી પણ ચોંકવાનરી બાબત એ છે કે ભરેલ પૈસાની મુદત પૂરી થતાં રકમ પરત મેળવવા જતાં ગ્રાહકોને આ મેનેજર દ્વારા હાથ ઊંચા કરી આ પેઢીની હેડ ઓફિસ વડોદરામાં છે ત્યાં જાવ તેમ કહી હાલ કંપનીએ વાંકાનેર બ્રાન્ચમાં તાળા લટકાવી દીધા છે અને ગરીબ જનતા પોતાના હક્કના પૈસા માટે આમતેમ રઝળી રહી છે છતાં પણ પોલીસ આ મામલે ફરિયાદ ન નોંધતા લોકોએ હવે રાજકોટ રેન્જ આઇજી સમક્ષ ધા નાખવા તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ગરીબ મધ્યમવર્ગીય લોકોના કરોડો રૂપિયા લઈ રફુચક્કર થી ગયેલ કો-ઓપરેટીવ સોસાયટીની કુંડળી જોઈએ તો, વડોદરા ખાતે સયાજીગંજમાં હેડ ઓફિસ ધરાવતી સનસાઈન હાઇટેક મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રો એન્ડ ડેરી સોસાયટી લિમિટેડ દ્વારા વાંકાનેરમાં વાંઢા લીમડા ચોક, પોલીસ સ્ટેશન પાસે પોતાની બ્રાંચ ખોલી વાંકાનેરમાં અલગ-અલગ એજન્ટો રાખી શ્રમજીવીઓ, મહિલાઓ અને ખેડૂતોના મંથલી એકાઉન્ટ ઓપન કરી રોકાણ કરવા પ્રલોભનો આપેલ અને આ સોસાયટી બીજી બેન્ક કરતાં વધુ વ્યાજ આપવાની ખાત્રી આપતી જાહેરાતો કરેલ અને ભોળી જનતાએ બેંકના પ્રલોભનથી લલચાઈ અને ઊંચું વ્યાજ મળવાની આશાએ તેમાં રોકાણ કરેલ અને પાકતી મુદતે ઊંચું વ્યાજ મળવાની આશાએ અન્ય લોકોને પણ રોકાણ કરાવતાં. શરૂઆતના સમયમાં લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા સોસાયટી દ્વારા અમુક લોકોને પાકતી મુદતે પૈસા પાછા આપેલ પરંતુ સમય જતાં આ સોસાયટી દ્વારા હાથ ઊંચા કરી ગ્રાહકોને પાકતી મુદતે પૈસા પાછા ન આપી ઉઠમણાં કરી બ્રાન્ચને તાળાબંધી કરી ભાગી જતાં ગ્રાહકોને રોવાનો વારો આવ્યો છે. અને એક અંદાજ મુજબ વાંકાનેરમાં આ સોસાયટીના ૨૬ એજન્ટો દ્વારા અંદાજે ૫૫૦ જેટલા શ્રમજીવીઓના સોસાયટીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવેલ છે જેમાંથી અમુક ને પૈસા પાછા મળેલ છે બાકી કોઈ ને પાકતી મુદતે થાપણ પાછી આપેલ નથી.

- text

પોતાની મરણમૂડી સોસાયટીમાં જમા કરાવનાર ગ્રાહકોના જણાવ્યા મુજબ અમુક એજન્ટ અને ગ્રાહકોએ વડોદરા હેડ ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી જાણવા મળેલ કે ગ્રાહકો અને એજન્ટોએ જે પૈસા વાંકાનેર બ્રાન્ચમાં જમા કરાવતા હતા તે મેનેજર દ્વારા અમુક રકમ વડોદરા હેડ ઓફિસમાં જમા કરાવી છે બાકીની રકમ હેડ ઓફિસ ખાતે જમા થઈ નથી જેથી એજન્ટોએ તપાસ કરતાં ખબર પડી કે વાંકાનેર બ્રાન્ચ દ્વારા જે પહોંચ આપવામાં આવતી હતી તે મેનેજર દ્વારા ડુપ્લીકેટ પહોંચ બુક બનાવી ગ્રાહકોને આપતો હતો અને એ ખોટી પહોંચના પૈસા હેડ ઓફિસે જમા કરાવવાના બદલે પોતાનાં અંગત ખર્ચમાં વાપરતો હતો. હેડ ઓફિસે પોતાની પાસે જમાં થયેલ પૈસા પરત આપવાની તૈયારી બતાવી પરંતુ મેનેજર દ્વારા ઉચાપત કરેલ પૈસા બાબતે તેમને કંઈ લેવાદેવા નથી તેવું જણાવતાં ગ્રાહકો મુસીબતમાં મુકાઈ ગયેલ. એજન્ટો અને ગ્રાહકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી આ મેનેજરે ઉચાપત કરી ગ્રાહકોની મરણમૂડી પચાવી પાડી તે બાબતે હેડ ઓફિસે કોઈ ધ્યાન ન આપતા ગ્રાહકોને રોવાનો વારો આવ્યો.

પોતાની મહેનતની કમાણી ડૂબતા જોઈ ગ્રાહકોએ આ બાબતની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે કરતાં પોલીસે એજન્ટોના નિવેદન લઇ તપાસ કરવાનું કહેલ પરંતુ એ વાતને ૩ મહિના થવા છતાં પોલીસ ફરિયાદ દાખલ ન થઈ હોય આ ગ્રાહકો મોરબી જિલ્લા પોલીસ વડાની મુલાકાતે ગત તારીખ ૨૪/૯ ના રોજ ગયેલ પરંતુ પોલીસ વડા મીટીંગ સબબ બહારગામ હોય ગ્રાહકો દ્વારા લેખિત અરજી એસપી કચેરીએ આપેલ તેમ છતાં આજદિન સુધી આ બાબતની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવેલ નથી અને તપાસ ચાલુ છે નું રટણ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે નાણાં રોકનાર લોકો વાંકાનેર બ્રાન્ચ મેનેજર ભોરણીયા હુસેન સાજી રહે. રાતીદેવડી પાસે પોતાના પૈસાની ઉઘરાણી માટે ગયા તો જેમ ફાવે તેમ વર્તન કરી કહે છે કે તમારો કેસ કોઈ પોલીસ નહિં લે મારા સંપર્કો ખૂબ ઊંચા છે જે થાય તે કરી લો !! આમ વાંકાનેર પંથકના ખેડૂતો, શ્રમજીવીઓ અને મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઇ કંટાળી ગયેલ અને ન્યાય મળવાની આશા એ આમતેમ ભટકી રહ્યા છે બિચારા ગરીબ માણસોને સાંભળનાર કોઈ નથી ?

આ સંજોગોમાં રોકાણ કરનાર શ્રમિક પરિવારોએ મોરબી અપડેટના માધ્યમથી મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા અને રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહને વિનંતી કરતા જણાવ્યું હતું કે, આપ આ ગરીબ માણસોને સાંભળો અને આપની કક્ષાએથી યોગ્ય હુકમ કરી આ બાબતની ફરિયાદ દાખલ કરી અને બ્રાન્ચ મેનેજર દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી અને ઉચાપતની તેને સજા મળે અને ગરીબ અભણ પ્રજાને તેમના હક્કના પૈસા પાછા અપાવી ન્યાય અપાવો તેવી લાગણી વ્યક્ત કરી હતી.

- text