મોરબીમાં મકાન પાકા બનવવા સાડા ત્રણ લાખની સહાય લેવામાં લોકો ઉદાસીન

- text


નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લોકોને મકાન સહાય લેવા અનુરોધ

મોરબી : કેન્દ્ર રાજ્ય સરકારની સરળ યોજના અન્વયે નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ – મધ્યમવર્ગના લોકો માટે ૩.૫૦ લાખની સહાય આપવામાં આવતી હોવા છતાં જનજાગૃતિના અભાવે લોકો આ સહાય લેવા આગળ ન આવતા હોય નગરપાલિકા દ્વારા લોકોને શોધી – શોધી મકાન સહાય આપવામાં આવી રહી છે, જો આપના કોઈ જાણીતા લાભાર્થી હોય તો તેમને આ સરકારની સહાય મેળવવાનું સૂચન કરી પાકા મકાન બનાવવા આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવી શકો છો.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના જણાવ્યા મુજબ કેન્દ્ર – રાજ્ય સરકારની યોજના અંતર્ગત મોરબી શહેરમાં વસવાટ કરતા હોય અને ભારતભરમાં ક્યાંય પણ મકાન ધરાવતા ન હોય તેવા ગરીબ – મધ્યમવર્ગના લોકો માટે ખુલ્લો પ્લોટ હોય કે જુના નળિયાં પતરા વાળા મકાન હોય તેવા અસામીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની બેનીફિશિયરી લેડ કન્ટ્રક્શન એટલે કે બીએલસી યોજના હેઠળ જુદા- જુદા છ તબક્કામાં કેન્દ્ર સરકારના દોઢ લાખ અને રાજ્ય સરકારના બે લાખ મળી કુલ ૩.૫૦ લાખ સહાય આપવામાં આવી રહી છે.

- text

જો કે તેમણે ઉમેર્યું હતું કે મોરબી શહેરમાં વસવાટ કરતા અનેક પરિવારો આ સહાય યોજનાનો લાભ મેળવી કાચા કે નળિયાં વાળા પોતાના જુના મકાન નવા બનાવી શકે તેમ છે , છતાં કોઈ આસામી આગળ નથી આવતા, જો કે હાલમાં પાલિકા દ્વારા લાયન્સ નગર સહિતના પછાત વિસ્તારમાં જઇ લોકોને આ સહાય યોજનાની જાણકારી આપી લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે અને મોરબીમાં વધુને વધુ લોકો આ યોજનાનો લાભ મેળવે તેવો પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત સરકારની ક્રેડિટ લિંક સબસીડી યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ, એમઆઇજી, એલઆઈજી સહિતની વિવિધ યોજનમાં મકાન ખરીદવા માટે લાભાર્થીઓને કે જેમની આવક વાર્ષિક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોય તેમને ૬.૫ ટકા વ્યાજદરે ૬ લાખથી ૨૨.૫૦ લાખ સુધીની લોનમાં આ યોજના અન્વયે ૨.૬૭ લાખ સુધીની વ્યાજ સબસીડી પણ મળે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપરોક્ત બંને યોજનાનો લાભ મેળવવા અને વધુ વિગતો માટે મોરબી નગરપાલિકાનો સંપર્ક સાધવા મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાની યાદીમાં જણાવાયુ છે.

- text