અજાણ્યા વ્યક્તિને મોબાઈલ નંબર ન આપતા.. મોરબીમાં મહિલાઓ માટે ચેતવા જેવો કિસ્સો

- text


સુપર માર્કેટમાં મોબાઈલ ફોન ભૂલી ગયેલ મહિલાનો નંબર દુકાનદારે તેના મિત્રને આપ્યો અને થઈ જોયા જેવી : એક ટપોરી ઝડપાયો, બે ની શોધખોળ

મોરબી : આજકાલ કોઈ પણ મહિલા સહજ ભાવે પોતાનો મોબાઈલ નંબર કોઈ પણ વ્યક્તિને આપી દે છે અને પછી અનેક સમસ્યાઓ સર્જાઈ છે ! આવો જ એક ચોંકાવનારો અને ચેતવા જેવો કિસ્સો બે દિવસ પૂર્વે મોરબીમાં સામે આવ્યો છે જેમાં સિફત પૂર્વક મહિલાનો નંબર મેળવી પોતાના અન્ય મિત્રને આ નંબર આપી મહિલાની પજવણી કરાતા પોલીસે કેતન વામજા નામના ટપોરીને ઝડપી લઈ બરાબરનો ઠમઠોર્યો છે અને હજુ પણ બે શખ્સોની શોધખોળ ચાલુ છે.

મોરબી એ ડિવિઝન પોલીસની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ બે દિવસ પૂર્વે એક મહિલા જિલ્લા પોલીસવડાને મળી પોતાની આપવીતી વર્ણવતા જિલ્લા પોલીસવડાએ આ કેસની તપાસ એ ડિવિઝન પોલીસને સોંપી હતી અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી લંપટ કેતન વામજા, રે લજાઈ નામના શખ્સની ધરપકડ કરી હતી.

આ ચોંકાવનારા કિસ્સાની વિગત જોઈએ તો થોડા સમયપૂર્વે એક મહિલા મોરબીની સુપરમાર્કેટમાં ખરીદી માટે ગઈ હતી જ્યાં મોબાઈલ ભૂલી જતા દુકાનદારે આ મહિલાનો નંબર મેળવી લઈ પોતાના અન્ય મિત્રોને આપ્યો હતો અને પછી એ વ્યક્તિએ પણ અન્ય લોકોને નમ્બર આપતા એક શખ્સે સંપર્ક કેળવી આ મહિલા સાથે સેલ્ફી લઈ બાદમાં પરાણે લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું.

- text

બાદમાં આ શખ્સની હરકતોથી વાજ આવી મહિલાએ પોલીસનું શરણું લેતા એ ડિવિઝન પોલીસે કેતન વામજા રહે.લજાઈ વાળાને તાકીદે દબોચી લીધો હતો અને ભવિષ્યમાં મહિલા સાથે વાત પણ ન કરે તેવો પદાર્થપાઠ ભણાવ્યો છે.

જો કે આ ચકચારી કિસ્સામાં હજુ બે શખસો પકડવાના બાકી છે અને પોલીસે બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું છે.
અંતમાં એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ જણાવ્યું છે કે, મહિલાની વિનંતીને પગલે પોલીસે ઓળખ જાહેર કરી નથી, પરંતુ આ કિસ્સામાંથી અન્ય મહિલાઓએ બોધપાઠ લઈ કોઈ પણ વ્યક્તિ ને પોતાનો નંબર ન આપવા અનુરોધ કરી જરૂરી હોય તેવા કિસ્સામાં પતિ, પિતા, કે વાલીના નંબર આપી આવી પરેશાની થી દૂર રહેવા સૂચન કર્યું છે.

- text