ફિલ્મ રિવ્યુ : રેસ-3 (હિન્દી) : ધ ફ્લોપબસ્ટર રેસ : ઈદના દિવસેય ઘોડું ન દોડે?!

- text


ઈદ અને સલમાનખાનની મુવી, આ કોમ્બિનેશન મહદંશે સફળ રહ્યું છે. આ પરંપરા મુજબ ભાઈના ફેનલોગે ઓપનીંગ પણ 2018નું ‘એવર હાઈએસ્ટ ઓન ફર્સ્ટ ડે’ (લગભગ ₹29 કરોડ) આપ્યું. પણ… પણ… પણ… અત્યારસુધીની સલમાન ખાનની ઈદફિલ્મોમાં સૌથી વાહિયાત બકવાસ ફિલ્મ છે રેસ-3. ફિલ્મ એ રેસ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આમ તો, સિરીઝ સિક્વલ ફિલ્મોમાં અગાઉની ફિલ્મની સ્ટોરી સાથે કૈંક સીધો કે આડકતરો સંબંધ હોય, પણ આ રેસ-3 ને અગાઉની ફિલ્મો સાથે કોઈ જ સંબંધ નથી. હા, રેસ સિરીઝની એક લાક્ષણિકતા અહીં છે, ટ્વિસ્ટ!

રેસ 1 અને 2માં પણ રહેલા અનિલ કપૂરનું નામ ટાઇટલ ક્રેડિટ્સમાં સલમાન ખાનની પહેલાં આવે છે. સમશેર સિંઘ(અનિલ કપૂર) એક હથિયારનું કારખાનું ધરાવે છે. હથિયારનો કાયદેસર અને ગેરકાયદેસર વ્યાપાર કરે છે. તેના ટ્વીન્સ સંતાન છે, સુરજ (શાકીબ સલીમ) અને સંજના (ડેઇઝી શાહ). બંનેને તેના પિતાથી ફરિયાદ છે, કે કઝીન બ્રધર સિકંદર સિંઘ (સલમાન ખાન)ને કારણે પિતા તેઓને અંડર એસ્ટીમેટ કરે છે. આ પારિવારિક સંઘર્ષ છે, પણ પડદા પાછળ પ્રોપર્ટી માટેની આખી રેસ ચાલે છે. (જોકે, ફિલ્મ બનાવનારે એ એંગલથી બનાવી હશે કે કેમ એ શંકા છે!) સલમાનભાઈનો એક એમ્પ્લોયી, અઝીઝ દોસ્ત અને પાર્ટનર છે યશ(બોબી દેઓલ) ! યશ અને સિકંદર બંનેની કોમન ગર્લ ફ્રેન્ડ છે, જેસિકા(જેકલિન ફર્નાન્ડિઝ), જે ફિલ્મમાં ખરેખર ક્યા રોલમાં છે, એ ફિલ્મમાં બહુ મોડી ખબર પડે છે. આ બધા પાત્રો ક્યારેક એક પક્ષે, તો ક્યારેક બીજા પક્ષે હોય છે, ફિલ્મ ટ્વિસ્ટ આવતાં જ રહે છે…. લગભગ એકાદ ડઝન ટ્વિસ્ટ આવે છે. ફિલ્મમાં છેલ્લે ટ્રોલિંગથી બચવા ઘણા કન્ફ્યુઝન ક્લિયર પણ કર્યા છે. (જોકે, ત્યાં સુધીમાં ભેજાફ્રાય થઈ જાય છે!) આ ‘ફિલ્લમ’માં માત્ર આ જ સ્ટોરી નથી, નેતાઓને બ્લેકમેલ કરવા માટે એક ડિલ પણ થાય છે, ‘કુછ દિન તો ગુજારો કંબોડીયામેં’ જેવું પ્રમોશન પણ છે. સિકંદર (સલમાન) પોતાના પરિવારને ન તૂટવા દેવા માટે કટિબદ્ધ છે અને ફિલ્મમાં અસલી વિલનને તે છેલ્લે મ્હાત આપીને માફી પણ આપે છે! (પૂછતાં નહીં કે, આમાં સ્ટોરી ક્યાં છે?) આમ, પ્લોટ, સબપ્લોટ અને એક્સ્ટ્રા પ્લોટ વચ્ચે પણ રેસ જામે છે! (ખીખીખીખી..ખી)

આ સ્ટારકાસ્ટ પરફેક્ટ મિસફિટ કહી શકાય. સૂરજ અને સંજના બંને તો ક્યારેક ઇરિટેટિંગ પણ લાગે. યશના રોલમાં રહેલ બોબી દેઓલને ડાન્સ કરતો જોવો, સહનશક્તિવાળા વ્યક્તિઓનું કામ છે. જો કે, ફિલ્મમાં તે ‘બોડી’ દેઓલ લાગવાનો પ્રત્યન કરે છે. (સિક્વલમાં એ જરૂર હશે, જોજો)
ફિલ્મમાં બતાવાયેલ વિલન રાના (ફ્રેડી દારૂવાલા) સ્ક્રિન પર આવે છે, એનાથી વધુ વાર તો એનું નામ અને ચર્ચા વધારે આવે છે. જેકલીને ફિલ્મમાં અનેક વેરાઈટી સીન્સ કર્યા છે.
તે જાસૂસ છે, ચોર છે, દગાખોર પ્રેમિકા છે, ટેક્નોક્રેટ છે, બુદ્ધિજીવી છે, ઓફિસર છે. બરફમાં સિફોનની લાલ સાડી પહેરીને ગીતો પણ ગાય છે. અમુક સીનમાં સુંદર લાગે છે, અને અમૂકમાં હાસ્યાસ્પદ… સૌથી સારું કામ કર્યું છે, અનિલ કપૂરે…. સમશેર સિંઘના રોલમાં અનિલ કપૂરે એવો અભિનય કર્યો છે, કે જાણે અભિનય કરતો જ ન હોય એવું લાગે! (FYI – આ વખાણ કર્યા છે, હો!) ફિલ્મમાં તેનો રિઅલ પુત્ર (કોણ? એ થોડું કહેવાય!) અને સિકંદરની ઉંમર સરખી છે, જે લોજીકલી શક્ય નથી. આમેય લોજીકલી તો આ ફિલ્મ નહીં, ફિલ્લમ જ છે.

- text

‘સલમાનભાઈ’નું મુવી હોય એટલે એન્ટ્રી તો જબરદસ્ત જ હોય, સલ્લુભાઈ આ મુવીમાં પણ ટોપલેસ થયાં છે. SWAGથી ડાયલોગ્સ બોલે છે. ‘પ્રેમ રતન ધન પાયો’માં હતાં તેવા સોબર પણ છે…. ને ‘હમ સાથ સાથ હૈ’જેવા પારિવારીક પણ છે. ફ્લેશબેકમાં દાઢીમૂછ વાળા લુકમાં ખૂબ ફની લાગે છે. ફિલ્મમાં એમના બોડી ડબલનો ઉપયોગ પણ ખૂબ થયો હોય એવું દેખાઈ આવે છે. એક્શન સીન્સમાં ખાનભાઈને જોવા ગમે છે પણ જે પ્રકારનો હી-મેનનો રોલ છે, એમાં એમને જેવા દેખાડવા છે એવા દેખાયાં નથી. ફિલ્મમાં ‘ભાઈ’ સિવાય કોઈને લીડ ફોક્સ છે જ નહીં એમ કહીએ તોય ચાલે….

ફિલ્મમાં ગીતકારો અને સંગીતકારોની પણ ‘રેસ’ છે, આઠ ગીતકાર અને દસ સંગીતકારોએ ભેગા થઈને એકપણ ગીત સારું બનાવ્યું નથી. ફિલ્મમાં બે ગીતો, સલમાનભાઈ એ લખેલાં છે.જે ચેતવણી આપવામાં આવે છે.) ફિલ્મ થોડી પકડ જમાવે કે, તરત જ એક ગીત આવીને પાણી ફેરવી નાખે! સલીમ સુલેમાનનું બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડી રાહત આપે છે. જેકલીનના ‘રાંઝા યે તબાહ હો ગયા’ના પોલડાન્સને બાદ કરતાં એક પણ ગીતમાં કોઈ જ પ્રકારની કોરિયોગ્રાફી સુટ થતી નથી. મૂળે કોરિયોગ્રાફર રેમો ડી’સોઝા આ ફિલ્મના ડાયરેક્ટર છે. બે માંથી એકેયને તેઓ ન્યાય આપી શક્યા નથી. (ઈનફેક્ટ સ્ટોરીમાં આવતાં ટ્વિસ્ટ જ ફિલ્મને ડાન્સ કરાવે છે….. રેમો ઇફેક્ટ, યુ નો!) ફિલ્મમાં એક સીનમાં કેમેરા દ્વારા ટાઇમફ્રીઝ ઇફેક્ટનો ખુબ સરસ ઉપયોગ બતાવવામાં આવ્યો છે. બધા સ્ટેચ્યુ થઈ જાય અને કેમેરા બધાની વચ્ચેથી ફરી તમામ કેરેક્ટરનો લૂક બતાવે તે, અહીં સરસ રીતે જોવા મળ્યું છે. શરૂઆતમાં આવતાં વોઇસ ઓવરથી ફિલ્મના દરેક કેરેક્ટરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે, જેમાં દરેકની સારી-ખરાબ બાબતો, તાકાત અને કમજોરી વર્ણવી છે. (જોજો, ફરી વખાણ કર્યા છે!)

ફિલ્મમાં ભરપૂર એક્શન સિક્વન્સ છે. જોકે, એક્શન ક્રુમાં હોલીવુડના ટોમ સ્ટુઅર્ટ છે, પણ કાચમાં ભટકવાથી હાથમાં લોહી પણ ન નીકળે એ જરા વધુ પડતું લાગે. લક્સરીઅસ કાર્સ, બાઈકસ અને વોરવેપન્સનો ભરપૂર ઉપયોગ થયો છે. ફિલ્મનું નામ રેસ છે, એટલા માટે ગાડીઓ તો ફિલ્મમાં જોઈએ જ, એવું લોજીક હશે કદાચ! (જેટલી કારનો બુકડો બોલાવ્યો છે, એટલામાં તો ભૂખમરાથી પીડાતાં કોઈ દેશને લોન આપી શકાય!) ઘણી એક્શનસ તો રિએક્શન આવી જાય એવી છે. જેમ કે, ચારે બાજુ વાહનથી ઘેરાઈ જાવ એટલે, વિંગશુટ ખોલીને હવામાં ઉડવા માંડો! ડેઇઝી શાહને માર્શલ આર્ટ્સ કરતી જોવી ભયાનક લાગે છે! તો ભાઈ પણ રોકેટ લૉન્ચર SUVમાં જ રાખે છે બોલો!

જોવી કે નહીં?
આટલું લખ્યા પછી અહીં કાંઈ લખવાની મને જરૂર લાગતી નથી. તેમ છતાંય સલમાન ખાનના ફેન માટે તો, કોઈ ક્યાં કાંઈ કહી શક્યું છે! – ફિલ્મ કેવી ન બનાવવી જોઈએ, એ શીખવા જરૂર જોવી જોઈએ! અને એ પણ ચોખવટ કરી દઉં કે જેટલું બધા કહે છે, એટલું ખરાબ મુવી પણ નથી.
It is bad but not so bad!

આ શુક્રવારે એક જ મુવી રિલીઝ થયું છે. એટલે કે સરવાળે આ ‘રેસ’ છે જ નહીં!

રેટિંગ : 3/10

આલેખન : મનન બુધ્ધદેવ, મોરબી
Whatsapp : 9879873873
FaceBook : Master Manan

- text