મોરબી જિલ્લામાં નાની સિંચાઈના કામોમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

- text


ગામે ગામથી અહેવાલ મંગાવ્યા બાદ સાંસદ મોહન કુંડારિયાએ આ મામલે તપાસ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : હળવદ તાલુકાથી શરુ થયેલ જીલ્લા પંચાયત હસ્તકના સિંચાઈ વિભાગના કૌભાંડનું ભૂત હવે સમગ્ર જીલ્લામાં ધુણી રહ્યું છે. લગભગ 20 કરોડના ખર્ચે સમગ્ર મોરબી જીલ્લાના ગામોમાં થયેલ નાની સિંચાઈના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના ગામોમાંથી ઉઠેલા આક્ષેપો બાદ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ગામે ગામના સરપંચો પાસેથી અભિપ્રાય મંગાવ્યા બાદ મુખ્યમંત્રીને તપાસ કરવા રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે. તો કોંગ્રેસ શાસિત મોરબી જીલ્લા પંચાયતના સત્તાધીસો પણ બચાવના મૂડમાં આવી ગયા છે અને કોઈ ને પણ નહિ બક્ષવાના રાગ આલાપી રહ્યા છે.

હળવદ બાદ હવે મોરબીના માળિયા મિયાણા તાલુકામાંથી પણ નાની સિંચાઈના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે માળિયા મિયાણાના નવા સુલ્તાનપુર ગામે તળાવ ઊંડું ઉતારવા માટેની થયેલ કામગીરીમાં 7.23 લાખનો ખર્ચ થયાનું ગ્રામજનોના ધ્યાને આવતા સરપંચ સહીતના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સુલતાનપુર ગામના સરપંચ સહીતના ગ્રામજનોએ તેમના ગામમાં માત્ર 120 કલાક જ જેસીબીએ કામ કર્યું હોવાનું જણાવી માત્ર 84 હજારના કામ થયા હોવાનો દાવો કર્યો છે. સરપંચ દ્વારા આ બાબતે સાંસદ મોહન કુંડારિયાને લેખિત પત્રમાં પોતાના ગામમાં નાની સિંચાઈના કામ 7.23 લાખના નહિ પણ માત્ર 84 હજાર ના જ થયા હોવાનું સ્પષ્ટ કર્યું છે.

મોરબી જીલ્લાના તમામ તાલુકાઓમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાના લગભગ 20 કરોડના કામોને જીલ્લા પંચાયત મોરબી દ્વારા બહાલી આપવામાં આવી હતી અને જુદી જુદી મંડળીઓને આવા કામો આપવામાં આવ્યા હતા. જે પૈકી મોટા ભાગના કામોમાં બીલો પણ ચૂકવાઈ ગયા હતા. જોકે હળવદ તાલુકાના કેટલાક ગામો એ પોતાના ગામમાં કોઈ કામ નહિ થયાની ફરિયાદ કરી હતી. ત્યારે હળવદ તાલુકામાં પાંચ કરોડનું કૌભાંડ હોવાનું માનવામાં આવી રહ્યું હતું પણ ત્યાંર બાદ હવે આ કૌભાંડ સમગ્ર જીલ્લા વ્યાપી હોવાની બુમાંરંગ ઉઠી હતી. આ બાબત સાંસદ મોહનભાઈ કુંડારિયા ના ધ્યાને આવતા તેમણે જીલ્લાના તમામ ગામો જ્યાં આ કામગીરી મંજુર થઇ હતી ત્યાંના સરપંચોને પત્ર લખી તેમના ગામમાં સિંચાઈના કામમાં થયેલ ખર્ચ અંગેની રકમ લખી ખર્ચ થયો છે કે કેમ એ બાબતની વિગતો માંગી હતી. જેમાં મોટા ભાગના સરપંચોએ કામ નહિ થયાના અને મોટા ભ્રષ્ટાચારના અહેવાલ રજુ કર્યા હતા અને બાદમાં સાંસદ મુખ્યમંત્રીને મળ્યા અને આ કૌભાડની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી, તો કોંગ્રેસ શાસિત મોરબી જીલ્લા પંચાયતમાં સિંચાઈના કામોમાં 20 કરોડનો ભ્રષ્ટાચાર કોંગ્રેસની મીઠી નજરથી કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા મોરબી જીલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

- text

મોરબી જીલ્લા પંચાયતમાં હાલમાં કોંગ્રેસનું શાસન છે અને તેમના કાર્યકાળમાં જ ભ્રષ્ટાચારનું ભૂત ધૂણતા હવે કોંગી આગેવાનો બચાવની મુદ્રામાં આવી ગયા છે અને જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા તો આ બાબતમાં જે પણ પદાધિકારી કે અધિકારી સામેલ હોય કોઈ ને પણ નહિ છોડવાનો રાગ આલાપી લીધો છે.

વાંકાનેર તાલુકાના દલડી ગામે સિંચાઇ વિભાગ દ્વારા બે તળાવોના કામ કરેલ છે જેમાં હાઈવે પર આવેલ તળાવમાં 9. 33 લાખ અને રોજ તળાવમાં 9.3 લાખનું ચૂકવણું કરવામાં આવેલ છે પરંતુ આ બંને તળાવમાં એક કલાક પણ કામ થયેલ નથી. આમ કામ કર્યા વગર અંદાજિત 18.50 લાખ રૂપિયા ની લાણી કરવામાં આવેલ છે અને ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. નવા સુલતાનપુર ગામે તળાવ ઊંડું કરવાની કામગીરીનો ખર્ચ 7.23 લાખ દર્શાવવામાં આવ્યો છેત્યારે તળાવની સ્થતિ જોતા અહી નામ માત્રનું જ કામ થયું હોવાનું પ્રથમ નજરે જ દેખાઈ આવ્યું હતું અને ગ્રામજનોઅને સરપંચ એ ખુદ એ માત્ર 120 કલાક જ જેસીબી દ્વારા કામગીરી થયા નો દાવો કરતા ભ્રષ્ટાચારનો આ મુદ્દો હવે જીલ્લા વ્યાપી બન્યો છે.

જનતાના હિત માટે વાપરવાના હતા એવા કરોડો રૂપિયા બાબુઓ સાથેની સાંઠગાંઠથી કેટલાક લેભાગુ કોન્ટ્રાકટરોના ખિસ્સામાં પહોચી ગયા હોવાનું લગભગ સ્પષ્ટ થઇ ગયું છે. જોકે સૌથી મોટા સવાલ એ છે કે કામ થયા જ નથી તો આટલા બધા બીલો ચૂકવાયા કઈ રીતે ? અધિકારીએ બીલ ચુકવતા પહેલા જગ્યાઓ ની સ્થળ તપાસ કરવાની તસ્દી કેમ ના લીધી? જોકે આ બાબતમાં સાંસદએ વ્યક્તિગત રસ લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરતા હવે કદાચ જો આ કૌંભાડની તપાસ થાય તો કેટલાય ના તપેલા ચડી જાય એમ છે.

 

- text