પાણીનો સંગ્રહ કરી વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ : કેબિનેટ મંત્રી સૌરભભાઇ પટેલ

- text


“જળ અભિયાન” અંતર્ગત હળવદના સામતસર તળાવને ઉંડુ કરવાના કામનું કરાયું ખાતમુહુર્ત : ભાજપના હોદેદારો તેમજ અધિકારી રહ્યા ઉપસ્થિત

હળવદ : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ “સુજલામ્ સુફલામ્ જળ મહાઅભિયાન” અંતર્ગત હળવદમાં નગરપાલિકા દ્વારા જળ સંચય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં હળવદના સામતસર તળાવને ઉંડુ કરવાના કામનું કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. આ તકે રાજકીય આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાણી એ મનુષ્ય માટે કુદરતે આપેલ અણમોલ ભેટ છે. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. તેમ કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી સૌરભભાઈ પટેલે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત હળવદ ખાતે આવેલ સામતસર તળાવને ઉંડું કરવાના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું. તેમણે સમગ્ર ગુજરાતમાં જળ અભિયાન થકી પાણીનો સંગ્રહ થાય અને પાણીના તળ ઉંચા આવે તે માટે રાજય સરકારે ૧લી મે-૨૦૧૮ થી મહા અભિયાનની શરૂઆત કરી હોવાનું જણાવી રાજયમાં પીવાના પાણી તેમજ સિંચાઇ માટેના પાણીના સંગ્રહ માટે રાજય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. સિંચાઇ અને પીવાના પાણીની મુશ્‍કેલી ન સર્જાય તે માટે રાજય સરકારે આરંભેલા આ મહાઅભિયાનમાં સૌ નાગરિકો જોડાઇ સહયોગ આપવા પણ ઉપસ્થિતતોને અનુરોધ કર્યો હતો. કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે આ તકે વધુમાં જણાવ્યું હતું કે, પાણીના તળ ઉંચા આવે તે માટે રાજય સરકાર દ્વારા રાજયભરના જળાશયો પુનર્જીવીત કરવાનો અભિયાન શરૂ કરેલ છે. તેમાં દરેક નાગરિક જોડાઇ પોતાના ગામનું તળાવ ચેકડેમ ઉંડુ કરવાનો સંકલ્પ કરી જળ સંગ્રહના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી. મંત્રીશ્રીએ ‘‘પાણી બચાવો, પાણી આપણને બચાવશે‘‘ ના અભિગમને ધ્યાને રાખી હાથ ધરાયેલા રાજય સરકારના આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં જળ અભિયાનની કામગીરી પાછળ જુદાજુદા કામો હાથ ધરવામાં આવનાર હોવાનું પણ ઉમેર્યું હતું.

- text

રાજયના કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલના હસ્તે હળવદના સામતસર તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું. આ પ્રસંગે પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, હળવદ નગરપાલિકાના પ્રમુખ હિનાબેન રાવલ, જિલ્લા કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ હળવદ ભાજપના હોદેદારો અને ગ્રામ્ય શહેર સંગઠનના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.

- text