મોરબી પાલિકા દ્વારા ગેરકાયદે દબાણનો સર્વે કરી દૂર કરવાની જાહેરાત ! અમલ થશે ?

- text


ચીફ ઓફિસર દ્વારા ૭ કર્મચારીઓની એક ટીમ બનાવાઈ : સર્વે બાદ ડીમોલેશન કરવાનો ચીફઓફીસરનો દાવો !

મોરબી : મોરબી પાલિકા આગામી તા. ૨૪ને શુક્રવારથી અનેક વિસ્તારોમાં જમીન દબાણ અંગેનો સર્વે હાથ ધરશે. જેના માટે ચીફ ઓફિસર દ્વારા ૭ કર્મચારીઓની ટીમની નિમણૂક પણ કરી છે. આ ટીમ સ્થળ તપાસ કરીને ચીફ ઓફિસર સમક્ષ ૮ દિવસમાં પુરાવાઓ રજૂ કરશે.

મોરબી નગરપાલિકા દ્વારા આગામી તા. ૨૪ને શુક્રવારથી મકાનો અને દુકાનોના રેગ્યુલરાઈઝ અંગેના આધાર પુરાવાઓની ચકાસણી કરશે. જે આસામીઓએ બિનકાયદેસર દબાણ કરેલ હોય તેની સંપૂર્ણ વિગત રજીસ્ટરમાં નોંધશે. બાદમાં આ કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરી ચીફ ઓફિસરને રિપોર્ટ કરશે.

આ અંગે ચીફ ઓફિસર દ્વારા જણવ્યું હતું કે મોરબી નગર પાલિકાના વિસ્તારોમાં વિસ્તાર વાઈઝ ટિમો બનાવીને ગેરકાયદે દબાણ અંગે સર્વે હાથ ધરાશે। અને બાદમાં આ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ કરાશે. આ કામગીરીનો તબક્કા વાર આરંભ થશે હાલ પ્રથમ તબક્કામાં સર્વે કામગીરી માટે નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ સોનાગ્રા, દિલીપભાઇ રવેશિયા, અશોકભાઈ કોઠારી, રમુભા ઝાલા, આનંદ દવે અને મંગળસિંહ ઝાલાની ટિમ બનાવના આવી છે. આ ટીમ શહેરના વીસીપરા, પટેલ કોલોની, રોહિદાસપરા, સીડફાર્મ, આંબેડકર સોસાયટી, પ્રજાપત ટાઇલ્સ વિસ્તાર, મફતિયાપરા, સ્લમ કવાટર્સ, ભીમરાવનગર, ગુજરાત ટાઇલ્સ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગુલાબનગરમાં સર્વે હાથ ધરશે. જે કામગીરી 8 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. બાદમાં સ્ટેપ બાય સ્ટેપ અન્ય વિસ્તારોમાં સર્વે હાથ ધરાશે અને ત્યારબાદ ડિમોલેશન કરવામાં આવશે.

- text

જોકે અત્રે ઉલ્લેખનીય છેકે મોરબીમાં અનેક વિસ્તારોમાં જમીનો પર ગેરકાયદે દબાણો ખડકાઈ ગયેલા છે. અને નગર પાલિકા દ્વારા આ દબાણોના સર્વે અને તેને દૂર કરવા માટે કાર્યવાહી કરવાની અનેક વખત જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મોરબી પાલિકા દ્વારા આ બાબતે જાહેરાત બાદ સર્વેથી આગળ કામગીરી કયારેય ચાલી જ નથી. ત્યારે મોરબી પાલિકા દ્વારા ફરીથી ગેરકાયદે દબાણો સાથે કાર્યવાહીનો દાવો કર્યો છે. ત્યારે સો મણ નો સવાલ ઉભો થાય છે કે તેનો અમલ થશે કે કેમ ???

 

- text