મોરબીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ સામે સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુ. એસો.નો વિરોધ

- text


ચીફ ઓફિસરના ૫૦ માઇક્રોન તેમજ તેની ઉપરના તમામ પ્લાસ્ટિક પર તા.૧૫ ઓગસ્ટથી પ્રતિબંધ મુકવા નિર્ણયથી પ્લાસ્ટિક ઉત્પાદકોમાં ફફડાટ 

મોરબી : મોરબી પાલીકાના ચીફ ઓફિસર દ્વારા ૫૦ માઇક્રોન તેમજ તેની ઉપરના તમામ પ્લાસ્ટિક પર તા.૧૫ ઓગસ્ટથી પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ બાબતે કડક કાર્યવાહીના નિર્દેશ આપતા પર્યાવરણ પેમીઓએ ખુશી વ્યક્ત કરી આ નિર્ણયને હર્ષભેર આવકાર્યો છે. પરંતુ પ્લાસ્ટિક બનાવનારા અને વેચનારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેથી આ મુદ્દે વિરોધ નોંધાવી સૌરાષ્ટ્ર પ્લાસ્ટીલ મેન્યુકેચર્સ એસોસિએશને સરકારમાં રજુઆત કરી હતી. જેમાં પ્લાસ્ટીક પ્રતિબંધના નિયમની રાજ્યકક્ષાએથી એક પોલિસી બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે.

- text

મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવા ઝુંબેશ હાથ ધરી હોય તે રીતે પ્રથમ પાલિકા વિસ્તરામાં પાણીના પાઉચ અને 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યા બાદ તાજેતરમાં જાહેર નોટિસ બહાર પાડી ૫૦ માઇક્રોન ઉપરના અને બ્રાન્ડેડ કંપનીની વેફર્સ સહિતમાં વપરાતા તમામ પ્લાસ્ટિક પર પણ ૧૫ ઓગસ્ટથી પ્રતિબંધ લગાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. પરંતુ આ નિર્ણયથી પ્લાસ્ટિક ઉત્પાદકોના પેટમાં તેલ રેડાતા તેઓ આ મુદ્દે સરકાર પાસે દોડી જઈ મોરબી પાલિકાના ચીફ ઓફિસરના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે.જેમાં સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુકેચર્સ એસોસિએશનના સેક્રેટરી વી.ડી. પટેલે રાજકોટ જિલ્લા પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆતમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ૨૦૧૬ અંતર્ગત કાયદા મુજબ એસો. અમલ કરવા તૈયાર છે. તે મુજબ ૫૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે. પરંતુ જુદા જુદા શહેરોમાં જુદી જુદી વ્યાખ્યાઓ કરી આ કાયદાની વિરુદ્ધ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જાહેર નોટિસ બહાર પાડી ૫૦ માઇક્રોન ઉપર પણ ૧૫ ઓગસ્ટથી પ્રતિબંધ લગાવવાનું જણાવેલ છે. પ્લાસ્ટિક ઉદ્યોગના મશીન બનાવનાર, પ્લાસ્ટિક ઉદ્યોગો તેમજ વેપારીઓ બેન્કમાંથી કરોડો રૂપિયાની લોન લઈને ધંધો કરતા હોય ચેમ ત્યારે આ નિર્ણયથી મોટું નુકસાન થાય તેમ છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ લાખો વેપારીઓ અને લાખો શર્મિકોની રોજગારીનો વિચાર કર્યા વગરનો નિયમ વિરુદ્ધનો અમલ થવા જઈ રહ્યો છે. જેનાથી ગેરરીતિઓ પણ વધશે. પ્લાસ્ટિક પરના પ્રતિબંધના નિયમ અંગે રાજ્યકક્ષાએથી એક પોલિસી બનાવવામાં આવે એવી માંગ છે.

ત્યારે મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાની મોરબી પાલિકાના ચીફ ઓફિસરની આ ઐતિહાસિક ઝુંબેશના વિરોધમાં પ્લાસ્ટિક મેન્યુકેચર્સ સફળ થાય છે કે પછી પર્યાવરણ સંસ્થાઓ મોરબીને પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશના ટેકામાં બહાર આવે છે તે જોવાનું રહ્યું.

- text