હળવદ યાર્ડની ચૂંટણીમાં મોરબી જિલ્લા રજિસ્ટ્રારનું મનસ્વી વલણથી પત્રકારોમાં રોષ

- text


હળવદ માર્કેટિંગ યાર્ડની મતગણતરીમાં ભાજપના કાર્યકરોને પ્રવેશવા લાલ જાજમ : પત્રકારોને મનાઈ !

હળવદ : હંમેશા વિવાદમાં રહેવા ટેવાયેલા મોરબી જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણીએ આજે હળવદ યાર્ડની ચૂંટણીમાં મતગણતરીમાં પત્રકારોને પ્રવેશબંધી ફરમાવી ભાજપના કાર્યકરો માટે લાલજાજમ બિછાવતા પત્રકારોએ રિપોર્ટિંગનો બહિષ્કાર કરી આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જિલ્લા કલેકટર મોરબીને આવેદનપત્ર પાઠવી આક્રમક રજુઆત કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા સંગીતાબેન રૈયાણીએ આજે ઘરનો ફતવો બહાર પાડી હળવદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પરિણામોનું રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારો સાથે બેહૂદુ વર્તન કરી ફોટોગ્રાફ્સ લેવાની અને રિપોર્ટિંગ કરવા માટે મતગણતરી સ્થળમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેતા પત્રકારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કલેકટર જેવો રુઆબ કરનાર જિલ્લા રજિસ્ટ્રાર વિરુદ્ધ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અધિકારીની શાન ઠેકાણે લાવવા માંગ ઉઠાવી હતી.

- text

આશ્ચર્ય તો એ વાતનું છે કે આજે હળવદ માર્કેટિંગ યાર્ડની મતગણતરી સમયે પત્રકારોનું અપમાન કરી મતગણતરી સ્થળે પ્રવેશવા દેવાની ના પાડનાર જિલ્લા રજિસ્ટ્રારે ભાજપના કાર્યકરો માટે લાલજાજમ બિછાવી હતી જેથી ભાજપના કાર્યકરો મન પડે ત્યારે આવનજાવન કરતા હતા.

જિલ્લા રજિસ્ટ્રારના હોદાના રુઆબ માં રાચતા મહિલા અધિકારીએ એ જાણી લેવુ જોઈએ કે પત્રકારો ચોથી જાગીર છે અને કેન્દ્ર – રાજ્યનું ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભા ચૂંટણી સમયે પણ પત્રકારો માટે રિપોર્ટિંગની વિશેષ સવલતો આપે છે તો આપ ચૂંટણી પંચ, દેશના કાયદાથી પર નથી.

ઉલ્લેખનીય છે કે પોતાને કાયદાના તજજ્ઞ ગણાવતા આ મહિલા અધિકારી સરકારના નિયમોનો છડેચોક ઉલળીયો કરી હાલમાં પોતાનું હેડકવાટર્સ મોરબી હોવા છતાં દરરોજ હેડક્વાટર્સ છોડી રાજકોટથી અપડાઉન કરી રહ્યા છે, ત્યારે જો પત્રકારોને કાયદા શીખવવાની કોશિશ કરાશે તો કાચના ઘરમાં રહેનાર અધિકારીઓને પણ નિયમમાં રહેવું પડશે.

- text