માળીયા મિયાણા તાલુકાની ૫૦૦૦ વિઘા જમીનને સિંચાઈ સુવિધા આપો : આવેદન

- text


વીર વિદરકા, કાજરડા, હરિપર, ફતેપર સહિતના ગામોને પાક વીમો ન મળતા ખેડૂતોમાં પ્રચંડ રોષ

મોરબી : માળીયા મિયાણા તાલુકાના હરિપર, કાજરડા, વીર વિદરકા, ફતેપર સહિતના તાલુકાના મોટાભાગના ખેડૂતોને પાકવિમો ન ચૂકવાતા આજે ખેડુતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પાકવિમાના પ્રશ્નો સત્વરે ઉકેલ લાવી ૫૦૦૦ વિઘા જમીનને સિંચાઇની સુવિધા આપવાની સાથે સાથે પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માંગ ઉઠાવી હતી.

પાકવિમો અને સિંચાઈ મુદ્દે આજે માળિયા મિયાણા તાલુકાના ખેડૂતોએ કલેકટર કચેરીમાં હલ્લાબોલ કરી માળીયા મિયાણા પંથકના ૪૦ થી વધુ ગામોને સરકારે સિંચાઈ સુવિધાથી વંચિત રાખી પાકવિમામા પણ અન્યાય કર્યો હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માળીયા મિયાણા પંથકના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સિંચાઈ સુવિધા મામલે સરકારને અનેક રજૂઆતો કરી ચુક્યા છે આમ છતાં સરકાર દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં ન આવતા અંતે આજે માળીયા પંથકના ખેડૂતો દ્વારા રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વધુ એક વખત પોતાની માંગ દોહરાવવાની સાથે વરસાદ ખેંચતા સિંચાઈ તો ઠીક પીવાના પાણીની સમસ્યા પણ મો ફાડી રહી હોવાનું રોષ ભેર જણાવ્યું હતું.

- text

વધુમાં માળીયા મિયાણા પંથકના કાજરડા, હરિપર, ફતેપર, વીર વિદરકા સહિતના તાલુકાના મોટાભાગના ગામોના ખેડૂતોને પાક વિમામાં પણ હળહળતો અન્યાય સહન કરવાનો વારો આવ્યો હોય ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સરકાર ની નીતિ રીતિ સામે રોષ વ્યકત કરી જિલ્લા કલેકટરને રજુઆત કરી તાત્કાલિક અસરથી પાક વિમાની રકમ ચૂકવવા માંગ ઉઠાવી હતી.

રજૂઆતના અંતમાં ખેડૂતોએ ગંભીર રજુઆત કરતા જણાવ્યું હતું કે સિંચાઈની સુવિધાના અભાવે દરિયાની ખારાશ આગળ વધી રહી છે જો સરકાર તાકીદે નર્મદા યોજનમાંથી સિંચાઈ સુવિધા નહિ આપે તો ખેતી પ્રધાન દેશના ખેડૂતોને પાયમાલ થવા સિવાય કોઈ રસ્તો બચશે નહિ.

- text