મોરબી : ઓવેરલોડ ટ્રેન ઢાળ ચડી ના શકતા અડધી કલાક એક સાથે ત્રણ ફાટકો બંધ રહેતા ટ્રાફિકજામ

- text


નટરાજ ફાટક, પશુરામ અને નજરબાગ એમ ત્રણ ફાટકો ઓવરલોડ ટ્રેનના કારણે બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી

મોરબી : મોરબીની નટરાજ ફાટક 10 મિનિટ બંધ રહે ત્યાં સામાન્ય દિવસોમાં પણ વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. અને કલાકો સુધી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે સવારે મોરબીની નટરાજ ફાટક પાસે ઓવરલોડ ટ્રેન ઢાળ ચડી ના શકતા અડધી કલાક સુધી નટરાજ ફાટક સહીત શહેરમાં આવેલો ત્રણ ત્રણ રેલવે ફાટકો એક સાથે બંધ રહેતા ઠેર ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.મળતી વિગતો મુજબ ગત રાત્રીના નટરાજ ફાટક ખોટવાયા બાદ આજે સવારે પણ એક ઓવેર લોડ ટ્રેનના કારણે મોરબીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઓવરલોડ માલ વાહક ટ્રેનને નટરાજ ફાટકથી આગળ ઢાળ ચડવામાં મુશ્કેલી થતા આ ત્રણ બે થી ત્રણ વાર પાછી પડી હતી. મોરબી શહેરની વચ્ચે આ ટ્રેન વારંવાર પાછી પડતા મોરબીની સતત ટ્રાફિકથી ધમધમતી નટરાજ ફાટક સહીત કુલ ત્રણ ફાટકો અડધો કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. જેમાં નટરાજ ફાટક, પશુરામ પોસ્ટ ઓફિસ પાસેની અને નજરબાગ એમ ત્રણ ફાટકો ઓવરલોડ ટ્રેનના કારણે બંધ રહેતા ત્રણ્ય ફાટકો પર બંને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા હતા. અને ટ્રાફિકજામની સ્થતિ સર્જાઈ હતી. જેના કારણે સવારે કામધંધે જતા લોકો અને સ્કૂલ વાહનો ટ્રાફિકજામમાં ફસાતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.

- text